SGVP ના સાહિત્યકાર સ્નેહમિલનમાં ૨૧ જ્ઞાનવર્ધક પુસ્તકોનું વિમોચન
વેદગાનથી ગુંજતા દિવ્ય વાતાવરણમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે વિશ્વકલ્યાણની ભાવનાથી અનેકવિધ સેવાકાર્યોથી ધમધમતા SGVP ગુરૂકુલ અમદાવાદમાં દિપાવલી નૂતન વર્ષનું પ્રથમ સાહિત્યકાર સ્નેહ સંમેલન તા. ૨૩ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ યોજાયું હતું. પરમ પૂજ્ય ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ સંમેલનમાં વરિષ્ઠ સાહિત્યકાર પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પી.કે.લહેરીસાહેબ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશ મેરઝા વગેરે અનેક જાણીતા સાહિત્યકારો અને શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા.
પવિત્ર કાર્તિક માસમાં પરમ પૂજ્ય અ.નિ. ભક્તિપ્રકાશદાસજી સ્વામીની પવિત્ર સ્મૃતિમાં દિવ્ય અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનુષ્ઠાન પ્રસંગે અધ્યાત્મ પુરુષ અને આધુનિક યુગના ઋષિ શ્રી ભાણદેવજી મહારાજના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા પ્રસંગે ઝેડ-કેડ પબ્લિકેશન દ્રારા પૂજ્ય ભાણદેવજી મહારાજના ચૌદ ગ્રંથો, લોકસાહિત્યકાર ડો. નિરંજનભાઈ રાજ્યગુરૂના ત્રણ ગ્રંથો અને ડો. પ્રસાદ બ્રહ્મભટ્ટના બે ગ્રંથો મળી કુલ ઓગણીસ ગ્રંથોનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય પ્રસંગને પૂજનીય સંતો, વરિષ્ઠ સાહિત્યકારો અને મહાનુભાવોએ ઉત્કૃષ્ટ સાહિત્ય સર્જન દ્વારા સાહિત્યિક જ્ઞાનવારસાને સમૃદ્ધ કરવામાં ગૌરવપદ યોગદાન આપવા બદલ લેખકોનો આભાર માન્યો હતો તથા સંસ્થાને આવા આયોજન કરવા બદલ બિરદાવી હતી.
આ પ્રસંગે વિશ્વકોશના સંચાલક તથા લોકપ્રિય કટાર લેખક પદ્મશ્રી કુમારપાળ દેસાઈએ આધ્યાત્મિક ચેતનાને જાગૃત રાખવા ગુરૂકુલની સવિશેષ આવશ્યકતા જણાવી હતી. રાજ્ય સરકારના નિવૃત્ત મુખ્ય સચિવશ્રી અને સોમનાથ જ્યોર્તિલિંગ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરીએ તેમના પ્રાસંગિક પ્રવચનમા અંગ્રેજી ભાષાના આક્રમણ સામે ગુજરાતી ભાષાને ચેતનવંતી રાખવામાં સાહિત્યકારોના યોગદાનને મહત્વનું ગણાવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા થતી કેળવણી અને પેઢીઓના ઘડતરની ઊંચાઈને બિરદાવી હતી.
જાણિતા કથાકાર, વિદ્વાન લેખક અને પ્રખર વકતાશ્રી ભાણદેવજીએ સાહિત્ય સર્જન કરવું એ ઉત્તમ સ્વાધ્યાય કાર્ય છે એમ જણાવી તેમણે ગુરૂ આજ્ઞાથી પચાસ વર્ષ પછી સાહિત્ય લેખનની શરૂઆત કરીને અત્યાર સુધીમા કુલ ૨૬૯ જેટલા પુસ્તકો પ્રગટ કર્યા હોવાનું જણાવ્યું હતું.
ભાષા સાહિત્યના પ્રખર વિદ્વાન અને વરિષ્ઠ સાહિત્યકાર ડો. પ્રસાદ બ્રહ્મભટ્ટે પુસ્તક એ માનવજાતનું મગજ છે એમ જણાવી કહ્યું હતું કે, વિશ્વની ભાષાઓના સાહિત્ય સર્જનમાં ભારતીય ભાષાઓનું સાહિત્ય સર્જન સર્વશ્રેષ્ઠ હોવાનું પુરવાર થયું છે.
અધ્યાત્મ જ્ઞાન અને વિજ્ઞાનનો સમન્વય કરી ભારતીય વૈદિક સંસ્કૃતિના પ્રચારાર્થે મહત્વપૂર્ણ યોગદાન આપી રહેલા પૂજ્ય સ્વામીજીએ સાહિત્યકાર સ્નેહ સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે, સાહિત્યક સેવાઓના માધ્યમથી અમારો ઉદ્દેશ ગુરૂકુલને જ્ઞાનતીર્થ સ્વરૂપે વિકસિત કરવાનો છે. આજે આટલી મોટી સંખ્યામાં સાહિત્યરસિકોની ઉપસ્થિતિ અમારા માટે આનંદથી ક્ષણો છે.
આ પ્રસંગે પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણપ્રિયદાસજી સ્વામી, ગુજરાત ગ્રંથાલય બોર્ડના નિયામકશ્રી પંકજભાઈ ગોસ્વામી, ઝેડ-કેડ પબ્લિકેશનના સંચાલક શ્રી મનીષભાઈ પટેલ, કવિ શ્રી કૃષ્ણ દવે, શ્રી હસિત મહેતા, શ્રી ભગવાનદાસ પટેલ, શ્રી લલિત ખંભાયતા, ચિત્રલેખાના તંત્રી શ્રી કેતન ત્રિવેદી, શ્રી પ્રતાપસિંહ ડાભી, શ્રી નટવર પટેલ, શ્રી હસમુખ પટેલ વગેરે સાહિત્યકારો, સારસ્વતશ્રીઓ, SGVPના ટ્રસ્ટી વિપુલભાઈ ગજેરા, સાક્ષર શ્રી નિસર્ગ આહીર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે પૂજ્ય સ્વામીજી એ આમંત્રિત મહેમાનો સહિતના તમામ કવિઓ, સાહિત્યકારોને સન્માનિત કરી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. તથા સાહિત્યિક પુસ્તકોના પ્રકાશન કાર્યમાં અત્યંત ટુંકા સમયમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નામના મેળવનાર ઝેડ-કેડ પબ્લિકેશનના સંસ્થાપકશ્રી મનીષભાઈ પટેલને બિરદાવ્યા હતા.
પ્રગટ થયેલ ગ્રંથો
પૂજ્ય ભાણદેવજી :- યોગ વશિષ્ટ, ઋષિપંચક, જૈન અધ્યાત્મ વિદ્યા, શિવજીના સ્વરૂપ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પ્રીતમ વરની ચૂંદડી, વાર્તા હિમાલયની, મહાભારત મહાદર્શન, ભક્તિરસની ગંગા, દક્ષિણ ભારતની અધ્યાત્મ ગંગા, અધ્યાત્મ દર્શન, રામકથાની તુલના અને મહાભારતની ઉપકથાઓ.
ડો. નિરંજન રાજ્યગુરૂ : આતમની ઓળખાણ, જોગ જગનની યાત્રા અને આદ્યશક્તિની આરાધના.
ડો. પ્રસાદ બ્રહ્મભટ્ટ : શ્રીમદ આદિ શંકરાચાર્યજી રચિત વિવેક ચુડામણિ – પૂર્વાધ અને ઉત્તરાર્ધ (ગુજરાતીમાં અનુવાદિત બે પુસ્તકો)