શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે તા. ૨૪ જાન્યુઆરી ૨૦૧૪ રોજ યોજાયેલ છઠ્ઠા પદવી દાન સમારંભ પ્રસંગે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીને ગુજરાત રાજ્ય તથા ભારતભરમાં સંસ્કૃતના પ્રચાર અને પ્રસાર તેમજ સંસ્કૃત અને સંસ્કૃતિના સંવર્ધન માટે આપેલ વિશિષ્ટ યોગદાનને ધ્યાનમાં લઇને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા વિદ્યાવાચસ્પતિ (ડી. લીટ્) (Doctor of Literature)ની માનદ્ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત રાજ્યના ગવર્નર શ્રી કમલાજી બેનીવાલ દ્વારા સ્વામીજીને વિદ્યાવાચસ્પતિ(ડી.લીટ્)ની માનદ્ પદવી એનાયતની ઘોષણા કરવામાં આવી હતી.
પૂજ્ય સ્વામીજીએ વારાણસી -કાશીમાં સંસ્કૃતનો ઉચ્ચ અભ્યાસ કરેલો છે. અનેક સુવર્ણ ચંદ્રકો પ્રાપ્ત કરેલ છે. એસજીવીપી ખાતે તેઓશ્રીએ સુપ્રસિદ્ધ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના કરેલી છે.
દર્શનમ્ના વિદ્યાર્થીઓએ અનેકવાર રાષ્ટ્રિય પારિતોષિક મેળવીને ગુજરાતનું ગૌરવ વધારેલ છે.
આ પ્રસંગે માનનીય મહામહીમ ગવર્નરશ્રી કમલાજી બેનીવાલ, કુલપતિ શ્રી કુટુંબશાસ્ત્રી તથા કુલસચિવ શ્રી જાદવે જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ વખત સ્વામીજીને અને અન્ય બે વ્યકિતઓને આ વિદ્યા વાચસ્પતિ (ડી.લીટ્) પદવી આપતા ગુજરાત રાજ્ય અને સોમનાથ યુનિવર્સિટી આનંદ અને ગૌરવ અનુભવે છે.
પૂજ્ય સ્વામીજી સાથે પ્રકાંડ વિદ્વાન અને સાહિત્ય એકાદમી દ્વારા પુરસ્કૃત્ય શ્રી જનાર્દન હેગડેજી તથા સંસ્કૃત જગતના સુપ્રસિદ્ધ શ્રી જયપ્રકાશ નારાયણજીને પણ વિદ્યાવાચસ્પતિની પદવી એનાયત કરાઇ હતી.
આ પદવી સમારંભમાં રાજ્યપાલશ્રી, રાજય શિક્ષણ મંત્રી શ્રી વસુબેન ત્રિવેદી, સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ શ્રી બેલુરનારાયણ સ્વામી અન્ય પ્રકાંડ વિદ્વાનો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા