સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અમરેલી જિલ્લાના ધારી પાસેના વીરપુર (ગઢિયા) ગામે નવનિર્મિત મંદિરમાં શ્રી શ્યામસુંદર ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા, શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રાણ-પ્રતિષ્ઠા તથા શ્યામેશ્વર મહાદેવના નૂતન મંદિરમાં મહાપૂજન તેમજ નૂતન મંદિરના ઉદ્ધાટનનો કાર્યક્મ તા. ૧૪ થી તા.૧૬ એપ્રિલ, ૨૦૧૬ દરમ્યાન રાખવામાં આવેલ હતો.
આશરે સવાસો વરસ પહેલાં નિલમણી નિલમુકુટ અને નિલવર્ણા શ્યામ સુંદર ભગવાન ગઢિયા ગામમાં બિરાજમાન હતા. કોઇક સમયે વિધર્મીઓ મંદિરનો નાશ કરી રહ્યા હતા, ત્યારે શ્યામ સુંદર ભગવાનની મૂર્તિની સુરક્ષા કરવાના સંકેત મળતા લુણવીર બાપુ – વાળા પરિવારના વંશજોએ ભગવાન શ્યામ સુંદરની મૂર્તિ વિરપુર લાવીને લુણવીર બાપુ પરિવાર તરફથી ૩૭ વિઘા જમીનનું દાન કરેલ.
તે સમયે ભગવત્ પ્રતિષ્ઠા થયા પછી પૂજ્ય બાલકદાસજી મહારાજથી આરંભીને પૂજ્ય રઘુનંદનદાસજી મહારાજ સુધી સંત પરિવાર દ્વારા શ્યામસુંદર ભગવાનની સેવા થતી રહી છે.
આ શ્યામસુંદર ભગવાનના પ્રાચીન દિવ્ય મંદિરનો જીર્ણોદ્ધાર તરત જ થાય તેવો શુભ સંકલ્પ પૂજ્ય સ્વામીએ કર્યો. અને સ્વામીએ નૂતન મંદિરનું ખાત મૂહુર્ત કરતા, જોત જોતામાં બે વર્ષમાં પૂર્ણ થયું.
ગામ લોકોના પૂર્ણ તન મન અને ધનના સહકારથી મંદિર પૂર્ણ થતા, તેમાં શ્યામસુંદર ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા અને શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૧૪ થી ૧૬ એપ્રિલ દરમ્યાન ધામધૂમથી ઉજવવામાં આવ્યો. સાથે સાથે સ્વામીજીની પ્રેરણાથી પંચમુખી હનુમાનજી તથા શિવાલયના જીર્ણોધ્ધાર પણ થયા.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીના વક્તા પદે શ્રીમદ્ ભાગવત દશમ સ્કંધની કથા પણ રાખવામાં આ્વેલ હતી. જેમાં પૂ્જ્ય સ્વામીજીએ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવ્યુ હતું. આ કથા પ્રસંગે ભવ્ય પોથી યાત્રા તથા ઠાકોરજીની ભવ્ય નગર યાત્રા કાઢવામાં આવેલ. કથા દરમ્યાન કૃષ્ણ જન્મોત્સવ, રાસોત્સવ વગેરે ધામધૂમથી ઉજવ્યા હતા.
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં કથા દરમ્યાન પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે પંથ જૂદા જૂદા હોય તો પણ આપણે એક પરમ પિતાના સંતોનો છીએ. રસ્તા જુદા જુદા હોય પણ આપણે સૌને એક જ જગ્યાએ જવાનું છે. ખરેખર આ વિરપુર ગામે સમરસતાનું ઉદાહરણ પુરું પાડ્યું છે.
આ પ્રસંગે ખાસ સતાધારના પૂજ્ય વિજયદાસજી બાપુએ ખાસ પધારી આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિરના જીર્ણોધ્ધાર માટે ખાત મૂહુર્ત પણ કરવામાં આવ્યું હતું. આ ગામમાં સાંખ્યયોગી શ્રી ભારતીબેન બહેનોમાં સારો સત્સંગ કરાવી રહ્યા છે.