નિકોલ-નરોડા ખાતે સ્વામી માધવપ્રિયદાસજીના સાંનિધ્યમાં યોજાયો અનોખો
સેમિનાર ‘ચર્ચા અને પ્રશ્નોત્તરી’
પરમ પૂજ્ય ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીના સાંનિધ્યમાં નિકોલ-નરોડા ખાતે તા. ૧૭ માર્ચ ૨૦૨૪ સનાતન ધર્મ અને વર્તમાન જીવન પધ્ધતિ વિષય ઉપર એક અનોખા પ્રશ્નોત્તર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુરુકુલ પરિવાર નિકોલ-બાપુનગર દ્વારા આયોજિત ‘ચર્ચા અને પ્રશ્નોત્તરી’ સેમિનારના પ્રારંભે પૂજ્ય સ્વામીજીએ વૈદિક મંત્રોના ગાન સાથે ઠાકોરજીનું પૂજન કર્યું હતું. ત્યાર બાદ સમાજના આગેવાનો તથા ભક્તજનોએ પૂજ્ય સ્વામીજીનું સ્વાગત-પૂજન કરી સેમિનારનો પ્રારંભ કરાવ્યો હતો.
પૂજ્ય સ્વામીજીએ પોતાની વિદ્વત્તાસભર વાણીમાં સનાતન ધર્મના કેટલાંક મહત્વના મુદ્દાઓ વિશે સમજાવતા કહ્યું હતું કે, ભારત ભાગ્યશાળી છે કારણ કે અહીં ભગવાન અને સંત વારંવાર પધારે છે. ભારતની સંસ્કૃતિ દિવ્ય છે, અહીં ભગવાન ઉપરથી જ જોતા નથી, પોતાના બાળકોની વચ્ચે રામ-શ્યામ-ઘનશ્યામ સ્વરૂપે અવતરે છે. એ અવતારોમાં જો શ્રદ્ધા હશે તો ક્યારેય હતાશ નહીં થવાય, માર્ગથી ભટકી નહીં જવાય.
ખાસ કરીને આજે સમાજમાં સૌહાર્દની જરૂર છે. હિન્દુ સમાજ પરસ્પર જોડાયેલો રહે, તોડનારા પરિબળોથી દૂર રહે તેની ખાસ તકેદારી રાખવાની છે. આજે કાતરની નહીં, પરંતુ સોયની વધારે જરૂર છે.
ત્યારબાદ પ્રશ્નોત્તરીમાં આજના સમયને આધારે યુવાનેને મુંઝવતા કેટલાંક પ્રશ્નોના ઉત્તર આપીને પૂજ્ય સ્વામીજીએ સૌને માર્ગદર્શન આપ્યું હતું.
આજે સનાતન ધર્મ ચારે તરફથી આવતા જોખમોથી ઘેરાયેલો છે. યુવાનો ઉપર કેટલીય પ્રકારના માનસિક વૈચારિક આક્રમણો થઈ રહ્યા છે. આવા સમયે પૂજ્ય સ્વામી દ્વારા અપાયેલ માર્ગદર્શન સહુને સાચી દિશા આપશે.
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ ભવન (નિકોલ-નરોડા)ના વિશાળ ગ્રાઉન્ડમાં આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના આગેવાનો શ્રી મગનભાઈ રામાણી, શ્રી હરેશભાઈ રામાણી, શ્રી હિતેશભાઈ ખૂંટ વગેરે મહાનુભાવો, દાતાશ્રીઓ, ડોક્ટરમિત્રો, કોલેજિયન વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહ્યા હતા. ખાસ કરીને રાજદ્વારેથી મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી ગોરધનભાઈ ઝડફિયા વગેરે રાજકીય મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.