Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Mother’s Day Celebration, Savannah USA – 2021

Photo Gallery

માતૃદેવો ભવ તથા પિતૃદેવો ભવની સંસ્કૃતિની જન્મદાતા ભારતની ભૂમિ છે. ભારતના વતની ભાઈ-બહેનો વિશ્વમાં જ્યાં જ્યાં પહોંચ્યા ત્યાં પોતાની સંસ્કૃતિની સાથે પહોંચ્યા. જ્યોર્જીયા, સવાનાહમાં નિવાસ કરતા સેંકડો ભાઈ-બહેનોએ પોતાની ભારતીય સંસ્કૃતિને અનેક રીતે ધબકતી રાખી છે.
અમેરિકના સવાનાહ શહેરમાં આવેલ SGVP ગુરૂકુલ – અમેરીકા અંતર્ગત શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર ખાતે પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની મંગલ પ્રેરણાથી ‘મધર્સ ડે’ની ઉજવણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ‘માતૃ-પિતૃ વંદના’ દ્વારા કરવામાં આવી હતી.
નાના મોટા દિકરા-દિકરીઓએ પોતાના માતા-પિતાની સંગાથે ઉત્સાહભેર મંદિરમાં આવીને ભાગ લીધો હતો. આ અવસરે શ્રી હનુમાન ચાલીસાનું ગાન તથા મંદિરમાં બિરાજમાન શ્રીસીતાજી, શ્રીલક્ષ્મીજી, શ્રીરાધિકાજી, શ્રીપાર્વતીજી, શ્રીઉમિયામાતા તથા શ્રીઅંબા માતાના પૂજન દ્વારા સભાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ત્યાર બાદ બાળકોએ પોતાના માતા-પિતા તથા દાદા-દાદીનું ભાવપૂજન કર્યું હતું. જેમાં બાળકોએ ચરણ પ્રક્ષાલન, કુમકુમ, અક્ષત, પુષ્પાર્પણ, આરતી, સાષ્ટાંગ દંડવત, પ્રદક્ષિણા, પ્રાર્થના દ્વારા માતા-પિતાનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે ભાવવિભોર થયેલા માતાઓએ પોતાના સંતાનને ભેટીને, મસ્તક પર હાથ ફેરવીને મંગલ આશીર્વાદ આપતા મંગલ કામનાઓ કરી હતી.
આ પ્રસંગે માતૃ-પિતૃ વંદનાનો મહિમા સમજાવતા શાસ્ત્રી ભક્તિવેદાંતદાસજીએ જણાવ્યું હતું કે, ‘ભગવાનના અવતારો મનુષ્યને પોતાના જીવન દ્વારા પ્રબોધ આપે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે બાલ્યાવસ્થામાં માતા-પિતાના મનોરથોને પ્રાધાન્ય આપી તેમની સેવામાં જોડાયા હતા. જ્યારે માતાપિતાએ પાંચભૌતિક દેહનો ત્યાગ કર્યો ત્યાર બાદ ભગવાન શ્રી સ્વામિનારાયણે તપશ્ચર્યાનો માર્ગ સ્વીકારી ગૃહત્યાગ કર્યો હતો. પ્રભુએ પોતાના જીવન દ્વારા આપણને માતા-પિતાની સેવાની અમૂલ્યતા સમજાવી છે.’
કાર્યક્રમના અંતિમ ચરણમાં બાળકોએ માતા-પિતાને સરપ્રાઈઝ ગીફ્ટ અર્પણ કરી હતી, તેમજ નાના ભુલકાઓએ મધુર સ્વરમાં શ્લોકોનું ગાન કરીને સૌના મનને આનંદિત કર્યા હતા.
આ સમસ્ત કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભારતીય પરીવારો જોડાયા હતા.

Achieved

Category

Tags