Photo Gallery
ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી ભારતીય સંસ્કૃતિના પ્રચારાર્થે અવિરત વિચરણ કર્યા કરે છે. લંડન ખાતે વેમ્બલી વિસ્તારમાં હિંદુ ધર્મની ધ્વજા લહેરાવનાર ‘ભવ્ય સનાતન મંદિર’ છે. આ સનાતન મંદિર હિંદુધર્મની ભવ્યતા અને દિવ્યતાનું દર્શન કરાવનારું છે. અહીં ભગવાન શ્રી સીતારામજી, શ્રી રાધાકૃષ્ણદેવ, ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી શિવ-પાર્વતીજી, શ્રી રણછોડરાયજી, શ્રી અંબાજી, શ્રી તિરુપતિબાલાજી, શ્રી શ્રીનાથજી ઉપરાંત માતાજીના વિવિધ સ્વરૂપો બિરાજે છે.
સનાતન મંદિરનું નિર્માણ અજમેરી પથ્થરમાં થયું છે. મંદિરની વિવિધ પ્રકારની કોતરણીમાં ભારતીય સંસ્કૃતિનો અદ્ભૂત ઈતિહાસ કંડારવામાં આવેલો છે. મંદિરમાં બિરાજમાન દેવોના સિંહાસન પણ અદ્ભૂત કોતરણીથી કંડારાયેલા છે. મંદિરના સ્તંભો અને દિવાલોમાં રામાયણ, ભાગવત અને મહાભારતના સુંદર પ્રસંગોને કંડારવામાં આવેલા છે. કલા કોતરણીની દ્રષ્ટિએ આ મંદિર સમગ્ર ઈંગ્લેન્ડમાં અજોડ છે. એક દક્ષિણ ભારતને છોડીને ભારતમાં પણ આવા મંદિરો ભાગ્યે જ જોવા મળે છે.
આ દિવ્ય અને ભવ્ય મંદિરના સંચાલક અને ટ્રસ્ટીમંડળના સભ્યશ્રીઓ તરફથી સ્વામીશ્રી માધવપ્રિયદાસજીને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. પૂજ્ય સ્વામીજી મંદિરે પધાર્યા ત્યારે મંદિરના ટ્રસ્ટીશ્રી મહેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ વગેરે ટ્રસ્ટીમંડળના સભ્યોએ હેતપૂર્વક સ્વાગત કર્યું હતું.
મંદિરના પૂજારીશ્રીઓએ મંદિરમાં બિરાજતા દેવો અને સ્વામિનારાયણ ભગવાનનું વિશેષ પૂજન કરાવ્યું હતું. સાથેસાથે સ્વામીજીના શુભ હસ્તે મંદિરના પ્રાંગણમાં બિરાજમાન શ્રીકામનાથ મહાદેવનો જલાભિષેક કરાવ્યો હતો.
ટ્રસ્ટીશ્રીઓએ સ્વામીશ્રીની સાથે ફરીને મંદિરમાં બિરાજતા દેવોના દર્શન કરાવ્યા હતા અને એક એક સ્તંભમાં રહેલી વિશિષ્ટ કલાકૃતિનો પરિચય આપ્યો હતો. આ જોઈને સ્વામીશ્રીએ પોતાના હૈયાની પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘આ મંદિર હિંદુ ધર્મનું ગૌરવ છે. આ મંદિરમાં હિંદુ ધર્મના વિવિધ પાસાઓનો સમન્વય છે. આ મંદિર લંડન ખાતેના દર્શનીય સ્થળોમાં સ્થાન પામવું જોઈએ.’
આ અવસરે મંદિરના પરિસરમાં આવેલા ‘ગોકુલધામ હોલ’માં શિવ પુરાણની દિવ્ય કથા ચાલી રહી હતી. અહીં કથાનું શ્રવણ કરાવવા માટે ભારતના સુપ્રસિદ્ધ શિવપુરાણના વક્તા અને સ્વામીશ્રીના સ્નેહી ‘પૂજ્યશ્રી ગિરિબાપુ’ પધાર્યા હતા. ગિરિબાપુ વર્ષોથી સ્વામીશ્રી સાથે સ્નેહ ધરાવે છે. બાપુના પ્રેમને વશ થઈને સ્વામીશ્રી કથામાં પધાર્યા હતા.
