રાષ્ટ્રીય સ્તરે વિજેતા ઋષિકુમારોનું બહુમાન – ૨૦૨૨

તાજેતરમાં તા. ૨૭ માર્ચ થી ૨૯ માર્ચ, ૨૦૨૨ દરમ્યાન કેન્દ્રીય સંસ્કૃત મહાવિદ્યાલય નવી દિલ્હી દ્વારા બેંગ્લોર, ઉત્તરાદિ મઠ ખાતે ૫૯મી અખિલ ભારતીય રાષ્ટ્રીય સંસ્કૃત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, તેમાં ભારતભરમાંથી ૯૦૦ ઉપરાંત સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમા ગુજરાતને ત્રણ સુવર્ણ ચંદ્રક, ત્રણ રજત ચંદ્રક અને બે કાંસ્ય ચંદ્રક મળતા સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્ય તૃતીય સ્થાને રહ્યું હતું.

જેમાં, પોરબંદર બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમાર

1.દવે પ્રિન્સ - શ્રીમદ્ ભાગવત ગીતા કંઠસ્થ પાઠ (પ્રથમ) સુવર્ણ ચંદ્રક

2.જોષી દેવ - અક્ષરશ્લોકી સ્પર્ધામાં (દ્વિતીય) રજત ચંદ્રક

3.તેરૈયા પાર્થ - વ્યાકરણ શલાકા (તૃતીય) કાંસ્ય ચંદ્રક

4.જાની દિક્ષિત કાવ્યકંઠ પાઠ સ્પર્ધામાં (તૃતીય) કાંસ્ય ચંદ્રક

બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદના ઋષિકુમાર

1.જોષી શિવકુમાર યોગેશભાઇ - અક્ષરશ્લોકી સ્પર્ધામાં (પ્રથમ) સુવર્ણ ચંદ્રક

2.જોષી શિવકુમાર યોગેશભાઇ - ધર્મશાસ્ત્ર ભાષણમાં (દ્વિતીય) રજત ચંદ્રક

3.ઉપાધ્યાય આદિત્ય - પુરાણ ઇતિહાસ શલાકા (દ્વિતીય) રજત ચંદ્રક તથા

દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય છારોડી અમદાવાદના ઋષિકુમાર દવે લખન - વેદભાષ્યભાષણમાં (પ્રથમ) સુવર્ણ ચંદ્રક

સુવર્ણ ચંદ્રક મેળવનાર દરેક ઋષિકુમારોને કેન્દ્રીય સંસ્કૃત મહાવિદ્યાલય દિલ્હી તરફથી દસ દસ હજાર રોકડ પુરસ્કાર મળેલ છે. જ્યારે રજત ચંદ્રક મેળવનારને રૂ. ૭૦૦૦ અને કાંસ્ય ચંદ્રક મેળવનારને ૫૦૦૦ રુપિયા રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતાં.

તમામ પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા ઋષિકુમારોનો સત્કાર સમારંભ એસજીવીપી ગુરુકુલ ખાતે ભાગવત કથાકાર ભાઈશ્રી રમેશભાઇ ઓઝા, ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, શ્રીકૃષ્ણધામ સોલા ભાગવત પીઠના અધ્યક્ષ શ્રી ભાગવત ઋષિજી તથા રાજ્યની વિવિધ સંસ્કૃત પાઠશાળાઓના પ્રધાનચાર્યોની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો.

વિજેતા તમામ ઋષિકુમારોને પ્રાધ્યાપકો તરફથી રૂ. ૭૦૦૦ રોકડ પુરસ્કાર આપવામાં આવેલ.

આ પ્રસંગે ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ કે, ભારતવર્ષમાં ને તેમાંય ગુર્જરધરામાં જે સંસ્કૃતની ભાગીરથી વહી રહી છે તેની સુગંધ ચારે તરફ પ્રસરાવનાર આ વિજેતા ઋષિકુમારોને અમારા લાખ લાખ વંદન. અંગ્રેજી તો અમારા દિમાગનો વિષય છે જ્યારે સંસ્કૃત તો અમારા દિલનો વિષય છે. સંસ્કૃતની ઉપાસના એટલે મૂળની ઉપાસના. આપણા વેદ શાસ્ત્રો પુરાણો તો આપણું મૂળ છે. આ ઋષિકુમારો મૂળનું રક્ષણ અને સંવર્ધન કરી રહ્યા છે તેનો અમને આનંદ છે. આ ઋષિકુમારોને સર્વ શ્રેષ્ઠ ભાષા સંસ્કૃતનું શિક્ષણ આપનારા સંસ્કૃત પ્રાધ્યાપકો પ્રામાણિક અને કર્તવ્ય નિષ્ઠાવાળા હોવા જોઇએ, હ્રદયથી કામ કરતા હોવા જોઇએ.

આ પ્રસંગે ભાગવત કથાકારશ્રી રમેશભાઇ ઓઝા એ જણાવ્યું હતું કે બાળકને પ્રથમ પોતાની માતૃભાષાનું જ્ઞાન હોવું જરુરી છે, કારણકે પોતાની માતૃભાષાના માધ્યમ દ્વારા તે પોતાના વિચારો રજુ કરી શકે, પણ તમામ ભાષાઓની જનની તો સંસ્કૃત છે, સંસ્કૃતનું તે મહત્વ આપણે પ્રથમ સ્વીકારવું જોઇએ. સંસ્કૃતતો કામધેનુ છે પણ દોહતા આવડવું જોઇએ. આ સ્પર્ધામાં જેણે ગીતા સંપૂર્ણ કંઠસ્થ કરેલ છે તે ઋષિકુમારને ધન્યવાદ છે. તેમાંય જે સાંખ્ય અને ન્યાય વિષયમાં વિજેતા થયા છે તેમને અમારા ખૂબખૂબ અભિનંદન છે. દરેકે સતત કાર્ય કરતા રહેવું જોઇએ.

ભાઇશ્રીએ કર્દમ ઋષિની વાત કરતાં જણાવ્યું હતું કે તે મુનિ પાસે એવું વિમાન હતું કે તેમાં બાગ બગીયાઓ પણ હતા. આવા ઋષિમહર્ષિઓ તો આપણી પરંપરામાં હતા.

આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, ભાગવત સોલાના અધ્યક્ષ ભાગવત ઋષિજી, રામપ્રિયજી, અમૃતલાલ ભોગાયતા, બિપીનભાઇ જોષી, અર્જુનાચાર્ય વગેરેએ પ્રાસંગિક પ્રવચન કરેલ. પૂજ્ય સ્વામીજીએ ભાઇશ્રી રમેશભાઈને તાજેતરમાં ૧૦૮ સંતો–મહાનુભાવોના હસ્તે લોકાર્પિત થયેલ ધર્મજીવન ગાથા ગ્રંથ અર્પણ કર્યો હતો, તેમજ ગુજરાતની સંસ્કૃત પાઠશાળાઓના પુસ્તકાલય માટે પણ ધર્મજીવન ગાથા ગ્રંથનો એક એક સેટ અર્પણ કરવામાં આવ્યો હતો.

image: 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.