Photo Gallery
તારીખ ૨૦ જૂન, ૨૦૨૩ ના રોજ અષાઢ સુદ બીજના પવિત્ર દિને શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ ખાતે સોળમો ભવ્ય રથયાત્રા મહોત્સવ ઉજવાયો. પ્રાર્થના ભવનમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી, બલરામજી તથા સુભદ્રાદેવીની નગરયાત્રામાં હજારો ભક્તજનો જોડાયા હતા. રથયાત્રાના પ્રારંભે ૨૦૦ બહેનોએ ભગવાન શ્રીજગન્નાથજી, બળરામ ભૈયા અને સુભદ્રાબેનનું પૂજન કરી રક્ષા સૂત્ર બાંધ્યા હતા. પૂજન બાદ પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, પ.ભ. કે. વરસાણી વગેરે મહાનુભાવોએ માર્ગમાર્જન કરીને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.
બે કિલોમીટર લાંબી રથયાત્રામાં વિદ્યાર્થીઓની રાસમંડળી, શરણાઈ વાદકો, વિવિધ નયનરમ્ય ફ્લોટો, સંતવૃંદના રથો, ગુરુકુલના પ્રણેતા શાસ્ત્રીજી મહારાજ, આગામી સ્મૃતિ મહોત્સવ, વગેરે પંદર જેટલા રથો જોડાયા હતા. સાંજ સુધી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વિહાર કરીને ભગવાન શ્રી જગન્નાથજીએ નગરમાં દર્શન આપી ભક્તજનોની સેવા-ભાવનાનો સ્વીકાર કર્યો હતો