Photo Gallery
શિક્ષાપત્રીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સત્સંગીઓને આજ્ઞા કરી છે, કે વિષ્ણુ, શીવ, ગણપતિ, પાર્વતિ અને સૂર્યનારાયણનું અમારા ભકતોએ આદર થકી પૂજન કરવું અને શિવરાત્રીના દિવસે શિવજીનું પૂજન તથા ઉત્સવ કરવા. એ આજ્ઞા પ્રમાણે ગુરુકુલ પરિવાર દ્વારા શિવપર્વોના દિવસે વિશેષ પૂજન, અનુષ્ઠાન થાય છે.
પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, SGVP ગુરુકુલ પરિવારના બધા શાખા ગુરુકુલોમાં શિવ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
SGVP ખાતે વહેલી સવારે વિશાળ યજ્ઞશાળામાં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના તમામ ઋષિકુમારોએ ષોડશોપચારથી શિવ પૂજન કરી મહામૃત્યુંજય મંત્રના જાપ કર્યા હતા. સંતોએ શિવાલયોમાં શિવ પૂજન કર્યું હતું.
ધર્મજીવન હોસ્ટેલના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થો પણ સમૂહ શિવ પૂજન અને અભિષેકમાં જોડાયા હતા.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ, મેમનગર ખાતે, પૂજ્ય સ્વામીજી તથા પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સંતોએ ષોડશોપચાર પૂજન સાથે સિદ્ધેશ્વર મહાદેવનો દૂધથી અભિષેક કર્યો હતો.
ગુરુકુલ દ્રોણેશ્વરમાં સંતોએ પુરાણ પ્રસિદ્ધ શ્રી દ્રોણેશ્વર મહાદેવનું પૂજન – અભિષેક કર્યા હતા.
ગુરુકુલ રીબડા, રાજકોટ ખાતે ૧૦૦૮ મંત્રો સાથે શ્રી મહામૃત્યુંજય યજ્ઞ અને વિવિધ અભિષેક દ્રવ્યોથી શિવ અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું.
દરેક સ્થાનોમાં શિવ ભજન સંધ્યામાં સંતો ભક્તો અને વિદ્યાર્થીઓએ શિવ સ્તુતિ અને ભજનોનું ગાન કર્યું હતું.
શિવ રાત્રિના પાવન પર્વે SGVP અને ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે શ્રી ઘનશ્યામ મહારાજ અને શ્રી કષ્ટભંજન દેવને દ્રાક્ષનો ફળકૂટ ધરાવી ગરીબ, મજૂર વર્ગ અને વિદ્યાર્થીઓમાં પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.