Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Rath Yatra – 2012

The auspicious day of Rath Yatra brings special event for the Gurukul Parivar as the birth anniversary of HH Shastriji Maharaj Shree Dharmajivandasji Swami, the founder of the Gurukul tradition falls on the same day of Rath Yatra. Gurukul Parivar celebrates the birth anniversary with additional Anushthan of Bhajan-Smaran. In the morning saints, students and Satsangies performed the Dhoon-Bhajan and Mantra-Lekhan.One more salient feature of this auspicious day is the marvelous Rath Yatra carried out by Gurukul. Besides the Haribhaktas, thousands of people took the benefit of Darshan, Poojan and Prasad of Bhagwan Shree Jagannathaji, Subhadraji and Balramji.
વર્ષાઋતુના પ્રારંભે ભગવાન શ્રી જગન્નાથજી પોતાના બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી સાથે ભક્તજનોને દર્શન-પૂજનનો લાભ આપવા નગર યાત્રા કરવા પધારે છે. સમગ્ર ભારતમાં વિવિધ શહેરોમાં અને વિશ્વમાં જ્યાં જ્યાં શ્રદ્ધાવાન ભારતીયો વસે છે ત્યાં ત્યાં આ પવિત્ર દિવસે ભગવાનને રથમાં બિરાજમાન કરી ભક્તજનો નગર-યાત્રાનો આનંદ ઉત્સવ મનાવે છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ દ્વારા મેમનગર વિસ્તારમાં રથ યાત્રાના આ પવિત્ર દિવસે મેમનગર વિસ્તારમાં જગન્નાથ ભગવાનની રથ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં વસ્ત્રાપુર, મેમનગર વિસ્તાર ની અનેક ધાર્મિક – સામાજિક સંસ્થાઓ સહયોગી બની રહે છે.ગુરુકુલ પરિવાર માટે અષાઢીબીજનો આ પવિત્ર દિવસ વિશેષ મહત્ત્વ ધરાવે છે. અર્વાચીન સમયમાં પ્રાચીન ગુરુકુલ પરંપરાના પુનરોદ્ધારક સદ્ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના જન્મ જયંતીના આ પવિત્ર દિવસે ગુરુકુલ પરિવાર વિશેષ ભજન-ભક્તિના અનુષ્ઠાન સાથે ઉજવે છે. તે પરંપરા અનુસાર સવારે સંતો, વિદ્યાર્થીઓ અને હરિભક્તોએ ધૂન અને મંત્ર-લેખન કર્યું હતું.બપોરપછી ગુરુકુલના નવ્ય ભવ્ય પ્રાર્થના ભવનમાં બિરાજતા ભગવાન શ્રી જગન્નાથજી, સુભદ્રાજી તથા બલભદ્રજીનું SGVP, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પંડિતો અને ઋષિકુમારોએ પૂ. પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીના હસ્તે વૈદિક વિધિથી પૂજન કરાવ્યા બાદ તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા અમદાવાદ મેયર શ્રી આસીતભાઈ વોરા, આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રભાઇ ચુડાસમા, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ભગવાન શ્રી જગન્નાથજીની આરતી ઉતારીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારે ભગવાનના જયનાદો, જય રણછોડ – માખણચોર વગેરે નારાથી ગુરુકુલનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.રથયાત્રામાં ભગવાન શ્રી જગન્નાથજી નો રથ ઉપરાંત સૌથી આગળ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ છારોડીના કેળવાયેલા અશ્વો ગુરુકુલના વિદ્યાર્થીઓ ખેલાવી રહ્યા હતા. તેની પાછળ મેમનગર ગુરુકુલની રાસમંડળી, શરણાઇ મંડળી, વિવિધ પ્રેરણાદાયક નયનરમ્ય ફલોટ્સ, ગુરુકુલના સંસ્થાપક પૂ. શાસ્ત્રી મહારાજની ચિત્ર પ્રતિમાનો રથ, ભજન મંડળી તથા હજારો હરિભકતો જોડાયા હતા.રથ યાત્રા દરમ્યાન દર્શનાર્થીઓને મગ, જાંબુ ખારેક, કાકડી, ચોકલેટ વગેરેની પ્રસાદી છુટે હાથે વહેંચી રહ્યા હતા. રસ્તામાં ભગવાન શ્રી જગન્નાથજી, બલરામજી, સુભદ્રાજીના મહારથને ભાવિકો સતત ભક્તિભાવથી નગરમાં વિહાર કરાવી રહ્યા હતા. ઠેર ઠેર સંસ્થાઓ, ભાવિક ભકતો જગન્નાથજી ભગવાનનું પૂજન, અર્ચન વગેરે કરતા હતા. ખાસ કરીને બહેનો ફુલ – ચોખાથી વધાવી આરતી ઉતારતાં હતાં. રસ્તામાં ભાવિકજનો ભકતોને લસ્સી, સરબત, આઇસક્રિમ વગેરેનો પ્રસાદ વહેંચી રહ્યા હતા.બપોરે ૩-૩૦ વાગ્યે પ્રારંભ થયેલી રથયાત્રા ગુરુકુલ રોડ, સુભાષચોક મેમનગર, માનવ મંદિર થઇ આઠ વાગ્યે ધામધુમથી ગુરુકુલમાં પહોંચી હતી.ગુરુકુલમાં રથ પહોંચતા ઉપસ્થિત હજારો હરિભકતોએ જય રણછોડ, માખણચોરના નારા સાથે જગન્નાથ ભગવાનને વધાવ્યા હતા.ઠાકોરજી સ્વાગત પૂજન બાદ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી, શહેર વિકાસ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, કાંતિભાઇ રામ વગેરેએ ઠાકોરજીની આરતિ ઉતારી હતી.ત્યારબાદ પ્રાસંગિક પ્રવચન કરતા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે આ રથયાત્રાનું પર્વ ભારતનું અણમુલુ પર્વ છે. સારાયે ભારતમાં આ પર્વ હોંશથી ઉજવાય છે. આપણે તો દરરોજ મંદિર દર્શન કરવા જઇએ છીએ પણ આ પર્વે તો ભગવાન સ્વયં પોતાના ભાઇ બલદેવજી અને બેન સુભદ્રાજી સાથે નગરયાત્રા કરવા અને આપણને દર્શન દેવા પધારે છે.આ પ્રસંગે સત્સંગ પ્રચારાર્થે યુ.કે. લંડન પધારેલા પૂ. શા. માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોનિક આશીર્વાદમાં રથ યાત્રાનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું સમસ્ત વિશ્વ એક રથ સમાન છે. ભગવાન પોતાની અંતર્યામિ શકિતથી સમગ્ર સંસાર રુપી રથને ચલાવે છે. આજે આપણે ભગવાનનો રથ ખેંચીએ છીએ તેનો એ અર્થ થાય કે આપણે ભગવાનના દિવ્ય સંદેશાને વિશ્વમાં ફેલાવીએ. આજે જગન્નાથપુરીમાં ભવ્યતાથી આ ઉત્સવ ઉજવાઇ રહ્યો છે.આ પ્રસંગે પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી, મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ વગેરેએ પ્રાંસગિક પ્રવચન કર્યા હતા.આજે ગુરુકુલના સંસ્થાપક પરમ પૂજ્ય શાસ્ત્રી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી ૧૧૧મી જન્મજયંતી નો દિવસ હોવાથી સૌએ પૂજન – પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા.સભાનું સંચાલન શ્રી ભાનુભાઇ પટેલે કર્યુ હતું. સભા વિસર્જન બાદ દરેકને બુંદિ અને ગાંઠીયાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

Achieved

Category

Tags