Photo Gallery
ભગવાન શ્રીનીલકંઠવર્ણી તથા દ્વાદશ જ્યોતિર્લિંગ પ્રતિષ્ઠા મહોત્સવ
SGVP Savannah, અહીં સમસ્ત હિંદુ ધર્મના સમન્વય સ્વરૂપ શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક વાતાવરણથી સુશોભિત ગુરુકુલના કેમ્પસમાં ૧૮ એકરનું તળાવ છે, જે ગુરુકુલની સુંદરતામાં અત્યધિક વધારો કરે છે. પૂજ્ય સ્વામીશ્રીએ સરોવરનું નામ ‘માનસરોવર’ રાખેલ છે.
માનસરોવરના મધ્ય ભાગમાં સુંદર આઈલેન્ડ છે. સ્વામીશ્રીની પ્રેરણાથી આ આઈલેન્ડમાં સર્વેશ્વર ધામનું નિર્માણ કરવામાં આવ્યું. આ સર્વેશ્વર ધામમાં 06 એપ્રિલ, ૨૦૨૩ શ્રીહનુમાન જયંતિના પવિત્ર દિવસે ભગવાન શ્રીનીલકંઠવર્ણી તથા દ્વાદશ જ્યોતિર્લિંગની સ્થાપનાનો મંગલ પ્રતિષ્ઠા ઉત્સવ યોજવામાં આવ્યો હતો.
ઘટાદાર વૃક્ષોથી ઘેરાયલ આ રમણીય આયલેન્ડનું નૈસર્ગિક વાતાવરણ મનને શાંતિ આપનારું છે. સોનામાં સુગંધ ભળે એમ નીલકંઠવર્ણી તથા દ્વાદશ જ્યોતિલિંગની સ્થાપનાથી આઈલેન્ડની રમણીયતામાં દિવ્યતાનો ઉમેરો થયો છે.
આ પ્રતિષ્ઠાના પાવન પ્રસંગે પાંચ દિવસ જ્ઞાનસત્ર યોજાયો હતો. જેમાં સ્વામીશ્રીએ ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓ સારી રીતે સમજાવ્યા હતા ઉપરાંત આ સર્વેશ્વર ધામના ઉદ્ઘાટન પ્રસંગે સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, “ભારતના વિવિધ તીર્થોમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન મહાદેવજી આજે સર્વેશ્વર ધામમાં આવીને બિરાજ્યા છે. ભગવાન નીલકંઠવર્ણી તપ, જપ અને સંયમનો માર્ગ બતાવી આત્યંતિક કલ્યાણને આપનારા છે. ભગવાન શિવજી પરમ શાંતિ અને સુખના દાતા છે. ભારતમાં ભગવાન શિવજી બાર જ્યોતિલિંગ રૂપે બિરાજે છે, એમના પ્રતિકરૂપે અહીં આ શિવલિંગોની સ્થાપના કરવામાં આવી છે.’
“આ સર્વેશ્વરધામ અમેરીકામાં ઉત્તમ તીર્થ બનશે. અહીંયા અનેક ભાવિક ભક્તજનો દર્શને આવશે અને દિવ્યતાનો અનુભવ કરશે.”
આ પ્રતિષ્ઠા ઉત્સવ પ્રસંગે શ્રીવિષ્ણુયાગ તથા રુદ્રયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક ભાવિક ભક્તજનોએ ભાગ લીધો હતો. આ યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, “ભારતીય સંસ્કૃતિમાં અગ્નિપૂજાનો અનોખો મહિમા છે. યજ્ઞમાં પ્રગટાવવામાં આવેલો અગ્નિ સામાન્ય અગ્નિ નથી. આ અગ્નિ સ્વયં ભગવાન વિષ્ણુનું રૂપ છે. પવિત્ર પુરોહિતોના મંત્રગાન સાથે યજમાનો જયારે આહુતિઓ આપે છે ત્યારે યજ્ઞના દેવતાઓ એ આહુતિઓનો સ્વીકાર કરી પ્રસશ્ન થાય છે અને અને યજમાનોના મનોરથોને પૂર્ણ કરે છે.’
