ગુરુકુળ પરિવાર નાં વયોવૃદ્ધ, અખંડ ભગવત્ પરાયણ પાર્ષદ શ્રી રવજી ભગત તા. ૨૯ ઓક્ટોબર ૨૦૧૧, શનિવારના રોજ સવારે ભગવાન શ્રીસ્વામિનારાયણનું સ્મરણ કરતાં કરતાં અક્ષર નિવાસી થયા. તેમના અક્ષરવાસથી ગુરુકુલ પરિવારમાં ઘેરા શોક ની લાગણી પ્રસરી ગઈ છે.
તા. ૩૦ ઓક્ટોબર ૨૦૧૧ ના રોજ સવારે તેમના પાર્થિવ દેહનું સંતો, પવિત્ર ભૂદેવો, ઋષિ કુમારો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં વૈદિક વિધીથી પૂજન કરીને ગંગા જળ, તીર્થ જળ તથા ચંદન અને પુષ્પથી અભિષેક કરવામાં આવ્યો હતો.
આ અંતિમ દર્શન પ્રસંગે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે પાર્ષદ શ્રી રવજી ભગત શ્વેત વસ્રમાં હોવા છતાં પણ એક સંતના જેવું તેમનું આદર્શરૂપ જીવન હતું. વડતાલ અને જુનાગઢની સંત-પરંપરાના અનેક પવિત્ર સંતોનું સાનિધ્ય, સત્સંગ અને સેવા કરીને રવજી ભગતે પોતાના ત્યાગાશ્રમને સાર્થક કર્યો છે.
સદાય એકરહેણીપણું એ એમના જીવનની આગવી વિશેષતા હતી. સત્સંગના ત્યાગશ્રમના તમામ નિયમો દ્રઢ પણે પાળવા સાથે સાથે તેઓ સ્વચ્છતા અને સુઘડતાના ઉત્તમ ઉદાહરણરૂપ બની રહ્યા હતા. સતત ભજન અને નિયમિત વચનામૃત ગ્રંથનો સ્વાધ્યાય કરીને ગુરુકુલની ભૂમિને તેમણે અધ્યાત્મના દિવ્ય સ્પંદનોથી ભરી દીધી છે.
પૂજ્યપાદ શ્રી જોગી સ્વામી અને પૂજ્ય શ્રી નારણમામાના દિવ્ય સંકલ્પથી અને તેમના પવિત્ર ચરણોથી પાવન થયેલી આ સંસ્થાની ભૂમિ રવજી ભગત જેવા ભજનીક સેવકના સાનિધ્યથી તીર્થ ભૂમિ સમાન બની ગઈ છે.
સાધુ જીવનમાં પ્રમાદ તેઓ સહી શકતા નહિ. તેથી તેમની નજીક રહેતા સંતો પાર્ષદોને પણ તેમના જીવનમાંથી સત્સંગના સદ્ગુણો શીખવાની પ્રેરણા મળતી.
ગુરુકુલના નાના સંતો અને ઋષિકુમારોના સત્સંગ સંવર્ધનમાં રવજી ભગતનો ફાળો અગત્યનો છે.
૯૦ વર્ષ ની જૈફ વય હોવા છતાં પણ સેવા લેવાની જરા પણ વૃતિ નહિ, પોતાના માટે કોઈ પદાર્થનો આગ્રહ નહિ, ભજન અને ભગવાન સિવાય કોઈ વાત નહિ. આવા નિસ્પૃહી અને ભજન પરાયણ જીવનવાળા મુક્તાત્માઓ, એ આપણા અધ્યાત્મ જીવનના પોષક છે.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ ના પરિસરની બાજુમાં સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રી ભક્તીપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે સંતો, વિદ્યાર્થીઓ અને હરિભક્તોની ઉપસ્થિતિમાં તુલસી, ચંદન અને સુખડના કાષ્ટથી વૈદિક વિધી સાથે પાર્ષદ શ્રી રવજી ભગતનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો.
પાર્ષદ શ્રી રવજી ભગતની ગુણાનુવાદ પ્રાર્થના સભા તા. ૧૩ નવેમ્બર ૨૦૧૧, રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, મેમનગર, અમદાવાદ ખાતે સાંજે ૫:૦૦ વાગ્યે રાખવામાં આવેલ છે.
Picture Gallery