લેસ્ટર ખાતે આવેલ સનાતન મંદિર એટલે હિંદુ ભક્તોનો આધાર સ્તંભ. હિંદુ ધર્મના તમામ સાધુ સંતો અહીં પધારીને ભક્તજનોને સત્સંગનો અલભ્ય લાભ આપતા રહે છે.
તા. ૫ મે, રવિવારના રોજ સાંજે ૭:૦૦ કલાકે પૂજ્ય સ્વામીજીના સાનિધ્યમાં સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સનાતન મંદિરના પ્રમુખશ્રી વિભૂતિબેન આચાર્યવતી ઉપપ્રમુખશ્રી રમણભાઈ બાર્બર તથા કમિટીના સભ્યશ્રીઓએ અહોભાવથી પૂજ્ય સ્વામીજી તથા સંતોનું સ્વાગત પૂજન કર્યું હતું.
કથા શ્રવણ કરવા એકત્રિત થયેલા ભક્તજનોને સત્સંગનો લાભ આપતા પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, “જીવનમાં ઈષ્ટદેવના નામનો જપ અતિ આવશ્યક છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતાજીમાં કહ્યું છે કે, ‘સર્વ યજ્ઞોમાં જપયજ્ઞ સર્વથી શ્રેષ્ઠ છે.’ જપ શબ્દની વ્યાખ્યા કરતા મહાપુરુષો કહે છે કે, અનેક જન્મના પાપોને બાળીને ભસ્મ કરે તે જપ છે. જપથી આ લોકના મનોરથ સિદ્ધ થાય છે. આધ્યાત્મિક ઉન્નતિ માટે જપ આવશ્યક છે. દુનિયાના શ્રેષ્ઠ, બુદ્ધિશાળી મહાપુરુષો જપના સહારે જ મહાન બન્યા છે. ભિષ્મપિતામહ, શંકરાચાર્યજી વગેરે મહાપુરુષો એમનું ઉદાહરણ છે.” વિશેષમાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, “આ સનાતન મંદિરનું પ્રમુખપદ બહેનો સંભાળે છે એ ગૌરવની વાત છે.”
આ પ્રસંગે ભૂજના પ્રસિદ્ધ કબીર આશ્રમના મહંતશ્રી કિશોરદાસજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની અમૃતવાણીનો લાભ આપ્યો હતો. સ્વામીશ્રી તથા કિશોરદાસજી મહારાજનું પ્રેમભર્યું મિલન સર્વને સ્પર્શી ગયું હતું અને સનાતન ધર્મના વિવિધ પંથોની એકતાનું દ્યોતક બની રહ્યું હતું.
આ પ્રસંગે લેસ્ટરમાં નિવાસ કરતા ભક્તજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સત્સંગનો લાભ આપ્યો હતો. આ સત્સંગ સભાના આયોજનમાં હરિભાઈ રાઠોડ, યોગેશભાઈ ગાંધી, હસમુખભાઈ વગેરે ભક્તજનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક તૈયારીઓ કરી હતી.