મેરી માટી મેરા દેશ મહોત્સવ – SGVP ગુરુકુલ
ભારતવર્ષની આઝાદીનું અમૃતપર્વ પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સમગ્ર દેશમાં પંચામૃત મહોત્સવ ઉજવવાની ઘોષણા કરી છે. એ ઘોષણા અંતર્ગત ભારતની પવિત્ર ભૂમિનું પૂજન કરવું એવું એક આયોજન યોજાઈ રહ્યું છે. જેને નામ અપાયું છે – મેરી માટી મેરા દેશ.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદ ખાતે ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી તથા સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી ભવ્ય અને દિવ્ય મેરી માટી મેરા દેશ મહોત્સવ ઉજવાઈ ગયો.
આ મહોત્સવમાં સમગ્ર ભારતના તીર્થો – હરિદ્વાર, બદરિનાથ, દ્વારકા, સોમનાથ, અયોધ્યા, છપૈયા, ગઢપુર, વડતાલ, સિદ્ધપુર વગેરે… મહાપુરુષોના જન્મસ્થાન – પોરબંદર, કરમસદ, તરવડા, ખોરાણા, પીઠવડી વગેરે સ્થાનોમાંથી માટી લાવવામાં આવી હતી. આ ઉપરાંત ગુરુકુલ પરિવારના ભક્તોએ પોતપોતાના ગામ, તીર્થ, નદી, તળાવ વગેરેની પાંચસો એકાવન જગ્યાએથી પવિત્ર માટી એકઠી કરી હતી. સુંદર કળાત્મક શણગારેલા કુંભમાં માટીને પધરાવી મા ધરતીનું પૂજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે પૂજ્ય સ્વામીજી, સંતો તથા મહાનુભાવોએ વેદમંત્રોના ઘોષ સાથે માટીકુંભોનું પૂજન-અર્ચન કર્યું હતું. ત્યારબાદ એ માટીકુંભોને મસ્તક ઉપર પધરાવી માટી યાત્રા યોજવામાં આવી હતી. જેમાં સંતો, મહાનુભાવો, સમાજના આગેવાનો, ગુરુકુલના વિદ્યાર્થીઓ, ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. દેશભક્તિના નારા અને બેન્ડવાજા સાથે નીકળેલી યાત્રા પ્રાર્થનાભવનમાં પહોંચી હતી.
મેરે દેશકી ધરતી સોના ઉગલે… દેશભક્તિના ગીત દ્વારા વિદ્યાર્થીઓએ નૃત્ય રજૂ કર્યું. તથા પૂજ્ય સંતો તથા મહાનુભાવોએ પૂજન કરી મા ભારતીની માટીને વંદના કરી હતી.
આ પ્રસંગે ખાસ તાજેતરમાં જમ્મુ બોર્ડર ઉપર શહીદ થયેલા ગુજરાતના પનોતા જવાન મહીપતસિંહજી વાળાના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, શહીદ મહીપતસિંહજીના પરિવારની સેવા કરવામાં SGVP ગુરુકુલ હંમેશા ગૌરવ અનુભવ કરે છે. SGVP ગુરુકુલ પરિવાર તથા સમગ્ર ગુજરાત આપની સાથે છે અને રહેશે.
ભારત ભૂમિ સાધારણ ભૂમિ નથી, તીર્થ ભૂમિ છે. આ માટી ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, અર્જુનને પેદા કરનારી છે. આ માટીમાંથી તીર્થંકરો, ભગવંતો, આચાર્યો, ઋષિઓ પેદા થયા છે. આ માટીએ અનેક યુગપુરુષોને જન્મ આપ્યો છે. માટે જ કહેવાય છે કે ઇસ મિટ્ટી સે તિલક કરો એ ધરતી હે બલિદાનકી.
ભારતના મહાપુરુષોએ આપણને ઉદ્દાત દૃષ્ટિકોણ આપ્યો છે. આપણે પૃથ્વીના દરેક કણમાં ભગવાનને જોઈએ છીએ. આપણે વૃક્ષ-વેલી, પશુ-પંખી દરેકમાં ભગવાનનો વાસ માનીએ છીએ. એટલા માટે જ આ ધરતીના કણકણને વંદના કરવી એ આપણો ધર્મ છે.
આજે આટલો ભવ્ય અને દિવ્ય પ્રસંગ યોજવા બદલ કાર્યકર્તા સંતો-સ્વયંસેવકોને હું ધન્યવાદ આપું છું.
આ પ્રસંગે ખાસ દિલ્હીથી જાણીતા ઉદ્યોગપતિ પવન જિન્દાલ તથા મદન જિન્દાલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અમદાવાદના બિલ્ડર ચિમનભાઈ અગ્રવાલ, દકુભાઈ કસવાળા, ગાંધીનગર સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન જસુભાઈ પટેલ, નાઘેર પંથકના આગેવાન પરશોત્તમભાઈ ઠુમ્મર, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.