પૂજ્ય પુરાણી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્વામી : શ્રદ્ધાંજલિ સભા

SGVP ગુરુકુલ છારોડીના પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી તા. ૧૨ એપ્રિલના રોજ અક્ષરધામમાં પધાર્યા. તેમનો અંતિમ સંસ્કાર વિધિ તેની ઇચ્છાથી ગઢપુર ઘેલા નદીના ઘાટ પર તા.૧૩ એપ્રીલના રોજ કરવામાં આવ્યો. ત્યારબાદ તેમના અસ્થિનું વિસર્જન નર્મદા કિનારે મુરલી સંગમ સ્થાને તા. ૨૧ અપ્રીલના રોજ કરવામાં આવ્યું. તેમની ગુણાનુવાદ શ્રદ્ધાંજલિ સભા છારોડી ગુરુકુલમાં તા.૨૪ એપ્રિલ ૨૦૨૨ના રોજ રાખવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં સંતો તથા હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ભાવાંજલિ અર્પણ કરતા ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ કે પુરાણી સ્વામી સાદા, સરળ અને નિખાલસ સ્વભાવના બાળક જેવા નિર્દોષ હતા, તેમને કોઇ પ્રત્યે રાગ કે દ્વેષ હતો નહીં, અજાતશત્રુ હતા. શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે ગુરુભાવ હતો. તેમનું જીવન ભગવત પરાયણ હતું. દુન્યવી વાતો ગમતી નહી.પારકી પંચાત કરવાનું તેને ફાવતું નહી,

સામાન્ય રીતે દરેકને પોતાનું ધાર્યું કરવામાં મજા આવતી હોય છે. શાસ્ત્રીજી મહારાજ પાસે તેમણે પોતાની તમામ ધારણા છોડી દીધી હતી. શાસ્ત્રીજી મહારાજનું વચન એજ એમનું જીવન હતુ. પવનની લહેરખીએ ધજાની પૂંછડી દિશા બદલે તેમ સ્વામીના વચને પુરાણી સ્વામીની ક્રિયા બદલતી.

ભગવાન શ્રી સ્વામિનારાયણ અહિંસયજ્ઞપ્રસ્તોતા હતા, ત્યારે ભગવાનના આ બિરુદને સંભારીને શાસ્ત્રીજી મહારાજે જપયજ્ઞની પરંપરાને પ્રવર્તાવી હતી. શાસ્ત્રીજી મહારાજની તે પરંપરાને પુરાણી સ્વામીએ બરાબર જાળવી રાખી. પુરાણી સ્વામી જ્યારે જ્યારે યજ્ઞ કરતા હોય ત્યારે યજ્ઞમય બની જતા. રાત દિવસ યજ્ઞકુંડો તૈયાર કરવા. રંગોળી પૂરવી વગેરે ચોકકસાઈપૂર્વક અને શાસ્ત્રવિધિ પ્રમાણે જ કરાવતા. ગુરુકુલને આંગણે અને સંપ્રદાયમાં યજ્ઞો તો ઘણા થયા પણ તેમાં છારોડીનો ૧૧૧૧ કુંડી યજ્ઞ તો શિરમોડ રહ્યો છે.

પુરાણી સ્વામી ની સ્મૃતિમાં વધારેમાં વધારે ભજન થાય તે અંગે જાહેરાત કરતા સ્વામી માધવપ્રિયદાસજી એ જણાવેલ કે, પુરાણી સ્વામીની સ્મૃતિમાં ૧૦૮ કરોડ મંત્રજપ, ૧૧ લાખ જનમંગલ સ્તોત્રપાઠ, ૭ કરોડ મંત્રલેખન, ૮૫ ગામડાઓમાં ૮૫ કલાકની અખંડ ધૂન કરવાનું નક્કિ કરેલ છે.

આ પ્રસંગે વડતાલ પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, પૂજ્ય નૌતમપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય બાપુ સ્વામી ધર્મપ્રિયદાસજી ધંધુકા, ચેરમેન પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય દેવનંદનદાસજી સ્વામી જુનાગઢ, પૂજ્ય આનંદસ્વરૂપસ્વામી વડીયા, પૂજ્ય મહાત્માસ્વામી સુરેન્દ્રનગર, પૂજ્ય બાલમુકુંદદાસજી સ્વામી સરધાર, પૂજ્ય માધવસ્વરૂપસ્વામી બોટાદ, પૂજ્ય ભજનપ્રકાશદાસજી સ્વામી ધાંગધ્રા, પૂજ્ય આનંદસ્વામી દામનગર, કુંડળથી જ્ઞાનજીવનદાસજી સ્વામી, ગઢડા ચેરમેન શ્રી હરિજીવનદાસજી સ્વામી, વડતાલ કોઠારી શ્રી સંતવલ્લભદાસજી સ્વામી, જુનાગઢ કોઠારી શ્રી પ્રેમસ્વરુપદાસજી સ્વામી, હરિયાળા ભકિતજીવનદાસજી સ્વામી, ભૂજ મંદિરથી શૌનકદાસજી સ્વામી, નવિનભાઇ દવે વગેરેએ પોતાના વક્તવ્યમાં પૂજ્ય પુરાણી સ્વામીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

image: 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.