સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ગુરુકુલ અમદાવાદ ખાતે તા. માર્ચ ૧૩ ૨૦૧૭ ના રોજ શ્રી નરનારાયણદેવ જન્મોત્સવ – ફુલદોલોત્સવ ભક્તિ અને આનંદ સભર ઉજવાયો હતો.
શરુઆતમાં ષોડશોપચારથી ઠાકોરજીનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફુલદોલનો મહિમા સમજાવતા પૂજ્ય સ્વામીએ જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ ભગવાન તો ઉત્સવિયા ભગવાન કહેવાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે વડતાલ, ગઢડા વગેરે અનેક સ્થળે ફુલદોલોત્સવ કર્યા છે. જ્યારે ભગવાન પોતે પીચકારી લઇ હરિભકતો અને સંતો ઉપર કેસુડાના રંગનો છંટકાવ કરતા હોય ત્યારે હજારો માણસોનો સમુદાય પ્રગટ ભગવાનના દિવ્ય સ્વરુપ અને લીલાનો આનંદ માણતા હોય એ અવસર અદભૂત હોય છે.
આજ આનંદનો ઉત્સવ છે. ભારતીય સંસ્કૃતિ ગજબની સંસ્કૃતિ છે. આટલા ઉત્સવો કદાય કોઇ સંસ્કૃતિમાં ઉજવાતા નહીં હોય. ખરેખર ઉત્સવોનું પરિણામ આનંદ હોય છે. આટલી આનંદિત કોઇ સંસ્કૃતિ નથી. આ સંસ્કૃતિ આનંદથી છલોછલ છકલાઇ છે, તેનું કારણ તેના મૂળ પરમ આનંદરુપ પરમાત્મા સાથે જોડાયેલ છે.
ગઇ કાલે આપણે હોલિકા ઉત્સવ પણ ઉજવ્યો. હોલિકા દહનનો અર્થ છે, અહંકાર ઉપર સત્યનો વિજય, અંધકાર ઉપર પ્રકાશનો વિજય, નાસ્તિકતા ઉપર આસ્તિકતાનો વિજય. આજે આપણે ઠાકોરનો ફુલોથી અભિષેક કર્યો. ખરેખર આવા ઉત્સવોમાં કૃત્રિમ રંગોનો પ્રવેશ થવા દેવો નહીં, ભગવાન આપણાં જીવન ફુલ જેવા કોમળ અને સુગંધિત બનાવે એવી ભગવાન પાસે પ્રાર્થના છે.
આ પ્રસંગે પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ તથા હાસ્ય કલાકાર જગદીશભાઇ ત્રિવેદીએ પ્રાસંગિક ફુલદોલનો મહિમા સમજાવ્યો હતો. ત્યારબાદ ગુરુકુલના વિદ્યાર્થીઓએ ઉત્સવ નૃત્ય કર્યું હતું. સદ્ગુરુ સંતોએ પ્રસાદીના પુષ્પોથી ભાવિક ભક્તોને વધાવ્યા હતા.