સ્વામી શ્રી માધવપ્રિયદાસજી યુ.કે. સત્સંગ યાત્રામાં લંડન ખાતે જલારામ મંદિરમાં પધાર્યા હતા. આ પ્રસંગે મંદિરનું સંવાહન કરતા ટ્રસ્ટી મિત્રોએ ખૂબ જ આનંદપૂર્વક સ્વામીશ્રીનું સ્વાગત પૂજન કર્યું હતું.
દર ગુરુવારે મંદિરમાં ચાલતા સદાવ્રતને વધાવતા સ્વામીશ્રીએ મંગલ પ્રવચન કર્યું હતું. સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, “ભારતીય સંસ્કૃતિમાં ઈષ્ટદેવની પૂજા, શાસ્ત્રોનો સ્વાધ્યાય, માતા-પિતાની સેવા, માનવમાત્રની સેવા તથા જીવપ્રાણીમાત્રની સેવા આ પાંચ યજ્ઞોનું પ્રાધાન્ય છે.”
“ભારતીય સંસ્કૃતિ માત્ર માનવને જ મહત્ત્વ નથી આપતી. ભારતીય સંસ્કૃતિમાં પશુ, પંખી, વૃક્ષો, લતાઓમાં પણ પરમાત્માનો વાસ માનવામાં આવે છે અને પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ કરવાનું શીખવાય છે.”
આ પ્રસંગે લંડનના વિવિધ વિસ્તારમાંથી મંદિરમાં પૂજા અર્ચન માટે એકત્રિત થયેલા ભક્તજનો સ્વામીશ્રીની ઉપદેશવાણીનું શ્રવણ કરીને ખૂબ જ પ્રસન્ન થયા હતા. ભક્તજનો તથા મંદિરના અગ્રણીઓ શ્રી શરદભાઈ ભીમજીયાણી, રશ્મીભાઈ ચટવાણી, રજનીભાઈ ડાવરા, અમૃતભાઈ રાજાણી, મનસુખભાઈ મોરજરીયા, લક્ષ્મીદાસભાઈ પોપટ, રજનીભાઈ ખીરોયા, પ્રકાશભાઈ ગંડેચા, પ્રફુલભાઈ રાડિયા, અમૃતાબેન મસરાણી, જયુભાઈ મોરજરીયા વગેરેએ સ્વામીશ્રીને અવારનવાર પધારવા ભાવપૂર્વક આગ્રહ કર્યો હતો. પુજારી શ્રી પલ્કેશભાઈ તથા પિયુષભાઈએ પૂજનવિધિ તથા આરતી કરાવી હતી.