Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Thakar Thali London SGVP 2022

ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની ઉપસ્થિતીમાં લંડન ખાતે સાપ્તાહિક સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
લંડનના કેન્ટન, હેરો વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ ‘શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર’ ખાતે સ્વામીશ્રીએ એક સપ્તાહ સુધી નિવાસ કરીને ભક્તજનોને સત્સંગનો અનેરો લાભ આપ્યો હતો. મંદિરમાં પધારનારા ભક્તજનોએ સ્વામીશ્રીના સાનિધ્યમાં સત્સંગનો લાભ લઈને હૈયામાં આનંદની અનુભૂતિ કરી હતી.

કચ્છના ભક્તજનો પારીવારિક નાના-મોટા આનંદના પ્રસંગોએ ઠાકરથાળીનું આયોજન કરતા હોય છે. કચ્છની ઠાકરથાળી દેશ પરદેશમાં વિખ્યાત છે. કોઈ જાતના બાહ્ય સાઝ શણગાર સિવાય ઠાકરથાળીમાં લેવાતો રાસ આકાશમાં ધ્રુવની આસપાસ નક્ષત્ર મંડળ રાસ રમતું હોય એવું અદ્‌ભૂત દ્રશ્ય સર્જે છે.

સ્વામીશ્રીની ઉપસ્થિતીમાં આફ્રિકાના અક્ષરનિવાસી શેઠશ્રી લાલજી મકનજી કરાનીયાની ૫૦મી પુણ્યતિથી નિમિત્તે ઠાકરથાળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાસોત્સવના મંગલ પ્રારંભે પૂજ્ય સ્વામીશ્રીએ લાલજી શેઠનો સુંદર પરીચય આપતા જણાવ્યું હતું કે, ‘વિદેશની ધરતી ઉપર સૌ પ્રથમ ‘શ્રી સ્વામિનારાયણ મંદિર’ના પાયા નાખનારા લાલજી શેઠ મૂળ જામનગર પાસે તરઘરી દેવળીયાના વતની હતા. લાલજી શેઠના વડવાઓએ જૂનાગઢના મહાન સંત સદ્‌ગુરુ શ્રીગુણાતીતાનંદ સ્વામીના ખૂબ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. લાલજી શેઠ જ્યારે નાના હતા ત્યારે ગુણાતીત પરંપરાના મહાન વિદ્વાન સંત પુરાણી શ્રી ગોપીનાથદાસજી સ્વામીએ તેમને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા કે, લાલજી ખૂબ મોટા શેઠ થશે. વિદેશની ભૂમિમાં તેના ખૂબ વ્યાપાર વધશે અને સત્સંગની ખૂબ સેવા કરશે.’

‘પુરાણી સ્વામી જેવા મહાન સંતના આશીર્વાદથી લાલજી શેઠ ખૂબ સુખી થયા. એમની આગેવાની નીચે નાઈરોબીમાં ‘પૂર્વ આફ્રિકા શ્રી સ્વામિનારાયણ’ મંદિર બંધાયું. જે વિદેશની ધરતી ઉપર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું પહેલું મંદિર હતું. એ જ રીતે એમણે દારેસલામમાં પણ ‘શ્રી ટાંઝાનીયા શ્રી સ્વામિનારાયણ મંદિર’ બંધાવ્યું. દારેસલામથી નજીકના લીંડી નામના ટાપુમાં એમના હજારો એકરમાં કેતકીના ખેતરો હતા. લીંડીના હિંદુ સેન્ટરના નિર્માણમાં પણ એમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

લાલજી શેઠને ગુરુકુલની પ્રવૃત્તિઓ ખૂબ જ ગમતી હતી. ઈ.સ. ૧૯૬૮માં પૂર્વ આફ્રિકા શ્રી સ્વામિનારાયણ મંદિરના રજત જયંતી મહોત્સવ પ્રસંગે એમણે તથા પીઠડીયા પરિવારે તથા દેવશી ધનજી વેકરીયા જેવા કચ્છના ભક્તોએ ગુરુકુલ સંસ્કૃતિના પુનરુદ્ધારક પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજીને ખાસ આફ્રિકા તેડાવ્યા હતા.

વિદેશની ધરતી ઉપર ભગવાન શ્રી સ્વામિનારાયણના મૂળ સંપ્રદાયનો પાયો નાંખનાર લાલજી શેઠનો ઈતિહાસ સાંભળીને સભાજનો પ્રસન્ન થયા હતા. આ પ્રસંગે લાલજી શેઠના સુપુત્રો ઘનશ્યામભાઈ, વિજયભાઈ, પંકજભાઈ વગેરે સમસ્ત કરાનીયા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. એ જ રીતે શ્રી ક.સ.સ્વામિનારાયણ મંદિર કેન્ટનના પ્રમુખશ્રી સુરેશભાઈ શિવજીભાઈ રાબડીયા, ઉપપ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રીઓ, કમિટિના સભ્યો, બાળ-યુવક મંડળના સભ્યોએ તથા પુજારીશ્રીઓએ આ આયોજનને આનંદ ઉત્સાહથી ઉપાડી લીધું હતું.

Achieved

Category

Tags