સત્સંગ વ્યાખ્યાન માળા – વાશી, નવી મુંબઈ
ફેબ્રુઆરી ૧, ૨ – ૨૦૧૨ના રોજ વાશી ખાતે મુંબઈના હરિભકતોના આગ્રહથી બે દિવસીય સત્સંગ વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ વિસ્તારના હરિભક્તોએ સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સત્સંગનો લાભ લીધો હતો. પૂજ્ય પુરાણી સ્વામી, પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય શ્રીહરિદાસજી સ્વામીએ પણ સત્સંગ નો લાભ આપ્યો હતો.
સત્સંગ સભા – પનવેલ
મુંબઇની બાજુમાં આવેલ પનવેલ ખાતે જયેશભાઇ સોનેતા, વિજયભાઇ સોનેતા વગેરે હરિભકતોના આગ્રહને માન આપી, વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ લોનાવાલા મુકામે શ્રીનવિનભાઇના નિવાસ સ્થાને શાકોત્સવ પૂર્ણ કરી પનવેલ પધારતા ત્યાંના સ્થાનિક હરિભકતો ચીમનભાઇ સોનેતા, પ્રવિણભાઇ સોનેતા, ભાવિનભાઇ, દિપકભાઇ મીરાણી વગેરેએ મહારાજશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.સ્વાગત બાદ પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પ્રવચન કરતા જણાવ્યું હતું કે આજથી ૨૦૦ વર્ષ પૂર્વે શ્રી સ્વામિનારાયણ ભગવાને જેને પોતાની ગાદી સોંપેલ તે આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે સત્સંગની ખૂબજ સેવા કરેલ. તેને પગલે હાલ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ ગામડે ગામડે ફરી સત્સંગની સેવા કરી રહ્યા છે. આપણને આવા નિઃસ્પૃહી, નિષ્ઠાવાન, રાકેશપ્રસાદજી મહારાજ જેવા આચાર્ય મળ્યા છે તે સંપ્રદાય માટે ગૌરવની વાત છે. તેનામાં નિષ્ઠા રાખી તેમના કાર્યમાં મદદ કરવી એ આપણી ફરજ બની રહે છે. તેઓશ્રીએ અત્યાર સુધીમાં અનેક મુમુક્ષુઓને દિક્ષા આપી છે. ઘણાં વર્ષોથી નવા મંદિરોમાં અટલાઇ ગયેલ મૂર્તિ પ્રતિષ્ઠાઓ કરી સતત વિચરણ કરી રહ્યા છે.આ પનવેલ મંદિરમાં પ્રથમથી જ દયાળજી બાપાનો તેમજ તેના પરિવારનો અગત્યનો ફાળો છે. દયાળજી બાપાએ પોતાના પરિવારમાં જે સત્સંગના બીજ રોપ્યા છે તે આજે વટવૃક્ષ રુપે દેખાઇ રહ્યા છે. અહીંના સત્સંગીઓનો રંગ ચડતો ને ચડતો છે.પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ જણાવ્યુ હતું કે આપ સૌને સંતોનો જે જોગ મળ્યો છે મોટી વાત છે. ગુરુકુલના સંતો શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ આ સત્સંગ રુપી બાગને નવપલ્લવિત રાખ્યો છે તેનો અમને ગર્વ છે. ખરેખર પૂજ્ય શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના પગલે પગલે આ સંતો દેશવિદેશમાં અવિરત પરિશ્રમ કરી રહ્યા છે.દરેકના અંતરમાં સદ્ગુરુપ્રત્યે શ્રદ્ધા ને વિશ્વાસ હોવો જોઇએ. સદ્ગુરુના સત્સંગ સિવાય એકલા શાસ્ત્રો કામમાં આવતા નથી. વાછરડાને જોઇને ગાય પારસો મૂકે એ જ રીતે સદ્ગુરુના સંગમાં શાસ્ત્રો ખુલે છે ને ખીલે છે અને પોતાનું રહસ્ય પ્રગટ કરે છે. શાસ્ત્રના વચનોનું દર્શન સદ્ગુરુના જીવનમાં થાય છે.આ પ્રસંગે સોનેતા પરિવાર તરફથી મહાપૂજાનો કાર્યક્રમ રાખવામા આવેલ. પૂજન બાદ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના હસ્તે ઠાકોરજીની આરતી ઉતારવામા આવી હતી.આ પ્રસંગે રાજકોટથી પરશોત્તમભાઇ બોડાની રાહબરી નીચે આવેલા ૧૫૦થી વધારે હરિભકતો, નવિનભાઇ દવે, મધુભાઇ દોંગા, ધીરુભાઇ અસ્વાર, ડો.ઓઝા સાહેબ, દિલીપભાઇ મીરાણી, ગિરીશભાઇ મીરાણી, જયેશભાઇ મિરાણી, રાજેન્દ્ર સોનેતા, દેવેન્દ્રભાઇ પોપટ, દિનેશભાઈ પોપટ, કિરીટભાઇ બાખડા વગેરે સ્થાનિક હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.