Shree Jalaram Mandir Sabha, London - 2022

હિંદુ ધર્માચાર્ય સભાના ટ્રસ્ટી અને વિશ્વમાં ધાર્મિક સમન્વયતાનો સંદેશ પ્રસરાવનારા ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી યુકે સત્સંગ વિચરણ દરમ્યાન લંડન ખાતે શ્રી જલારામ મંદિરના તૃતીય પાટોત્સવ પ્રસંગે જલારામ મંદિરે પધાર્યા હતા. સ્વામીની ઉપસ્થિતિથી ભક્તજનોમાં સવિશેષ ઉત્સાહ અને ભક્તિમય મહોલ સર્જાયો હતો.

મંદિરમાં બિરાજમાન દેવોના વૈદિક પૂજન બાદ અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર શ્રી સાંઈરામ દવેએ જલારામબાપાની સેવાનું સ્મરણ કરતા ભજનો ગાયા હતા.

આ મંગલ પ્રસંગે ભક્તજનોને પ્રેરણા આપતા સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, “વીરપુરમાં પ્રગટેલ જલારામ બાપાનું સેવાનું સદાવ્રત વિશ્વવ્યાપી બન્યું છે. આપ સૌ ભક્તજનો જલારામ બાપાના માર્ગે ચાલીને અહીં વિદેશમાં સેંકડો હોમલેસ અને જરૂરીયાતમંદ લોકોને નિયમિત રીતે ભોજન સામગ્રી પુરી પાડો છો. આપનું આ સેવાકાર્ય સર્વ કોઈ માટે પ્રેરણારૂપ અને હિંદુ ધર્મનું ગૌરવ વધારનારું છે.”

વિશેષમાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, “વિશ્વની માન્યતા છો કે, ‘જન સેવા એ પ્રભુ સેવા’ પરંતુ ભારતીય સંસ્કૃતિના ઋષિમુનિઓ એથી એક ડગલું આગળ વધીને કહે છે, માત્ર મનુષ્ય નહીં પરંતુ પ્રાણીમાત્રની સેવા પ્રભુ સેવા છે. જેટલો જીવવાનો અધિકાર મનુષ્યોનો છે એટલે જ જીવવાનો અધિકાર પશુપંખીઓનો છે. આપણા પૂર્વજો આ વાતને બરાબર સમજતા હતા એટલે જ તેઓ ચબુતરા બાંધી પંખીઓને ચણ નાખતા હતા. પશુઓ માટે ચારા-પાણીની વ્યવસ્થા કરતા હતા. કીડીયારા પુરતા હતા. કાગડા, કુતરાને જમાડવામાં પણ આપણા પૂર્વજો પુણ્ય માનતા હતા.”

ભારતની વર્તમાન પરિસ્થિતીનો ચિતાર આપતા સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ‘ભારતમાં વર્ષો સુધી હિંદુધર્મનો સિંહ સુતો હતો. આજે એ સુતેલો સિંહ જાગી રહ્યો છે. ભારતમાં નવો સૂર્યોદય થઈ રહ્યો છે. કેદારનાથ, કાશી વિશ્વનાથ, અયોધ્યા, સોમનાથ, અંબાજી, પાવાગઢ જેવા તીર્થો નવા કલેવર ધરી રહ્યા છે. સમસ્ત વિશ્વ, હિંદુ ધર્મના જીવનમૂલ્યોની પ્રશંસા કરી રહ્યું છે.’

પૂજ્ય સ્વામીજીના મંગલ આશીર્વાદને સૌ ભાવિકજનોએ તાલીઓના નાદથી વધાવી લીધા હતા. આ પ્રસંગે મંદિરના પ્રેસીડેન્ટ શ્રી રશ્મીભાઈ ચત્વારીએ સ્વામીશ્રીનું સવિશેષ સન્માન કર્યું હતું.

મંદિરના ઉપપ્રમુખશ્રી રજનીભાઈ ડાવરા, સેક્રેટરીશ્રી પ્રકાશભાઈ ગંડેચા, ટ્રસ્ટીશ્રી પ્રફુલભાઈ રાઢીયા, કિશોરભાઈ ગેલાણી, સદાવ્રતની મુખ્ય જવાબદારીના વાહક શ્રી મનસુખભાઈ મોરઝરીયા વગેરે આગેવાનોએ સ્વામીશ્રીના વરદ્‌ હસ્તે આશીર્વાદ સ્વીકાર્યા હતા.

મંદિરના પૂજારીઓ ઠાકોરજીની પ્રેમથી સેવા કરી રહ્યા છે. એમણે સ્વામીશ્રીના હસ્તે આરતી પૂજન કરાવ્યા હતા. આ પ્રસંગે લંડનના વિવિધ વિસ્તારમાંથી એકત્રિત થયેલા ભક્તજનોએ પોતાના જીવનમાં ધન્યતાનો અનુભવ કર્યો હતો.

image: 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.