Photo Gallery
રથ યાત્રાના પાવન દિવસે દર વર્ષે ગુરુકુલ દ્વારા અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વરસે કોરાના મહામારીના કારણે પશ્ચિમ વિસ્તારમાં રથયાત્રા બંધ રાખેલ છે. તેને બદલે સરકારશ્રીના નિર્દેશ મુજબ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ મેમનગરમાં શ્રી જગન્નાથ ભગવાનનું પૂજન કરી SGVP છારોડી ગુરુકુલના પરિસરમાં રથમાં જગન્નાથ ભગવાન, બળદેવજી અને સુભદ્રાબેનને પધરાવી વિદ્વાન શ્રી રામપ્રિયજી અને પ્રધાનચાર્ય અર્જુનાચાર્યજી તથા લક્ષ્મીનારાયાણજીએ મંત્રગાન સાથે પૂજન કરાવ્યુ હતું અને ત્યારબાદ છારોડી ગુરુકુલ પરિસરમાં જ રથયાત્રા રુપે ફરી હતી.
રથ યાત્રાના પ્રારંભે પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી વગેરે સંતોએ ભગવાન શ્રી જગન્નાથજીનું પૂજન કર્યું હતું. અમેરિકાથી આવેલ ડો. વિજયભાઈ ધડુકે પહિંદ વિધિ કરી, બેન્ડવાજા સાથે સંતોએ રથને ખેંચી પ્રસ્થાન કરાવ્યુ હતું.
રથયાત્રામાં ઠાકોરજી અને ગુરુકુલ પરંપરાના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ચિત્ર પ્રતિમાનો રથ તથા સંતોના રથ સાથે જગન્નાથ ભગવાનના રથનું પરિસરમાં વિવિધ સ્થળોએ સ્વાગત કરી આરતી-પૂજન કરવામાં આવ્યું હતું. તથા સર્વેને મગ, જાંબુ, ખારેક અને ચોકલેટનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.
રથ યાત્રાની પૂર્ણાહુતિ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી સ્વામીની ૧૨૦મી જન્મજયંતી નિમિત્તે ગુણાનુવાદ સભા સાથે કરવામાં આવી હતી.
આ પ્રસંગે દ્રોણેશ્વર ગુરુકુલમાં પધારેલ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોનથી શાસ્ત્રીજી મહારાજના ઘણાં પ્રસંગો વર્ણવ્યા હતા અને જણાવ્યું હતુ કે શાસ્ત્રીજી મહારાજનું જીવન દરિયા જેવું છે. હું તો જેમ જેમ સ્વામીજીનું જીવન લખતો ગયો તેમ તેમ ઉંડો ઉતરતો ગયો. ખરેખર આજે જ સ્વામીજીના જીવન ચરિત્રનું લખાણ પૂર્ણ થયેલ છે. સમગ્ર પુસ્તક ૨૫૦૦ પાનાનુ થશે. તમામ લખાણ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજને ચરણે અર્પણ કરતા અત્યંત આનંદ અનુભવું છું.
આ પ્રસંગે પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ વડતાલ પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજે ટેલિફોનથી આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આજ અષાઢી બીજ રથયાત્રાનો દિવસ, તેમાંય ગુરુકુલ પરંપરાના સંસ્થાપક શાસ્ત્રી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૧૨૦મી જન્મજયંતીનો દિવસ, જે શાસ્ત્રીજીએ સંપ્રદાયને જે સર્વ પ્રથમ ગુરુકુલ પરંપરાની ભેટ આપી છે તે અમૂલ્ય છે.
શાસ્ત્રીજીએ નજીવા લવાજમાં હજારો જરુરિયાતમંદ વિદ્યાર્થીઓને જે સંસ્કાર સભર શિક્ષણ આપેલ છે, તે પ્રશંસનીય છે. શાસ્ત્રી સ્વામીએ સંસ્કારી વિદ્યાર્થીઓ તો તૈયાર કર્ચા પણ સાથે સાથે સ્ત્રી ધનના ત્યાગી, નિયમમાં સારધાર, વિદ્વાન, કર્મઠ અને જ્ઞાની ધ્યાની સંતો ભેટ આપ્યા તે અમૂલ્ય છે. ખરેખર આજે ગુરુકુલની શાખા અને પ્રશાખા વટવૃક્ષ બની છે. આપણા ૫૦૦ પરમહંસોએ જે રીત પ્રસરાવી છે તે માર્ગે ગુરુકુલના સંતો ચાલી રહ્યા છે. ગુરુકુલો દ્વારા અનેક મંદિર તૈયાર કરાવી તેનો દસ્તાવેજ દેવને નામે અર્પણ કરાવવામાં આવે છે. આવા કપરા કાળમા પણ એસજીવીપી ગુરુકુલ દ્વારા સ્વાસ્થ્ય, પર્યાવરણ જેવા અનેક સામાજિક કાર્યો થઇ રહ્યા છે તેના અમે સાક્ષી છીએ
આ પ્રસંગે પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ તથા પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના જીવનના અનેક પ્રસંગો વર્ણવ્યા હતા.