સનાતન ધર્મ અને વિજ્ઞાન – ચર્ચા સાથે પ્રશ્નોત્તરી
રાજનંદગાઁવ – છત્તીસગઢ
પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના અધ્યક્ષ સ્થાને છત્તીસગઢની રાજધાની રાયપુરની બાજુમાં આવેલ સુપ્રસિદ્ધ નગર રાજનંદગાઁવ ખાતે શ્રીશાંતિભાઈ ભાવાણી પરિવાર દ્વારા તા. 22 થી 24 ઓગસ્ટ, 2024 દરમ્યાન શ્રીકચ્છ કડવા પાટીદાર સમાજના સહયોગથી ત્રિદિનાત્મક જ્ઞાનસત્રનું આયોજન થયું.
સનાતન ધર્મ અને વિજ્ઞાન વિષયને અનુલક્ષીને આયોજીત આ ત્રિદિનાત્મક સત્રમાં પૂજ્ય સ્વામીજીએ જીજ્ઞાસુ શ્રોતાઓને સનાતન ધર્મની વ્યાપકતા તેમજ સમન્વયવાદી વિચારધારાની સમજ આપી હતી. આ ઉપરાંત, ઉપસ્થિત યુવાનોના સનાતન ધર્મ તેમજ સામ્પ્રત સમયના જીવનલક્ષી પ્રશ્નોના શાસ્ત્રોક્ત તેમજ રસપ્રદ પ્રત્યુત્તર આપી સૌને સંતોષ અને આનંદની અનુભૂતિ કરાવી હતી.
પૂજ્ય સ્વામીજીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, ધર્મ અને વિજ્ઞાન એક સિક્કાની બે બાજુ છે. આજનું આધુનિક વિજ્ઞાન જ્યાં વિરામ પામે છે, ત્યાંથી સનાતન ધર્મના વિજ્ઞાનની શરૂઆત થાય છે. સનાતન ધર્મ માનવજીવન સાથે જડાયેલો ધર્મ છે. સનાતન ધર્મના શાશ્વત મૂલ્યોનું અનુસરણ માનવજીવનને આદર્શ અને ઉર્ધ્વગામી બનાવે છે.
પૂજ્ય સ્વામીજીએ યુવાનોના પ્રશ્નોનું સમાધાન કરતી વખતે જણાવ્યું હતું કે, તર્ક-વિતર્ક અને પ્રશ્નોની ચર્ચાથી થોડીવાર બૌદ્ધિક સંતોષ મળી શકે છે, પરંતુ શાશ્વત શાંતિ અને આત્મસંતોષ તો ભારતના પ્રાચીન વૈજ્ઞાનિકો જેવા ઋષિઓએ પ્રવર્તાવેલ સનાતન ધર્મના મૂલ્યોના અનુસરણથી જ પ્રાપ્ત થાય છે. માત્ર બૌદ્ધિક ચર્ચા મનુષ્યને શુષ્ક અને તાર્કિક બનાવે છે, જ્યારે સદાચાર અને ઇષ્ટ-ઉપાસના મનુષ્યને શાંતિ અને પ્રસન્નતાથી ભરી દ્યે છે.
પૂજ્ય સ્વામીજીના મુખેથી સનાતન ધર્મના સિદ્ધાંતો અને વ્યાપકતાની વાતો સાંભળી હિન્દુ ધર્મના અનેક યુવાનોને સંતોષકારક સમાધાન મળ્યું હતું.
શ્રીકચ્છ કડવા પાટીદાર સમાજ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS), વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો તેમજ ખૂબ મોટી સંખ્યામાં યુવાન-યુવતીઓ આ જ્ઞાનસત્રમાં જોડાયા હતા. ઉપરાંત, રાયપુર, નાગપુર વગેરે આજુબાજુના નગરોના અનેક ભાઈ-બહેનોએ આ જ્ઞાનસત્રમાં ભાગ લીધો હતો.
આ ત્રિદિનાત્મક સનાતન ધર્મ અને વિજ્ઞાન ગોષ્ઠીને સફળ બનાવવા શ્રીકચ્છ કડવા પાટીદાર સમાજના પૂર્વ પ્રમુખશ્રી કાંતિભાઈ દીવાણી, મંત્રીશ્રી નરેશભાઈ દીવાણી, યુવકમંડળના પ્રમુખશ્રી મનોજભાઈ દીવાણી, શાંતિલાલભાઈ ભાવાણી તથા એમના બન્ને સુપુત્રો તથા શ્રીકચ્છ કડવા પાટીદાર મહિલા મંડળના પ્રમુખ શ્રીમતિ સુમત્રાબેન દીવાણી તથા યુવકમંડળ અને મહિલા સંઘના ઉત્સાહી ભાઈ-બહેનોએ રાત્રિ-દિવસ પુરુષાર્થ કર્યો હતો.
પૂર્ણાહુતિના પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જીલ્લા સંઘચાલક રાધેશ્યામ શર્માજી, વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંતીય કાર્યકારી અધ્યક્ષ શ્રીચંદ્રશેખર વર્માજી, જિલ્લા સંપર્ક પ્રમુખશ્રી નરેશભાઈ પટેલ, રાજનંદગાઁવ વિભાગનાં સંપર્ક પ્રમુખશ્રી પ્રશાંતભાઈ સોની, રાષ્ટ્ર સેવિકા સમિતિ-રાજનંદગાંવના વિભાગ કાર્યવાહિકા શ્રીમતિ ઉષાબેન મિશ્રા ઉપરાંત છત્તીસગઢ પ્રાંતના અન્ય પદાધિકારીઓ ઉપરાંત RSS તેમજ VHP ના કાર્યકર યુવા ભાઈ-બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્ય સ્વામીજીના મુખે સનાતન ધર્મ અને વિજ્ઞાનની વાતો સાંભળીને ખૂબ જ પ્રભાવિત થયા હતા.