મહાકુંભ – ૨૦૨૫, પ્રયાગરાજ
પ્રયાગરાજમાં ગંગા-જમુના-સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ ખાતે દર ૧૨ વર્ષે મહાકુંભ પર્વનું આયોજન થાય છે. સનાતન ધર્મના વિવિધ અનેકવિધ સંપ્રદાય/પરંપરાના સંતો, સન્યાસીઓ અને લાખો શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. આ વર્ષે ગ્રહો અને નક્ષત્રોનો યોગ ૧૪૪ વર્ષે આવ્યો હોવાથી, ૧૩ જાન્યુઆરી થી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમ્યાન દેશ અને દુનિયામાંથી કરોડો શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી હતી.
સરકારના સીધાં માર્ગદર્શન સાથે સંગમ કાંઠે અતિ વિશાળ ભૂમિખંડ ઉપર નિર્મિત મહાકુંભ નગરીમાં કરોડો આસ્થાળુઓ માટે ભોજન, આવાસ, સંત સમાગમ, સુરક્ષા, સગવડતા વગેરે અનેકવિધ વ્યવસ્થાઓની, વિશ્વની પ્રસિદ્ધ મેનેજમેંટ યુનિવર્સિટીઓ અને સંસ્થાનોએ સ્ટડી-કેસ માટે પોતાના પ્રતિનિધિઓએ મોકલી વ્યક્તિગત મુલાકાત લઈ મહાઆશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
સનાતન ધર્મના આ મહાકુંભ પર્વ દરમ્યાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ – અમદાવાદ દેશના સંયુક્ત પંડાલમાં રોજ હજારો ભાવિકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.
આ મહાકુંભમાં દરમ્યાન, સંત મંડળ સાથે વડતાલ દેશ પીઠધિપતિ ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ પવિત્ર સંગમ સ્નાન, દર્શનનો લાભ લીધો હતો.
સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી સાથે સંતો અને હરિભક્તોએ ત્રિવેણી સ્નાન ઉપરાંત અયોધ્યા, શ્રીજી જન્મસ્થાન છપૈયા, શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ વારાણસી, શ્રી મહાકાલેશ્વર મહાદેવ ઉજ્જૈન, શ્રી ૐકારેશ્વર માહદેવ ઈન્દોર, વગરે તીર્થસ્થાનોની યાત્રા કરી હતી.