Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Shree Ram – Shree Hari Janmotsav – 2021

Photo Gallery

ચૈત્ર માસમાં સુદી નવમીનો દિવસ ભગવાન શ્રી રામચંદ્ર અને ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિવસ છે. ભરતવર્ષમાં અને ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં બંને અવતારોનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાય છે.

એસજીવીપી ગુરુકુલ પરિવારના દરેક શાખા ગુરુકુલોમાં પણ સ્થાનિક સંતો-ભક્તો દ્વારા બપોરે (મધ્યાહને) ૧૨:૦૦ કલાકે ભગવાન શ્રી રામચંદ્ર અને રાત્રે ૧૦:૧૦ કલાકે ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાગટયને ભક્તિભાવથી ઉજવવામાં આવ્યા હતા. કોરોના મહામારીને કારણે સરકારી નિયમ પ્રમાણે માત્ર સ્થાનિક સંતો અને ભકતોની ઉપસ્થિતિમાં ઓન લાઇન ઉત્સવનું આયોજન થયું હતું.
એસજીવીપી ખાતે પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, પ્રાર્થના મંદિરમાં બિરાજીત શ્રી રામ, શ્યામ અને ધનશ્યામ મહારાજ પાસે શ્રી રામલલાના વધામણાંના કીર્તનોનાં ગાન બાદ મધ્યાહને પૂજ્ય સ્વામીજીએ શ્રી રામપ્રાગટ્યની આરતિ ઉતારી, પંચોપચાર પૂજન કરી દર્શન ખુલ્લા મૂક્યા હતા.
રાતે ૧૦-૧૦ કલાકે સંત આશ્રમમાં બિરાજીત શ્રી ઘનશ્યામ મહારાજ સમીપે પૂજ્ય સ્વામીજીએ ઠાકોરજીનું ષોડશોપચાર પૂજન કરી પ્રાગટ્યની આરતી ઉતારી કીર્તન ભક્તિ અને રાસ સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
પૂજ્ય સ્વામીજીએ જન્મોત્સવનો મહિમા સમજાવતા જણાવ્યું હતું કે આજનો દિવસ મહાન છે કારણકે આજના દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રગટ થયા છે.
ભગવાનને પ્રગટ થવાનું એક સામાન્ય કારણ એ હોય છે અને તે અધર્મનો નાશ કરવો અને ધર્મનું સ્થાપન કરવું. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે, જ્યારે જ્યારે ધર્મની  ગ્લાનિ થાય છે અને અધર્મ વૃદ્ધિ પામે છે ત્યારે અને દુષ્ટોના વિનાશ માટે અને ધર્મના સ્થાપન માટે હું યુગે યુગે અવતાર ધારણ કરું છું.
વિશેષમાં, ભગવાનને વિષે અત્યંત પ્રીતિવાળા ભકતોની ભકિતને આધિન થઇને, ભકતોને સુખ દેવા અર્થે ભગવાન, ભકતોની જેવી ઇચ્છા હોય તેવા રુપને ધારણ કરે છે અને ભકતોના જેવા મનોરથો હોય તે પુરા કરે છે. ભકતો સ્થૂળભાવે યુકત છે અને દેહધારી છે માટે ભગવાન પણ એના જેવા સ્થૂળ ભાવે સહિત દેહધારી જેવા થાય છે.
હાલમાં કોરોના મહામારીનો પ્રકોપ ગ્રામ્ય વિસ્તારમાં પણ ઘણો વધ્યો હોવાથી, ગામડાંનાં ગરીબ સ્થિતિવાળા લોકોને કોરોના સંક્રમણ સામે જરૂરી રોગપ્રતિકારક શક્તિ મળી રહે તે માટે, પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી ખાસ હોલિસ્ટિક હોસ્પિટલના નિષ્ણાંત વૈદ્યો દ્વારા આયુર્વેદિક કીટ તૈયાર કરવામાં આવી છે. કોરોના સંક્રમિત દર્દીઓ ઉપર તેના ખૂબ સારા પરિણામ આવ્યા છે. પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી આવી બે હજાર કીટ રીબડા અને દ્રોણેશ્વર ગુરુકુલની આજુબાજુના ગામડાઓમાં ગરીબ પરિવારોમાં ફ્રી ઓફ ચાર્જ વહેંચવામાં આવશે. ગુરુકુલ પરિવારના સ્વયંસેવકો જાતે આ કિટનું વિતરણ કરશે.
આજના શુભ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ આ કિટનું લોકાર્પણ કર્યું, જેથી ગામડાનાં ગરીબ પરિવારોને કોરોના સંક્રમણ સામે રક્ષણ મળી શકે.

Achieved

Category

Tags