ક્રિક્રેટ મેદાનનું ઉદ્ઘાટન, ગુરુકુલ દ્રોણેશ્વર ૧૦ ડિસેમ્બર ૨૦૧૬
ક્રિકેટ મેદાન તથા રમત-ગમતના અન્ય મેદાનના ઉદ્ઘાટન પ્રસંગે સદ્વર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે દરેક રમતને ખેલદીલી પૂર્વક રમાવી જોઇએ.
રમત-ગમત કે વ્યાયામના મેદાનમાં શ્રી હનુમાનજી મહારાજની સ્થાપના કરેલી હોય છે. એમાથી એ શીખવાનું કે શ્રી હનુમાનજી મહારાજ બુદ્ધિવાન્, વિદ્યાવાન્ શક્તિમાન્ અને ભક્તિએ યુક્ત હતા. રમત-ગમત કે વ્યાયામથી શરીર શક્તિશાળી તો બને છે પણ તેનો ઉપયોગ શ્રી હનુમાનજી મહારાજ પાસેથી શીખવો જોઇએ. શક્તિનો ઉપયોગ હંમેશા સન્માર્ગે જ થવો જોઇએ. દુષ્ટ તત્વોથી સમાજના રક્ષણ માટે શક્તિનો ઉપયોગ થવો જોઇએ.
વિશેષમાં પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે આ સંસ્થાએ કન્યા માટે વિદ્યાલયની પહેલ કરી છે એ શિક્ષણ માટે તો છે જ પણ દિકરીઓ એવી તૈયાર થાય કે એ સ્વયં શક્તિ સ્વરૂપા બને. પૂ. સ્વામીજીએ અન્ય રમત-ગમતના મેદાન પણ ખુલ્લા મુક્યા હતા જેમા કબ્બડી, ખો-ખો, તથા વોલીબોલના મેદાનનો પણ સમાવેશ થાય છે. ઉદ્ઘાટન પ્રસંગે વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓને સંબોધતા પૂ. સ્વામીજીએ કહ્યું હતું કે દિકરા-દિકરીઓને આવું સંકુલ ભણવા માટે પ્રાપ્ત થયું છે તેમાં સાથે સાથે તેમના માતા-પિતા પણ એટલા જ જાગૃત હશે, નિર્વ્યસની જીવન જીવશે તો એમાંથી બાળકો પ્રેરણા લેશે. અને બાળકોમાં સંસ્કારનું ખરુ સિંચન થશે.
આ પ્રસંગે સ્વામીશ્રીએ યોગાભ્યાસ પર ભાર મુકતા જણાવ્યું હતું કે રમત-ગમતથી તો શરીર સશક્ત થશે જ પરંતુ યોગથી શરીર તંદુરસ્ત રહેશે સાથો સાથ મન પણ તંદુરસ્ત રહેશે અને જેની ભણતર ઉપર પણ સારી અસર પડશે.
અંતમાં સ્વામીજીએ જણાવ્યું હતું કે દિકરીઓ પણ સક્ષમ, સશકત અને સ્વરક્ષણકારી બને એવી પ્રભુના ચરણોમાં પાર્થના.