SGVP ગુરુકુલ ધર્મજીવન મિશન ટ્રસ્ટના ઉપક્રમે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામિની નિશ્રામાં ૪-૫-૬ સપ્ટેમ્બર, ૨૦૧૫ દરમ્યાન ત્રિદિવસીય સાધના શિબિરનું આયોજન થયું.
જેમાં અમેરિકાના વિવિધ રાજ્યો તથા કેનેડાથી અનેક સમર્પિત પરિવારોએ ભાગ લીધો. આ શિબિર રીચમન્ડના રાજેશભાઇ લાખાણી પરિવારના યજમાન પદે યોજવામાં આવી હતી.
શિબિરનો આરંભ ઘનશ્યામ ભગતના કંઠે ગવાયેલા સુમુધર કીર્તનો અને ધૂનથી થયો હતો. વેદાંત સ્વામીએ સાધના-સત્રની વિગતોથી સર્વને માહિતગાર કર્યા હતા.
સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, પરિવારમાં પરસ્પર પ્રેમ અને આદરથી સુસંસ્કૃત અને સદાચારી વાતાવરણનું સર્જન કરવું એ પણ એક સાધના જ છે.
સંસ્કારી પરિવારનું સર્જન પ્રેમની ઇંટોથી થાય છે, સ્વાર્થની ગણતરીના મલોખડાંથી નહિ. પરસ્પર સ્નેહ, સમજણ અને સમર્પણ પરિવારને શ્રેષ્ઠ બનાવવાનો પાયો છે.
સાધના શિબિર પ્રસંગે સ્વામીશ્રીએ આંતરયાત્રાનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે, જે પોતાના મન ઉપર શાસન કરી શકે છે એ જ સાચો સમ્રાટ છે.
સ્વામીશ્રીએ મનને જીતવાની કેટલીક રીતો સમજાવી હતી. સ્વામીશ્રીએ શિબિરમાં સાધના ઉપરાંત પરસ્પર પ્રશ્નોતરીનું મહત્ત્વ સમજાવ્યું હતું. સભામાં પ્રશ્નોતરીનો કાર્યક્રમ અત્યંત રસપ્રદ રહ્યો હતો.
શિબિર દરમિયાન જન્માષ્ટમીનું મંગલ પર્વ આવતું હોવાથી સહુ ભક્તજનોએ સાથે મળીને ધામધૂમથી નંદમહોત્સવ ઉજવ્યો હતો. સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી હૃદયમાં પરમાત્મા ન પ્રગટે ત્યાં સુધી આ ઉત્સવ પરંપરા અધૂરી છે અને ચાલું રહેશે. બહારના મંદિરોને સજાવીએ એથી વિશેષ દિલના મંદિરને સજાવવાની જરૂર છે.
જ્ઞાનનો દીપક, ભાવના પૂષ્પો, સત્કર્મની અગરબત્તી એ દિલ મંદિરની પૂજાની સામગ્રીઓ છે. ‘હૈયાની ભક્તિ હાથેથી વરસવી જોઇએ’ અર્થાત આપણા હાથેથી નિસ્વાર્થભાવે સેવા અને સત્કર્મો થતા રહેવા જોઇએ.
શિબિરમાં રોજ સવારે વેદાંત સ્વામી ધ્યાન કરાવતા હતા. પાર્ષદ ઘનશ્યામ ભગતના કીર્તનો અમૃતરસ રેલાવતા હતા. કુંજવિહારી સ્વામી, ભક્તિપ્રિયસ્વામી પ્રાસંગીક તૈયારીઓ કરવાની સેવા બજાવતા રહેતા. પાર્ષદવર્ય પરશોત્તમભગત પ્રસંગોપાત કથાવાર્તાનો લાભ આપતા હતા. શિબિરના અંતે વીરજીભાઇ પાઘડાળ, વિજયભાઇ સોલંકી, તેજસ શાહ, ધર્મેશ પટેલ, કાંતિભાઇ દેવાણી વગેરેએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. રાજેશભાઇ લાખાણી પરિવારે શિબિરાર્થીઓના અતિથિ સત્કારમાં કોઇ કચાશ રહેવા દીધી નહોતી. હેગર્સટાઉનવાળા ભરતભાઇ પટેલ પરિવારે પણ ઉત્સાહથી સાથ આપ્યો હતો.
Picture Gallery