સર્વેશ્વર ધામ તથા માનસરોવરના ઉદ્ઘાટન પ્રસંગે ઠાકોરજીની શોભાયાત્રા, ભગવાનનો મહાભિષેક, ભવ્ય અન્નકૂટોત્સવ, રાજોપચાર પૂજન, બાલમંચ, મહિલામંચ વગેરે અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા હતા.
પ્રસંગની પૂર્ણાહુતિ સમયે સ્વામીશ્રીએ આ સર્વેશ્વર ધામના નિર્માણ માટે તથા મહોત્સવની પૂર્ણતા માટે યજમાન તરીકે લાભ લેનારા ભક્તજનોને સન્માનિત કર્યા હતા.
વિશેષ મહત્વની વાત એ છે કે, આ મહોત્સવમાં સવાનાહ શહેરના મેયરશ્રી વેન આર. ઝોન્સન, રાજદ્વારેથી શ્રી બર્ડી કાર્ટર(કોંગ્રેસમેન, યુ.એસ.એ.), શ્રી રોન્સ સ્ટીફન્સ (જ્યોર્જિયા વિધાનસભાના સભ્યશ્રી) ઉપરાંત સીટી કાઉન્સેલર્સ શ્રી સેમ કાર્ટર, કિસા ગેબસન, અલિસ્યા બ્લેક્લી ઉપસ્થિત રહ્યા હતા, અને પોતાના અંતરની પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, “સ્વામીશ્રી ભારત અને અમેરીકા વચ્ચે એક સુંદર બ્રિજ બાંધી રહ્યા છે. અહીં આવવાથી અમારા અંતરમાં ખૂબ જ શાંતિ થાય છે. આ સ્થળ અમારા સવાનાહની સુંદરતામાં ખૂબ જ વધારો કરનારું છે.’
મહોત્સવના દિવ્ય આનંદનો લાહ્વો માણવા માટે અમેરીકાના જાણીતા ન્યુરોલોજીસ્ટ, ઉધોગપતિ અને ગુરુકુલના ટ્રસ્ટી ડૉ. વિજયભાઈ ધડુક (ન્યુજર્સી), ડૉ. જયભાઈ હરખાણી (સાલીસબરી), ડૉ. જયરામભાઈ કણકોટીયા (ટેમ્પા), સંપ્રદાયના આગેવાન ભક્તરાજ શ્રી અર્જુનભાઈ માલવિયા (શિકાગો), ડૉ. કાંતિભાઈ ભલાણી (ટેમ્પા), ડૉ. અરવિંદભાઈ પટેલ (શિકાગો) ઉપરાંત ન્યુજર્સી, ફ્લોરીડા, ટેક્સાસ, નોર્થ કેરોલાઈના, સાઉથ કેરોલાઈના, વર્જિનીયા, જ્યોર્જિયા વગેરે અનેક રાજ્યો ઉપરાંત કેનેડાથી વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તજનો પધાર્યા હતા.
સવાનાહના ઉત્સાહી ભાઈ-બહેનોએ વિવિધ વિભાગોમાં રાત્રી-દિવસ સેવા કરી પ્રસંગને દિપાવ્યો હતો.
આઈલેન્ડના નિર્માણનું કાર્ય પૂર્ણ કરવું એ મોટી ચેલેન્જ હતી. સવાનાહના અગ્રણી બિજનેસમેન અનિલભાઈ પટેલ તથા ભાવિક ભક્તોએ એ ચેલેન્જને ઉપાડી લીધી હતી અને સમયસર કાર્ય પૂર્ણ કર્યું હતું. સવાનાહના જયંતિભાઈ પટેલ ખૂબ સમજુ આગેવાન છે, એમણે ઉત્સવમાં સંકલનની જવાબદારી સફળતાપૂર્વક પાર પાડી હતી. દ્રોણેશ્વર ગુરુકુલથી પધારેલા ભંડારી સ્વામી હરિકૃષ્ણદાસજી, શાસ્ત્રી વેદાંતસ્વરૂપદાસજી, શાસ્ત્રી કુંજવિહારીદાસજી, શાસ્ત્રી ભક્તિવેદાંતદાસજી વગેરે સંતોના માર્ગદર્શનમાં આ પ્રસંગ અતિભવ્ય રીતે ઉજવાયો હતો.