ધર્મજીવન વ્યાખ્યાનમાળા - સુરત

પ્રવર્તનીયા સદ્વિદ્યા ભૂવિ યત્સુકૃતં મહત્ । પૃથ્વીને વિષે સદ્વિદ્યાનું પ્રવર્તન કરવું એ મોટું પુણ્ય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણની આ મંગલ આજ્ઞા મૂર્તિમંત કરવા સદ્ગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ ઇ.સ.૧૯૪૮ માં વસંત પંચમીએ રાજકોટમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની સ્થાપના કરી અને ગુરુકુલના માધ્યમથી તેની સંસ્કારયુક્ત શિક્ષણની સુવાસ દેશવિદેશમાં ચારે તરફ વસંતની વનરાઇની જેમ પ્રસરી ગઇ. આ મહાપુરુષે વાવેલું સદ્વવિદ્યાનું બીજ આજે વટવૃક્ષ બની ગયું છે.

પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના આ મહાન કાર્યને તેમના કૃપાપાત્ર શિષ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ અક્ષર સ્વરુપ આપીને જેવું ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કાર્ય છે એવો જ વિશાળ અને પ્રેરણાદાયી ધર્મજીવનગાથા નામનો ગ્રન્થ સતત આઠ વર્ષના પુરુષાર્થ પછી તૈયાર કર્યો છે. આ ધર્મજીવનગાથા ગ્રન્થ પાંચ ભાગ અને પચીસો પાનામાં કંડારાયેલ છે.

આ ધર્મજીવનગાથા ગ્રન્થના વિમોચન માટે ભાવ વંદના મહોત્સવ આગામી તા. ૬ માર્ચ ૨૦૨૨ નો રોજ એસજીવીપી ગુરુકુલ અમદાવાદ ખાતે ઉજવવામાં આવશે, ત્યારે સંપ્રદાયના મહાન, વિદ્વાન સંતો અને હજારો પ્રતિષ્ઠિત હરિભકતો પણ ઉપસ્થિત રહેશે.

આ ભાવવંદના પર્વ ઉપક્રમે સંત વ્યાખ્યાનમાળા, સમૂહ મંત્રલેખન, સમૂહ ધૂન, સંત પધરામણી, ૧૦૮ સંહિતા પાઠ પારાયણ અને ભાવવંદના ધર્મજીવન વ્યાખ્યાનમાળા વગેરેનું આયોજન થયેલ છે.

એસજીવીપી ગુરુકુલ પરિવાર, સુરત દ્વારા તા. ૦૧ થી ૦૩ ઓક્ટોબર, ૨૦૨૧ દરમ્યાન સુરત ખાતે સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં ત્રિદિનાત્મક ધર્મજીવન વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોઠારી શ્રી ધર્મનંદનદાસજી સ્વામીએ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના જીવનના પ્રેરક પ્રસંગો વર્ણવ્યા હતા. આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ પણ ટેલિફોનથી આશીર્વાદ પાઠવ્યા હતા. પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી ભાવ વંદના મહોત્સવમાં પધારવા સૌને ભાવભીનું નિમંત્રણ આપ્યું હતું.

તા. ૦૩ ઓક્ટોબરના રોજ સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં બે કલાક ધૂન કરવામાં આવી હતી અને તેમજ સામાજિક સેવાના ભાગ રૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૦૮ બોટલ જેટલું રક્તદાન થયું હતું.

સ્થાનિક હરિભક્તોમાં ભાવભર્યા આગ્રહથી ૨૫૦ ઉપરાંત ભક્તોના ઘરે પધરામણી કરવામાં આવી હતી.

વ્યાખ્યાન માળાના અંતિમ દિવસે ગઢડા મંદિરના ટ્રસ્ટી અરજણ ભાઈ સાવલિયા એ શાસ્ત્રીજી મહારાજના ગુણો વર્ણન કર્યું હતું. સરથાણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ગુર્જર સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

image: 

Add new comment

To prevent automated spam submissions leave this field empty.
CAPTCHA
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.