Photo Gallery
આજનું બાળપણ જ્યારે ડિજિટલ સ્ક્રીનમાં સમેટાતું જાય છે અને પરિણામે એકલતા ભરેલી કિશોર અવસ્થા અને ટેન્શન અને ડિપ્રેશન યુવાની ભેટમાં મેળવે છે ત્યારે, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે વેકેશન દરમ્યાન, બાળકોને સંવયસ્કો સાથે સમૂહ જીવન ખિલાવવાની તક મળે, નવું નવું જાણવાની જિજ્ઞાસા થાય ને તે સંતોષાય હેતુથી શિક્ષણ સાથે સંસ્કાર સભર બાલ શિબિર પરમ પૂજ્ય ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા તથા પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા ના પાવન સાનિધ્યમાં, બાળકોમાં સંસ્કાર રેડાય તેવા હેતુથી સત્સંગ બાલ શિબિરનું તા. ૧૩-૫-૨૦૨૩ થી ૧૬-૫-૨૦૨૩દરમ્યાન આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં બાળકોએ અનેક પ્રકારના આયોજનોમાં ભાગ લઈ સત્સંગ સાથે શિક્ષણના સંસ્કાર મેળવ્યા હતા.
જેમાં મુંબઇ, સુરત, વાપી, અમદાવાદ, અંકલેશ્વર, કોલ્હાપુર, રાજકોટ, વગેરે શહેરોમાંથી ૨૦૦ વિદ્યાર્થીઓ જોડાયાં છે. જેમાં સંતોના માર્ગદર્શન નીચે બાળકોને વિવિધ ઉત્સવોની સામૂહિક ઉજવણી સાથે શારીરિક, બૌધિક વિકાસ માટે ઉપયોગી મેદાની રમતો પણ શીખવાડવામાં આવે છે.
ઉપરાંત, ભગવાન શ્રી રામ, શ્યામ અને સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્રો, મહાપુરુષોના જીવનચરિત્રો, તેમજ સવારની દૈનિક ક્રિયા, ભગવાનની પૂજાપાઠ, યોગસન, શીખવાડમાં આવે છે. તેમજ ગુરુકુલમા ચાલી રહેલ દૈનિક યાગમાં બાળકો ભાગ લઇ રહ્યા છે. માતાપિતા, વડીલો અને ગુરૂજનો પ્રત્યે આદર અને ભગવાનમાં નિષ્ઠા સાથે બાલજીવનમાં કૌટુંબિક અને સામાજિક જીવન મૂલ્યોનું સિંચન કરવામાં આવે છે.
સંતો દ્વારા બાળકોને સત્સંગની રીત દંડવત, પૂજા, વંદન, શાસ્ત્રવાચન, યોગ, પ્રાણાયામ તથા માતાપિતાની સેવા, વડીલોને આદરભાવ વગેરે સંસ્કારલક્ષી કેળવણી આપવામાં આવી હતી. એ ઉપરાંત બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવતી વક્તૃત્વ સ્પર્ધા, એક પાત્રીય અભિનય, નૃત્ય, જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું. ઉપરાંત કેમ્પસમાં રહેલી સ્વીમીંગ, હોર્સ રાઈડીંગ, ક્રિકેટ, ફૂટબોલ વગેરે રમતોના મેદાનોની સુવિધાઓના ઉપયોગ દ્વારા બાળકોએ ખૂબ જ આનંદ માણ્યો હતો. આ શિબિરમાં પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ બાળકોને હળવી શૈલીમાં વાર્તાઓ દ્વારા બોધ આપ્યો હતો તેમજ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બાળકોને ઇનામ અર્પણ કર્યાં હતાં.તેના સમાપન સમારોહ (ક્લોજીંગ સેરેમની) પ્રસંગે માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં ૨૦૦ બાળ શિબિરાર્થી બાળકોના ૪૦૦ જેટલા વાલીઓ -માતા પિતા ઉપસ્થિત રહ્યા હતા.
ભૂદેવોના મંગળ વેદગાન સાથે, તમામ ૨૦૦ બાળકો પોતાના માતા પિતા સમક્ષ પૂજાપાના સામાન સાથે સામે બેસી, માતા પિતાના ચરણ ધોઇ, તેનું આચમન કર્યા બાદ ભાલે ચંદનથી અર્ચા કરી પૂજન કરેલ. ત્યાર બાદ બાળકોએ માતા પિતાની આરતિ ઉતારી, પ્રદક્ષિણા કરી દંડવત પ્રણામ કર્યા ત્યારે ખરેખર આ દ્રશ્ય અદ્ભૂત અને ભાવવાહી હતું.
આ પ્રસંગે પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે ભારતના તમામ ધર્મો માતા પિતા પ્રત્યે આદરભાવ શીખવાડે છે. આપણા વેદોએ પણ માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ-માતાપિતાને દેવ માની તેના પ્રત્યે આદરભાવ રાખવાનું કહે છે.
ભગવાને આપણને જે જીવન આપેલ છે તે અણમોલ છે. જીવન બાહ્ય શણગારોથી શોભતું નથી પણ સદગુણોથી શોભે છે. માતા પિતાની સાનિધ્યમાં નાનપણમાં પડેલા સંસ્કારો જીવન પર્યંત ટકી રહે છે. માટે માતા પિતા અને વડિલોની આજ્ઞામાં રહી તેમની સેવા કરજો.
આ પ્રસંગે કિશિવ પ્રજાપતિએ કરાટે દાવ, અંશ જોષીએ મહાભારત કૃતિ વિષે, નિર્ભય શાહે સહજાનંદ સ્વામીના જીવન વિષે, હેત પટેલે બાલ શિબિરના સ્વાનુભવો, બાલ કલાકાર સિદ્ધરાજ સિંધવે હાસ્ય કાર્યક્રમ, રુદ્ર કેરાઇએ દેશભક્તિના ગીતો, તીર્થ ઠોળિયાએ દેશ ભક્તિના ગીતો રજૂ કર્યા હતા. તેમજ મેમનગર બાલ મંડલના બાળકોએ દેશભકિતનો કાર્યક્રમ રજુ કર્યો હતો. ભરતભાઇ ભુવા એ વાલી તરીકેના અનુભવો વર્ણવ્યા હતા. અંતમાં શિબિર દરમ્યાન શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી બાલ શિબિરાર્થી નિયમ નરેશભાઇનો જન્મદિવસ ઉજવ્યો હતો.
આ શિબિરનું તમામ આયોજન શાસ્ત્રી શ્રી દર્શનપ્રિયદાસજી સ્વામી, પૂજ્ય સર્વમંગલદાસજી સ્વામી તથા નાના સંતોએ કર્યું હતું. સંતો સાથે વ્યવસ્થાપનમાં ગુરુકુલના વિદ્યાર્થીઓ તથા હરિભક્તો જોડાયા હતા.