Photo Gallery
રથયાત્રાના પવિત્ર દિવસે સાંપ્રત ગુરુકુલ પરંપરાના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનો જન્મદિવસ હોવાથી આ પર્વ ગુરુકુલ પરિવાર માટે સવિશેષ મહત્ત્વ ધરાવે છે. ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે છેલ્લા ૧૫ વરસથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ તરફથી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. એજ રીતે આ વરસે પણ તા. ૦૧ જુલાઇ ૨૦૨૨, અષાઢી બીજના રોજ ગુરુકુલ અમદાવાદ દ્વારા અનેક સહયોગી સંસ્થાઓ સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અર્વાચીન સમયમાં પ્રાચીન ગુરુકુલ શિક્ષણ પરંપરાના સફળ પુનરોદ્ધારક સદગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની આ વર્ષે ૧૨૧મી જન્મજયંતિ નિમિતે સવારે બે કલાક અખંડ ધૂન કરવામાં આવી હતી.
રથયાત્રાના પ્રસ્થાન પહેલા ૧૦૮ બહેનોએ પંચોપચાર પૂજન કરી જગન્નાથ ભગવાની આરતિ ઉતારી રક્ષાસુત્ર બાંધ્યું હતું. દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ વેદના ગાન સાથે ઠાકોરજીનૂં પૂજન કર્યું હતું. સદ્ગુરુ સંતો અને મહાનુભાવોએ પહિંદ વિધિ કરી રથનું પ્રસ્થાન કરાવ્યુ હતું. ઠાકોરજીના મુખ્ય રથની સાથે બીજા સામાજિક ધાર્મિક થીમ આધારિત ૧૫ જેટલા રથો જોડાયા હતા. રસ્તામાં ઠેરઠેર ભક્તજનોએ ભગવાન જગન્નાથજીની આરતી, દર્શન, આરતીનો લાભ લીધો હતો. દર્શનાર્થીઓને મગ, કાકડી અને ખારેકની પ્રસાદી વહેંચવામાં આવી હતી. બે પ્રારંભ થયેલ નગરયાત્રા કરી રથયાત્રા સાંજે ૮ કલાકે અમદાવાદ ગુરુકુલમાં પહોંચી વિશાળ સભાના રુપમાં ફેરવાઇ ગઇ હતી.
સામાન્ય રીતે આવી મોટી નગરયાત્રા દરમ્યાન પ્લાસ્ટીકની થેલીઓ, પાઉચો, નાસ્તાના કાગળિયા, પ્રસાદના ખાલી પેકેટો વગેરે કચરો ઢગલાબંધ ઉભરાતો હોય છે. રથયાત્રા પાછળ પડેલ તમામ કચરો ગુરુકુલ પરિવારના સ્વયં સેવકોએ એકઠો કરી, યોગ્ય નિકાલ કર્યો હતો. એ તમામ સ્વયંસેવકોનુ સભામાં સન્માન કરવામા આવ્યું હતું. વિદેશ યાત્રાપ્રવાસ કરી રહેલ ગુરુવર્ય પૂજ્ય સ્વામીજીએ જગન્નાથ મંદિરનો ઇતિહાસ અને રથયાત્રાનો ઇતિહાસ કહેતા જણાવ્યુ હતું કે આપણો ભારત દેશ મહાન અને ઉત્સવ પ્રિય છે જયાં હંમેશા ઉત્સવ સમૈયા દ્વારા લોકજીવનમાં ઉત્સાહ અને સામાજિક સમરસતાની વૃદ્ધિ થતી રહે છે. પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૧૨૧મી જન્મજયંતી પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ શાસ્ત્રીજી મહારાજે જે અનેક કષ્ઠો વેઠીને ગુરુકુલની સ્થાપના કરેલ તેની વાતો કરી હતી. સભા પૂર્ણ થયા બાદ તમામ ભકતોને ગુરુકુલ મેમનગરમાં મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.