કવિશ્રી રાજેન્દ્રભાઇ શુક્લ દ્વારા કાવ્ય ગોષ્ઠિ
SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ ખાતે, પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ગુજરાતી સાહિત્યના પ્રખર અને ઋષિતુલ્ય કવિશ્રી રાજેન્દ્રભાઇ શુક્લ દ્વારા કાવ્ય ગોષ્ઠિનો સરસભર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કવિશ્રીએ પોતાના મનપસંદ અને વેદાન્તના રહસ્યને ખોલતા એવા સ્વરચિત અનેક ભાવવાહી કાવ્યોનું વાંચન કર્યું ત્યારે સૌ શ્રોતાજનોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા.
કાવ્યપઠન બાદ પૂજ્ય સ્વામીજીએ શાલ ઓઢાડી કવિશ્રીનું સન્માન કર્યું હતું. દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમાર દ્વારા પૂછાયેલ એક પ્રશ્નમાં, સાચા અર્થમાં કવિ બનવા શું કરવુ જોઇએ ? તેનો ઉત્તર આપતા કવિશ્રીએ જણાવ્યુ હતું કે “માણસ ધારે તે કરી શકે છે પણ વસ્તુને શીખવા માટે ઇશક એ પ્રાથમિક જરૂરિયાત તો છે જ પણ સાથે સાથે તે માટેની કુશળતા પ્રાપ્ત કરવા માટે સાહિત્યનુ બહોળું ખેડાણ અને અનુભવ હોવો ખૂબ જ જરૂરી છે”.