Photo Gallery
મહા સુદ 13, ગુરુવાર તા. ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વરના પરિસરમાં નૂતન પ્રાર્થના મંદિરનું ખાત મૂહુર્ત ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે વૈદિકવિધિ સાથે કરવામાં આવ્યું હતું. પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના વરદ હસ્તે પૂજન કરેલી ઈંટોથી ખાત વિધિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા પૂજ્ય શ્રી જોગી સ્વામીએ નાઘેર પંથકમાં ગામડે ગામડે ફરીને સત્સંગ નવ પલ્લવિત રાખેલ છે.
પૂજ્ય સ્વામીજીએ જણાવેલ કે આજથી પાંચેક હજાર વર્ષ પૂર્વે પાંડવ ગુરુ દ્રોણાચાર્ય મહારાજે મચ્છુન્દ્રી નદીને કિનારે મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. આજે પણ મહાદેવજીના મસ્તક ઉપર અવિરત જળધારા વહી રહી છે. અહીં કષ્ઠભંજન દેવ બિરાજે છે. આ તીર્થ ભૂમિમાં નૂતન પ્રાર્થના મંદિરનું ખાત મૂહુર્ત થઇ રહેલ છે તેથી અમને ખૂબજ આનંદ છે. આ નૂતન પ્રાર્થના મંદિરમાં રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજ બિરાજશે.
આ પ્રસંગે જમીનનું દાન કરનાર શ્રી પુનાભાઇ, શ્રી ગોવિંદભાઇ, શ્રી ગોરધનભાઇ, શ્રી બાબુભાઇ વગેરે હપાણી પરિવારોનું સન્માન કરવામાં આવેલ.
માતા પિતાનું પૂજન હર ઘરમાં થતુ રહે તે માટે આ પ્રસંગે સ્વામીજીની પ્રેરણાથી હપાણી પરિવારના વયોવૃદ્ધ માતુશ્રી કે જેમણે પોતાની જીવાઇની જમીન નૂતન મંદિરમાં સમર્પણ કરેલ તેમનું ઘરના બધા સભ્યોએ પૂજન કર્યું હતું. આ પ્રસંગે આ નૂતન પ્રાર્થના મંદિરમાં સહયોગ આપનાર ભક્તોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉના, ફાટસર, ઇંટવાયા, નાના સમઢિયાળા, પાણખાણ, મોટી મોલી, અંબાડા, રબારિકા, ખીલાવડ, ગીરગઢડા, જરગલી, દ્રોણ, જુના ઉગલા, નવા ઉગલા, વડવિયાળા, દુધાળા વગેરે ગામોમાંથી ભકતો ઉપસ્થિત રહ્યા હતા.