પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી : સ્મરણાંજલિ સભા
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના વિકાસમાં જેનો અમૂલ્ય ફાળો રહેલ છે, તેમજ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના જમણા હાથ સમાન, વાત્સલ્યમૂર્તિ પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામીની સ્મરણાંજલિ વંદના સભા, તા. ૦૯ જુલાઈ ૨૦૧૬ ના રોજ ૩૧મી વાર્ષિક પુણ્ય તિથીના દિવસે, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે પટેલ નગર, સહજાનંદ ધામમાં રાખવામાં આવેલ.
જેમાં પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામી, પુરાણી માધવજીવનદાસજી સ્વામી, બાલાજી હનુમાનજી મહારાજ મંદિરના મહંત શ્રી કિર્તન ભગત તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરુઆતમાં ઉપસ્થિત તમામ હરિભકતો અને સંતોએ પૂજ્ય પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામીની પ્રતિમાનું ચંદન પુષ્પથી ભાવપૂજન કર્યું હતું. ત્યારબાદ ગાયક વિનોદ પટેલે પુરાણી સ્વામીને ગમતા કિર્તનો, સોનેરી મોળિયું સુંદર સોનેરી મોળિયું…, તેમજ અન્ય કિર્તનો ગાયા હતા.
પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજી સ્વામીની અંતિમ અવસ્થા સુધી સેવા કરનાર ગુરુકુલ વિદ્યાલયના શિક્ષક છગનભાઇ કિડેચા દ્વારા તૈયાર કરેલ સંવાદના માધ્યમથી વિદ્યાર્થીઓએ પુરાણી સ્વામીના ગુણોનું વર્ણન કર્યું હતુ. તેમજ નિષ્કુળાનંદ સ્વામી રચિત ભકતચિંતામણિ ગ્રન્થના સંત મહિમાના બીજા પ્રકરણનું સામુહિક ગાન કર્યુ હતું.
આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યુ હતું કે ખરેખર પુરાણી સ્વામી તો ગુરુકુલના માતા સમાન હતા. જેઓએ સમાજને ખૂબ આપ્યું છે પણ સમાજ પાસેથી કાંઇ લીધું નથી. તેઓ સમદ્રષ્ટિવાળા અને અજાતશત્રુ હતા. પરીક્ષા વિદ્યાર્થીઓને હોય ને ઉજાગરો પુરાણી સ્વામી કરતા હોય, એવા વાત્સલ્યમૂર્તિ સંત હતા.
સાધુ સંતોનું તપઃપૂત સાદગીપૂર્ણ જીવન પ્રેરણા આપે છે. એ ન્યાયે પુરાણી સ્વામીના ભજન- સેવા અને સાદગીભર્યા જીવન દ્વારા અનેક વિદ્યાર્થીઓ અને યુવાનોને જીવનની સાચી દિશા પ્રાપ્ત થઇ છે.
પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી ખરા અર્થમાં જ્યાં જ્યાં વિચરણ કરતા ત્યાં ત્યાં પ્રેમનો પ્રકાશ પાથરતા. કોમળ હૃદયના આ સંત બીજાનું દુઃખ જોઇ ન શકતા. તરતજ તેનું દુઃખ જોઇ તેની સેવામાં લાગી જતા.
બિમાર વિદ્યાર્થીઓ માટે પોતેજ ઓસડીયા તૈયાર કરી સારવાર કરતા. ઘર, તેના માબાપ વગેરે સંબંધીની યાદમાં મુંઝાઇને રડતા વિદ્યાર્થીની મા બનીને તેને હેતથી સમજાવતા અને મુંઝવણ દૂર કરતા. નિત્ય નવી વાર્તાઓ કરી કરીને વિદ્યાર્થીઓના જીવનમાં ભારતીય મૂલ્યો પ્રગટ કરતા.
પુરાણી સ્વામીના પ્રેમથી, સત્સંગથી અને સેવાથી ઘડતર પામેલા અનેક વિદ્યાર્થીઓ આજે પણ દેશવિદેશમાં રહીને સદાચારપૂર્ણ જીવન જીવી રહ્યા છે. એટલુ નહી પણ તેમના જીવનમાંથી પ્રેરણા પામીને કેટલાય મુમુક્ષુએ ગુરુકુલમાં સમર્પિત થઇ સાધુની દિક્ષા લઇ સેવા કરી રહ્યા છે.
પુરાણી સ્વામીએ ગામડે ગામડે ફરી વૃદ્ધ સંતો અને હરિભકતો પાસેથી માહિતી એકઠી કરી સત્સંગની શુભ વાર્તાની રચના કરી સંપ્રદાયની મહાન સેવા કરી છે. સમાજ વ્યસન મુક્ત બને અને સત્સંગી થાય એ સ્વામીનો મુખ્ય હેતુ હતો. જીવનમાં ક્યારેય ક્રોધની ચટકી લાગી નથી.
આ પ્રસંગે પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામી, પુરાણી શ્રી માધવજીવનદાસજી સ્વામી તથા લક્ષ્મણભાઇ આદ્રોજાએ પ્રાસંગિક પ્રવચન કરી પૂજ્ય પુરાણી સ્વામીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી.