MahaShivratri Celebration Savannah – 2017
સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની અધ્યક્ષતામાં ચાલી રહેલા શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાના, જ્યોર્જીયા (અમેરીકા) ખાતે મહાશિવરાત્રી મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો.
ફેબ્રુઆરી ૨૪, ૨૦૧૭ શિવરાત્રીના પવિત્ર દિવસે સૌ ભક્તજનોને ભગવાન ભોળાનાથના પૂજનનો સવિશેષ લાભ પ્રાપ્ત થાય તેવા હેતુથી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
શિવરાત્રીના દિને મંદિરના સિંહાસનમાં બિરાજમાન શિવ પરિવાર ઉપરાંત મંચના આગળના ભાગમાં શિવલીંગ સ્વરૂપે ભગવાન શંકર બિરાજીત થયા હતા. ભગવાન ભોળાનાથની પૂજા કરવા માટે વહેલી સવારથી માંડીને મોડી સાંજ સુધી ભક્તજનોએ ખૂબ જ ભક્તિભાવ પૂર્વક અનેરો લાભ લીધો હતો.
શિવરાત્રીના પવિત્ર દિવસે ઢળતી સંધ્યાએ વ્યાવસાયિક કાર્યો પૂર્ણ કરીને વિશાળ સંખ્યામાં ભક્તજનો સનાતન મંદિરમાં એકત્રિત થયા હતા. જેમણે વૈદિક વિધી અનુસાર શિવ પૂજનનો અલૌકિક લાભ લીધો હતો. સ્વામી શ્રી કુંજવિહારીદાસજી વૈદિક મંત્રોચ્ચાર તથા શિવ સ્તોત્રનું ગાન કરીને પૂજા વિધી સંપન્ન કરાવી હતી.
સામૂહિક શિવ પૂજન બાદ આરંભાયેલી ત્રિદિનાત્મક શિવ મહાપુરાણની કથામાં સ્વામી ભક્તિવેદાંતદાસજીએ શિવ પુરાણ અંતર્ગત શિવકથાનું શ્રવણ કરાવ્યું હતું.
આ મંગલ પ્રસંગે ઓસ્ટ્રેલિયાથી ટેલીફોનિક આશીર્વાદ પાઠવતા સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, “સનાતન ધર્મ સંવાદિતાનો ધર્મ છે. અહીં અનેક દેવતાઓની ભક્તિ – ઉપાસના હોવા છતાં બધા જ એકબીજાના પૂરક થઈને રહે છે.”
“બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે, વિષ્ણુ સંચાલન કરે છે જ્યારે શિવજી સંહાર કરે છે. રામાયણનો આરંભ શિવકથાથી થાય અને શિવજી અખંડ રામકથાઓ કરે; આ જ સંવાદિતાનું અનોખું ઉદાહરણ છે.”
વળી સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, “શિવ પરિવાર જ સંવાદિતાનું એક અજોડ ઉદાહરણ છે. શિવજીના પરિવારના તમાત વાહનોના સ્વભાવો ભિન્ન ભિન્ન હોવા છતાં પ્રેમથી એકસાથે નિવાસ કરીને રહે છે.”
શિવપુરાણની કથા પૂર્ણ થયા બાદ પણ ભક્તજનોએ ભગવાનનો દુધથી અભિષેક કરીને અલભ્ય લાભ લીધો હતો.
આ પાવન પ્રસંગે પૂજન તથા કથા શ્રવણ માટે પધારેલા તમામ ભક્તજનો માટે ફલાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.