પાર્ષદવર્ય શ્રી રવજી ભગતની ગુણાનુવાદ અને શ્રદ્ધાંજલી સભા તા. ૧૩ નવેમ્બર ૨૦૧૧ રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, મેમનગર, અમદાવાદ ખાતે રાખવામાં આવેલ. સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિદ્ધયમાં સંપ્રદાયના જુદા જુદા સ્થાનોથી પધારેલા સંતો, હરિભક્તો અને વિદ્યાર્થીઓની સભાની શરૂઆતમાં સંતોએ પૂજ્ય રવજીભગતને ચંદન પુષ્પથી ભાવાંજલિ અર્પણ કરી હતી.
પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ પૂજ્ય રવજી ભગતના જીવનના પ્રેરક પ્રસંગો સાથે પ્રેરણાદાયી જીવનની ઝાંખી કરાવી હતી. ત્યાર બાદ સંપ્રદાયમાંથી પધારેલા સંતોએ પણ પૂજ્ય રવજી ભગતને વાણી પુષ્પોથી અંજલી આપી હતી. પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પૂજ્ય શ્રીહરિદાસજી સ્વામીએ પણ ભગતના પ્રેરક સદ્ગુણો વર્ણવ્યા હતા. આ પ્રસંગે ખાસ પધારેલા જગ વિખ્યાત જાદુગર કે. લાલ સાહેબ તથા જુનિયર કે. લાલે પણ પુષ્પ અને શબ્દોથી પૂજ્ય રવજી ભગતને અંજલી આપી હતી. પૂજ્ય ભગતના પવિત્ર જીવનથી પ્રેરણા પામેલા હરિભક્તોએ પણ ગુણાનુવાદ કરી અંજલી અર્પણ કરી હતી.
અંતમાં સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ પૂજ્ય રવજી ભગતને ભાવાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે અખંડ ભજન અને મુખ્યત્વે વચનામૃતના સતત અનુષ્ઠાનથી ભગતે ગુરુકુલના પરિસરને અધ્યાત્મના દિવ્ય સ્પંદનોથી ભરી દીધું છે. ગુરુકુલના નાના સંતો, ભક્તો અને ઋષિકુમારોના જીવનમાં તેમણે સત્સંગનું પોષણ કર્યું છે. ત્યાગાશ્રમના તમામ નિયમોને ભગતે સરધાર પાળીને એક ઉત્કૃષ્ટ સંત જીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે તેમણે સંપ્રદાયના અન્ય પ્રેરણારૂપ પાર્ષદોને પણ યાદ કર્યા હતા.
આ પ્રસંગે ગામ ગુંદાસરાના પરમ ભક્તરાજ અને પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી અને પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીના અનન્ય કૃપાપાત્ર શ્રી હરદાસભાઈ તા. ૫ નવેમ્બર ૨૦૧૧ ના રોજ શ્રીજી મહારાજના સ્મરણ સાથે અક્ષરવાસી થતા તેમને પણ સંતોએ ભાવાંજલિ અર્પણ કરી તેમના પ્રેરક જીવનની વાતો કરી હતી.
પૂજ્ય રવજી ભગતના અંતિમ દર્શનની દિવ્ય ક્ષણોને પરદા પર નિહાળી સૌ ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને હરિભક્તોએ પૂજ્ય રવજી ભગત તથા શ્રી હરદાસભાઈ ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Picture Gallery