Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

45 Gyan Satra – 2021

Photo Gallery

સર્વાવતારી ભગવાન શ્રીસ્વામિનારાયણે ‘સદ્‌વિદ્યા પ્રવર્તન’ અને ‘સર્વજીવહિતાવહ સેવાપ્રવૃત્તિ’નો માર્ગ ચિંધી અનેક જીવોને મોક્ષના માર્ગે વાળ્યા છે. ભગવાન શ્રીહરિના આ સંદેશાઓને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ પોતાના જીવનમાં યથાર્થ વણ્યા અને ગુરુકુલ દ્વારા સાધના શિબિર, બ્રહ્મસત્ર, જ્ઞાનસત્ર, જપયજ્ઞ જેવા અનેક આયોજનો દ્વારા સમાજના દરેક વર્ગના લોકો સુધી પહોંચાડ્યા. આ વિવિધ આયોજનો અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદને આંગણે દર વર્ષે પવિત્ર મહિનામાં યોજાતો જ્ઞાનસત્ર અનોખી ભાત પાડે છે. છેલ્લા ૪૫ વર્ષથી અખંડ વહેતી આ ભાગીરથી લોકોના હૃદયના તાપ-સંતાપને નિવારી ઠંડક અર્પી રહી છે.

તા. ૯ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૧ દરમ્યાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ ખાતે સદગુરુ સંતોના સાનિધ્યમાં પ્રવર્તમાન કોરોના મહામારીના સંદર્ભે મર્યાદિત હરિભક્તોની હાજરીમાં ઓનલાઈન જ્ઞાનસત્રનું આયોજન થયું હતું.
અષાઢી અમાસ, તારીખ ૮ ઓગષ્ટના રોજ જ્ઞાનસત્રના પ્રારંભ પૂર્વે નવ કલાકની અખંડધૂન તથા મંત્રલેખનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ સુદ-૧, તારીખ ૯ ઓગસ્ટના રોજ પોથીયાત્રાની સાથે જ્ઞાનસત્રનો આરંભ થયો હતો. આ જ્ઞાનસત્ર દરમિયાન પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ શ્રીમદ્‌ સત્સંગિજીવનની કથા અંતર્ગત સારંગપુર તથા કારિયાણીના પ્રેમી ભક્તોના ચરિત્રોની કથાનું રસપાન કરાવ્યું હતું. સાથે સાથે યુવાન સંતોએ વિવિધ વિષયોના આધારે ભગવાન શ્રીહરિના પ્રિય ભક્તોની ગાથાઓનું શ્રવણ કરાવ્યું હતું. SGVP કેમ્પસના ડાયરેક્ટર શ્રી જયદેવભાઈ સોનગરાએ ભારતીય સભ્યતા વિષય ઉપર મનનીય પ્રવચન કર્યું હતું. આ ઉપરાંત પ્રસંગોપાત્‌ પરમ પૂજ્ય સદ્‌ગુરુ પુરાણી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય સદ્‌ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જ્ઞાનસત્રાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.
તા. ૧૨ ઓગસ્ટના રોજ કવિવર ત્રિભુવનભાઈ ગૌરીશંકર વ્યાસની પવિત્ર સ્મૃતિમાં ‘ત્રિભુવનસત્ર’નું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય સ્વામીજીની નિશ્રામાં યોજાયેલા આ સત્રમાં ગુરુકુલ સંસ્થાની સ્થાપના અને વિકાસમાં જેમનું અપાર યોગદાન રહ્યું છે એવા ત્રિભુવનભાઈના સાહિત્ય વિશે મનનીય પ્રવચનો થયા હતા. ત્રિભુવનસત્રમાં ત્રિભુવનભાઈ દ્વારા રચાયેલા સાહિત્ય ઉપર વક્તાશ્રીઓએ ખૂબ મનનીય અને રસેયુક્ત પ્રવચનો કરી સહુને પ્રભાવિત કર્યા હતા.

દરરોજ સવારે ૧૦૮ ભક્તો દ્વારા એક કલાક જનમંગલના પાઠ કરવામાં આવતા હતા. સાત દિવસ દરમિયાન સંતો-ભક્તોએ તેત્રીસ હજારથી વધારે પાઠ કરીને ભજનાત્મક અનુષ્ઠાન પૂર્ણ કર્યું હતું. આ સાથે બે દિવસીય મહિલા સભામાં સાંખ્યયોગી બહેનોએ મહિલા ભક્તોને સત્સંગ-કથાવાર્તાનો લાભ આપ્યો હતો. જેમાં વિશેષ મહેમાન તરીકે કવીશ્વર ત્રિભુવનભાઈ વ્યાસના દીકરીઓ રશ્મિબેન, પુષ્પાબેન તથા ચંદાબેન, ઉપરાંત દ્યુતીબેન યાજ્ઞિક, પલ્લવીબેન શાહ વગેરે બહેનો પધાર્યાં હતાં.
૧૫ ઓગસ્ટ, સ્વાતંત્ર્ય પર્વના અવસરે સંતો, મહાનુભાવો, વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ભરપૂર કાર્યક્રમ દ્વારા દેશભક્તિની ભાવના પ્રસ્તુત કરી હતી. આમ સાત દિવસના ભક્તિસભર આ અનેરા ઉત્સવમાં સહુ સંતો-ભક્તોએ ખૂબ આનંદ સાથે જ્ઞાન-ભક્તિનું ભાથું ભર્યું હતું. જ્ઞાનસત્રના સમાપન પ્રસંગે સદ્‌ગુરુ સંતોએ મુખ્ય યજમાન તથા સહ યજમાનશ્રીઓને શુભાશીર્વાદ પાઠવ્યા હતા. ઓન લાઈન યોજાયેલા આ જ્ઞાનસત્રમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તોએ કથાશ્રવણનો લાભ લીધો હતો.

Achieved

Category

Tags