પૂનમ સત્સંગ સત્ર – વડતાલ
વડતાલધામ દ્વિશતાબ્દિ મહોત્સવના ઉપક્રમે SGVP ગુરુકુલ દ્વારા વડતાલ ખાતે જેઠ સુદ પૂર્ણિમાના પાવન પર્વે તા. ૨૧-૨૨ જૂન ૨૦૨૪ દરમ્યાન, પૂનમ સત્સંગ સત્રનું આયોજન થયું હતું. જેમાં પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના આશીર્વાદ અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે અખંડધૂન, રાસ, વડતાલધામ મહિમાની કથા અને સમૂહ મહાપૂજાના કાર્યક્રમો યોજાયા હતા.
તા. ૨૧ જૂન ના રોજ પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના પાવન સાંનિધ્યમાં વડતાલધામ, જ્યેષ્ઠા નક્ષત્રની સમાપ્તિ નિમિત્તે શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિશાળ સભામંડપમાં અખંડ ધૂનનો કાર્યકમ યોજાયો હતો જેમાં ગુરુકુળ પરિવારના સંતો, 300 ઉપરાંત વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં હરિભકતો જોડાયા હતા. અંતમાં સૌ ભક્તજનોએ સમૂહ રાસ ભક્તિનો આનંદ લીધો હતો.
તા. ૨૨ જૂન, પૂર્ણિમાના પવિત્ર પર્વે મંગલા આરતીના દર્શન બાદ વહેલી સવારે ૫:૦૦ કલાકે ગુરુકુલના શાસ્ત્રી શ્રી મુનિવત્સલદાસજી સ્વામીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના વડતાલધામના લીલાચરિત્રોના પ્રસંગો સાથે વડતાલધામના મહિમાની કથા કરી હતી.
કથા બાદ સદ્ગુરુ શ્રી પવિત્રાનંદ બ્રહ્મચારી સભામંડપમાં સંતો વિદ્યાર્થીઓ અને હરિભક્તોએ સમૂહ મહાપૂજાનો અલભ્ય લાભ લીધો હતો. સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ આશીર્વાદ આપતા, વડતાલ જેવા શ્રેષ્ઠ ધામમાં અભિષેક દર્શન, ધૂન, રાસ, કથાવાર્તા અને સમૂહ મહાપૂજાનો મહિમા જણાવ્યો હતો. વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી તથા ગુરુકુલના કોઠારી શ્રી ધર્મનંદનદાસજીસ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. શ્રી શ્યામસુંદરદાસજી સ્વામીએ સંચાલન સાથે તમામ આયોજનોની સફળ વ્યવસ્થા ગોઠવી હતી.