Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Smart Darshanam Opening – 2022

Photo Gallery

SGVP દર્શનમ્‌ સંસ્કૃત મહાવિદ્યાલયમાં રિસર્ચ સેન્ટર, લેંગ્વેજ લેબ તથા સમાર્ટ ક્લાસનું ઉદ્‌ઘાટન

ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પોતાના આશ્રિતોને સદ્‌વિદ્યા પ્રવર્તન અને સર્વજીવહિતાવહ પ્રવૃત્તિઓ કરતા રહેવાની આજ્ઞા કરી છે. શ્રીહરિના એ સંદેશાઓને પોતાના જીવનમાં તાણા-વાણાની જેમ વણીને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રીધર્મજીવનદાસજી સ્વામીએ ૧૯૪૮માં ગુરુકુલનો પ્રારંભ કર્યો. આજે SGVP-અમદાવાદ ગુરુકુલનું સેવાકાર્ય ધાર્મિક તથા સામાજિક ક્ષેત્રે વિશાળ પાયા ઉપર વિસ્તાર પામ્યું છે.
સંસ્કૃત ભાષા સમસ્ત ભારતીય ભાષાઓની જનની છે. આજનું વિજ્ઞાન જે સમસ્યાઓનું સમાધાન નથી શોધી શકતું, એવી વૈજ્ઞાનિક સમસ્યાઓનું સમાધાન વેદોના અધ્યયનથી શક્ય છે. સંસ્કૃત ભાષાના મહત્ત્વને સામે રાખીને SGVP ખાતે સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી માધવપ્રિયદાસજીએ ‘દર્શનમ્‌’ સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના કરી છે.

‘દર્શનમ્‌’ સંસ્કૃત મહાવિદ્યાલયમાં દક્ષિણ ભારત, મહારાષ્ટ્ર, ઓરીસ્સા તથા ગુજરાતના પ્રકાંડ પંડિતો સેવા આપી રહ્યા છે. ધોરણ ૬થી આચાર્ય કક્ષા સુધીના વિદ્યાભ્યાસની સાથે રહેવા-જમવાની સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. જેમાં ૧૮૦ જેટલા ઋષિકુમારો તથા ૩૫ સંતો-પાર્ષદો ચારેય વેદ તથા શાસ્ત્રોનો વિદ્યાભ્યાસ કરી રહ્યા છે.

ચોવિસ વર્ષથી કાર્યરત દર્શનમ્‌ સંસ્કૃત સંસ્થાનના રજત જયંતી વર્ષના પ્રારંભે ઋષિકુમારોના સર્વાંગીણ વિકાસ માટે એકવીસમી સદીને અનુરુપ સંસ્કૃત વિદ્યાલયને આધુનિક બનાવવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે.જેમાં શ્રીસોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી માન્યતા-પ્રાપ્ત રિસર્ચ સેન્ટર, સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, લેંગ્વેજ લેબ, ખગોળ-ભૂગોળ લેબ વગેરેનું નિર્માણ થયું છે. આ નૂતન સોપાનનું ઉદ્‌ઘાટન તારીખ ૨૩ જુલાઈ, ૨૦૨૨ના રોજ સંસ્થાના અધ્યક્ષ, પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી, શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયું.

આ પ્રસંગે સેવાભાવી શ્રી આર.ડી.વરસાણી ઉપરાંત ખાસ સારસ્વત તરીકે શ્રી ભાગ્યેશભાઇ ઝા (અધ્યક્ષ શ્રી ગુજરાત સાહિત્ય અકાદમી), ડો. અનુપ કે. સિંહજી (ડાયરેક્ટર જનરલ, નિરમા યુનિવર્સિટી, અમદાવાદ), ડો. બળવંતભાઈ જાની (કુલાધિપતિશ્રી, હરિસિંહ ગૌર યુનિવર્સિટી, સાગર, MP), ડો. લલિતભાઈ પટેલ (કુલપતિશ્રી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ) ડો. હિમાંશુભાઇ પંડ્યા (કુલપતિશ્રી, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ), ડૉ. નીતિન પેથાણી, જે.જે. યાજ્ઞિક વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, SGVP આધુનિક યુગ સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યું છે. સંસ્કૃત વિદ્યાલય માટે આટલી આધુનિક વ્યવસ્થા ભારતમાં ભાગ્યેજ ક્યાંક હશે. અહીંથી સમસ્ત વિશ્વમાં સંસ્કૃત અને સંસ્કારોનું પ્રવર્તન થાય એવી શુભકામના પાઠવું છું. આજના ભાગદોડના સમયમાં સંસ્કૃત અભ્યાસ કરનારા ઋષિકુમારોને હું ધન્યવાદ આપુ છું.

ગુરુવર્ય સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીએ શુભાશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે, સંસ્કૃત વિશ્વ ભાષા છે. તમામ સંસ્કૃતિના મૂળ સંસ્કૃત સાથે જોડાયેલા છે. અનેક રહસ્યો વેદ-શાસ્ત્રોમાં છૂપાયેલા છે. અહીંના સંશોધન કેન્દ્રમાં આ રહસ્યોને શોધવાનું કાર્ય થાય અને સમગ્ર વિશ્વને પ્રેરણા મળે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. અહીંના ઋષિકુમારો અનેક લોકોના માર્ગદર્શક બને એવી શુભકામના. આજે સરકાર પણ સંસ્કૃતના વિકાસ માટે ખૂબ કાર્ય કરી રહી છે, તેથી સરકારને પણ ધન્યવાદ છે.

આ ઉપરાંત ઉપસ્થિત વિવિધ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓએ દર્શનમ્‌ સાથે મળીને સંસ્કૃત અને સંસ્કાર માટે કાર્ય કરવાની શુભકામના સેવી હતી.
સાથે સાથે ગુજરાત સાહિત્ય અકાદમીના નવનિયુક્ત પ્રમુખ શ્રી ભાગ્યેશભાઈ શાહ તથા દર્શનમ્‌ સંસ્કૃત વિદ્યાલયના પીએચ.ડી. થયેલા પ્રાધ્યાપકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

Achieved

Category

Tags