શ્રીમદ્ સત્સંગિજીવન કથા, ગઢપુર - 2022
તીર્થરાજ ગઢપુર ખાતે, શ્રી ગોપીનાથજી મહારાજના સાનિધ્યમાં, અક્ષર નિવાસી પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની પાવન સ્મૃતિમાં તારીખ ૨ થી ૮ મે, ૨૦૨૨ દરમિયાન SGVP ગુરુકુલ પરિવાર દ્વારા શ્રીમદ્ સત્સંગિજીવન કથાપારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું.
પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસાસને આયોજિત કથાની સાથે સાથે ગોપીનાથજી મહારાજ સમક્ષ અન્નકૂટોત્સવ, રાજોપચાર પૂજન તથા પરમ પ્રસાદીભૂત લક્ષ્મીવાડી ખાતે ગૌપૂજન અને ત્રિદિનાત્મક ૧૧ કુંડી શ્રી મહાવિષ્ણુયાગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
કથા પ્રારંભે પૂજ્ય સ્વામીજીએ જણાવ્યુ હતું કે, જે સ્થાન શ્રીહરિની લીલાભૂમિ છે, જ્યાં સત્સંગિજીવન ગ્રંથની રચના થઈ છે અને જ્યાં સાક્ષાત્ શ્રીહરિ ગોપીનાથજી સ્વરૂપે બિરાજમાન છે એવા પવિત્ર સ્થાન ગઢપુરધામમાં કથા કરવી એમના જીવન માટે પણ સુવર્ણ અવસર છે. ખૂબ જ દિવ્ય પ્રસંગો સાથે કથા દરમિયાન પૂજ્ય સ્વામીજીએ બાલપ્રભુ ઘનશ્યામ મહારાજના દિવ્ય ચરિત્રોનું માર્મિક વર્ણન સાથે ગાન કર્યું હતું.
પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન અને પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, આ પ્રસંગે આસપાસના ગામો તથા બહારગામ અને વિદેશથી પણ પધારેલ હરિભક્તોએ પૂજ્ય પુરાણી સ્વામીની પાવન સ્મૃતિ સાથે કથાવાર્તા અને અન્ય આયોજનોનો લાભ લીધો હતો. સંપ્રદાયના તમામ સ્થાનોમાંથી મોટી સંખ્યામાં સંતોએ પધારી દર્શન તથા કથાવાર્તાનો લાભ આપ્યો હતો.
આ પાવન પ્રસંગે ખાસ વડતાલ પીઠાધિપતિ પરમ પૂજ્ય ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે પધારી પૂજ્ય પુરાણી સ્વામીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને ગુરુકુલ પરિવાર ઉપર પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
પૂજ્ય પુરાણી સ્વામીની સ્મૃતિમાં લક્ષ્મીવાડીમાં તા. ૬-૭-૮ મે, ૨૦૨૨ દરમ્યાન આયોજવામાં આવેલ ત્રિદિનાત્મક ૧૧ કુંડી મહાવિષ્ણુયાગ સૌના માટે કાયમી સ્મૃતિ બની રહેશે. યજ્ઞ પૂર્ણાહુતિ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે અહિંસયજ્ઞપ્રસ્તોતા શ્રીજી મહારાજ દ્વારા પ્રવર્તીત યજ્ઞ પરંપરાને પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે સવિશેષ ભજનના આયોજનો સાથે સુદ્રઢ કરી અને પૂજ્ય પુરાણી સ્વામીએ આજીવન તે પરંપરાને તપ અને અનુષ્ઠાન સાથે ચાલુ રાખી. પૂજ્ય સ્વામીના યજ્ઞ-અનુષ્ઠાનની આ પરંપરા સદૈવ ચાલુ રહેશે.
કથા દરમિયાન ગઢપુરના કોઠારીશ્રી, ચેરમેનશ્રી શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી તથા સમસ્ત ટ્રસ્ટીગણનો ખૂબ જ સહકાર પ્રાપ્ત થયો હતો. કથા દરમ્યાન શ્રી ગોપીનાથજી મહારાજને નિત્ય ચંદનના વાઘા, નિત્ય થાળ તથા સંતો તથા સાંખ્યયોગી બહેનોને રસોઈ ગુરુકુલ પરિવાર તરફથી રાખવામાં આવી હતી.
વિશેષમાં, અક્ષરધામ તુલ્ય દાદા ખાચરના દરબારગઢની મૂળસ્વરૂપમાં દીર્ઘકાલ સુધી જાળવણી થાય તે માટે આધુનિક સંસાધનો સાથે રિનોવેશન ચાલી રહ્યું છે ત્યારે પૂજ્ય સ્વામીજીએ SGVP ગુરુકુલ પરિવાર દ્વારા, પૂજ્ય પુરાણી સ્વામીની દિવ્ય સ્મૃતિમાં આ રિનોવેશનની સેવા કરવાની જાહેરાત કરી હતી. પૂજ્ય પુરાણી સ્વામીની પાવન સ્મૃતિમાં હરિભક્તો યથાશક્તિ સહયોગ આપી ધન્યતા અનુભવી રહ્યા છે.
આપ પણ પૂજ્ય પુરાણી સ્વામીની દિવ્ય સ્મૃતિમાં આ અલૌકિક સેવામાં સહયોગ આપી ધન્ય થવા ક્લિક કરો.

Latest News
21-Jun-2022 | વિશ્વ યોગ દિવસ – 2022 |
12-Jun-2022 | 85 hours 'Akhand' Dhoon - 2022 |
11-Jun-2022 | Aamrotsav - 2022 |
5-Jun-2022 | શ્રી મહાવિષ્ણુ યાગ, લેસ્ટર, યુકે - 2022 |
4-Jun-2022 | સત્સંગ સભા - શ્રી હનુમાનજી મંદિર, લેસ્ટર, યુકે - 2022 |
8-May-2022 | શ્રીમદ્ સત્સંગિજીવન કથા, ગઢપુર - 2022 |
1-May-2022 | Footwear Distribution – 2022 |
27-Apr-2022 | ધર્મજીવન સત્ર - ગુણાનુવાદ સભા, રીબડા ગુરુકુલ - 2022 |
24-Apr-2022 | પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્વામી : શ્રદ્ધાંજલિ સભા |
12-Apr-2022 | પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીનો અક્ષરવાસ |
Add new comment