ગિરિબાપુએ વ્યાસપીઠેથી સ્વામીશ્રીનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું અને સ્વામીશ્રીના આગમનથી પોતાના હૈયાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
કથાનું શ્રવણ કરવા માટે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયેલા ભક્તજનોને પ્રેરક ઉદ્બોધન કરતા સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘હિમગીરી હિમાલયમાંથી વહેતી ગંગા ધરતીને પાવન કરે એ જ રીતે ગિરિબાપુના મુખથી વહેતી કથાગંગાએ વિદેશની ધરતીને પાવન કરી છે.
આજના યુગમાં કથાની વ્યાસપીઠો ભારે આશીર્વાદરૂપ છે. કથા બે તુટેલા હૈયાને જોડે છે. પરિવારને ખંડિત થતાં રોકે છે. જીવનની સાચી દિશા આપે છે. રાષ્ટ્રીય વિચારધારાને પુષ્ટ કરે છે. આ કથાઓ દ્વારા અનેક હોસ્પિટલો, શિક્ષા સંસ્થાનો, ગૌશાળાઓ અને સદાવ્રતો ચાલે છે. વ્યાસપીઠ જગતનો બહુ મોટો ઉપકાર કરી રહી છે.’
પૂજ્ય ગિરિબાપુએ કથા દ્વારા તમને ભારતીયતાના રંગથી રંગી દીધા છે. ઈંગ્લેન્ડમાં વસતા ભક્તજનોએ યાદ રાખવું જોઈએ કે, ઈંગ્લેન્ડ આપણી કર્મભૂમિ છે અને ભારત એ આપણી ધર્મભૂમિ છે.’
‘તમે ઈંગ્લેન્ડમાં રહીને આજીવિકા મેળવો છો તો ઈંગ્લેન્ડ પ્રત્યે વફાદાર રહેવું તમારો ધર્મ છે. સાથે સાથે એ પણ ન ભુલવું જોઈએ કે, આપણે ઋષિમુનિઓના સંતાન છીએ. ઋષિઓએ આપણને જે અધ્યાત્મનો વારસો આપ્યો છે તે વિશ્વમાં અજોડ છે.’
‘આજે જગતમાં ચારેબાજુ પોઝીટીવ થીંકીંગની વાતો થાય છે. પોઝીટીવ થીંકીંગના વર્કશોપ ચાલે છે. શિવજીના દરબારમાંથી આપણને જે પોઝીટીવ થીંકીંગ મળે છે તે બીજે મળવું દુર્લભ છે.
કૈલાશ જેવી દુર્ગમ જગ્યા હોય અથવા તો સ્મશાન જેવી ભેંકાર જગ્યા હોય. જ્યાં કોઈ સાધન સગવડતા ના હોય ત્યાં ભગવાન શિવજી ભારે મોજથી રહે છે. પોતે વિષપાન કરે છે અને આપણને અમૃત આપે છે. શિવ દરબારમાં મોટા ભાગના બધા વિરોધી સ્વભાવના છે. મોર અને સર્પ, સર્પ અને ઉંદર, નંદી અને સિંહ વગેરે બધા મોટા ભાગના વિરોધી સ્વભાવના છે છતાં ભગવાન શિવજીના પ્રભાવથી બધા એક સંપથી સાથે રહે છે. પરિવારમાં સુખી રહેવું હોય તો શિવ દરબારમાંથી ઘણું શીખવા જેવું છે.’
પૂજ્ય સ્વામીશ્રીની અમૃતવાણીનું શ્રવણ કરીને ભક્તજનોએ હૈયાનો આનંદ વ્યક્ત કરતા તાલીઓના નાદ સાથે ભગવાનના નામનો જયઘોષ કર્યો હતો.