સદ્ગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ૧૯૭૬ માં અમદાવાદ ખાતે કૉલેજના વિદ્યાર્થીઓ માટે ગુરુકુલની સ્થાપના કરી ત્યારથી સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણ દાસજી સ્વામીની કુશળ રાહબરી નીચે હજારો કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન થઇ રહેલ. સમય પ્રમાણે ગુરુકુલના પ્રાંગણમાં જ જરૂરીયાત ઉભી થતા સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર અમદાવાદ ખાતે નૂતન આધુનિક સુવિધાયુકત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય (માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક)નું નિર્માણ થયું.
તા ૨૦ જૂન ૨૦૧૩ ભીમ એકાદશીના પુનીત પર્વે નુતન વિદ્યાલયનો દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્વાનો તથા ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે દિપ પ્રાગટ્ય કરી પૂ. પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ મંગલ પ્રસંગે શિક્ષણકાર શ્રી જયદેવભાઇ સોનાગરા, નૂતન સ્કુલના આચાર્ય શ્રી સૂર્યકાંતભાઇ પટેલ ઉપરાંત આમંત્રિત મહેમાનો, વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે અમદાવાદના સુપ્રસિદ્ધ કેળવણીકાર જયદેવભાઇ સોનાગરાએ જણાવ્યું હતું કે આજે મેમનગર સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે નૂતન વિદ્યાલયનો શુભારંભ થઇ રહેલ છે તેથી અત્યંત આનંદ થાય છે. શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીનો નિસ્વાર્થ પ્રેમ અને ઉદારતાથી પ્રેરાઇને એસજીવીપીની સેવામાં જોડાયો છું.પોતાના જીવનના પ્રસંગોને યાદ કરતા જણાવ્યું હતું કે જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે છતાં પણ તેનાથી ડર્યા વિના આગળ વધવું. સતત પરિશ્રમ કરવાથી આપણું ભાગ્ય અને સફળતા આપણી પાછળ જ આવશે. સાહસિક થવું, ભગવાનમાં પૂર્ણ વિશ્વાસ રાખવો.
આ પ્રસંગે પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે છેલ્લા ગુરુકુલના પ્રારંભથી અહી હજારો વિદ્યાર્થીઓ સંસ્કાર સાથે વિદ્યાભ્યાસ કરી સમાજના અનેક ક્ષેત્રમાં સેવા બજાવી રહ્યા છે. સંસ્કાર વિનાનું જીવન નકામું છે. ગુરુકુલમાં વિદ્યા સાથે વિવેક, વિનય, સદાચાર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ વગેરેના પાઠ ભણાવાય છે. ખરેખર આજથી ૬૦ વર્ષ પૂર્વે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ બાળકોના ઘડતર માટે ગુરુકુલ સ્થાપી સમાજ માટે ભગીરથ અને ક્રાન્તિકારી કાર્ય કર્યું છે. આજે ૧૫૦ થી ઉપરાંત ગુરુકુલ સંસ્થાઓમાં શિક્ષણનું કાર્ય થઇ રહ્યું છે.આજે ભીમ એકાદશીના પુનિત પર્વે મેમનગર ગુરુકુલ ખાતે નુતન ગુરુકુલ વિદ્યાલયનો શુભારંભ થઇ રહ્યો છે. અત્યારે ગુરુકુલમાં મેમનગરમાં માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક અને કોલેજ કક્ષાના ૪૦૦થી વધારે વિદ્યાર્થીઓ નજીવા લવાજમમાં અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષણ કાર્યના શુભારંભે નવા પ્રવેશ પામેલ ધો.૯ અને ૧૧ ના તમામ વિદ્યાર્થીઓને સંતોના હસ્તે ચંદનની અર્ચા કરી અભ્યાસનો શુભારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે લંડન સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહેલ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ પણ નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓને શુભાશીર્વાદ પાઠવ્યા હતા.અંતમાં પૂ.પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે ગુરુકુલને આંગણે જે વિદ્યાલયનો શુભારંભ થઇ રહ્યો છે તેનાથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થતો રહેશે અને પૂજ્ય ગુરુદેવના શુભ સંકલ્પ પ્રમાણે સત્સંગની સુવાસ સદૈવ પ્રસરતી રહેશે.
Picture Gallery