શ્રી સત્સંગીજીવન પારાયણ અને મહારાજશ્રીની પધરામણી
મુંબઇ તા. ૨૨ શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર SGVP – ઉમરગામ (વલસાડ) ખાતે મુંબઈના ગીરનાર ચા વાળા વેણી પરિવારના ચજમાન પદે, પરમ પૂજય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી તથા પરમ પૂજ્ય સદ્ગુરૂ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શનથી તૈયાર થયેલ શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર SGVP ઉમરગામ (વલસાડ) ખાતે અનેકવિધ સામાજિક સેવાના કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામ ઉપક્રમે, પવિત્ર શ્રાવણ માસમાં તા. ૧૫ થી ૧૯ ઑગસ્ટ ૨૦૨૪ દરમ્યાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન ગ્રંથરાજ શ્રી સત્સંગીજીવન પારાયણનું અદ્ભુત આયોજન શ્રી સ્વામિનારાયણ જ્ઞાનસત્સંગ મંડળ – મુંબઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી (વિરસદવાળા)ની પુણ્યતિથિ તથા અક્ષર મુક્ત પૂજ્ય અ.નિ. શ્રી રમણકાકાના ૧૦૦મી જન્મદિન નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પવિત્ર ગ્રંથના વક્તા તરીકે પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસાસને આયોજીત આ પંચદિનાત્મક પારાયણમાં અનેક સંતોએ પણ તેમની અમૃતવાણીનો લાભ આપ્યો હતો. આ પારાયણ દરમ્યાન પોથીયાત્રા, ધ્વજવંદન, સમુહ મહાપુજા, અન્નકુટ દર્શન, ઠાકોરજીના નિત્ય અભિષેક દર્શન, ભજન સંધ્યા, રાસોત્સવ અને રક્ષાબંધન પર્વ જેવા ઉત્સવોનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું.
આ પારાયણ દરમ્યાન, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલગાદીના પિઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધુરંધર ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રકાશદાસજી મહારાજશ્રીની પધરામણી થતાં સંતો, પાર્ષદો અને હરિભક્તો અને યજમાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ આચાર્ય મહારાજશ્રીના વરદ હસ્તે સર્વે દેવોની આરતી કરવામાં આવી હતી. પોતાના વક્તવ્યમાં સૌને આગામી વડતાલધામના પર્વનું આમત્રંણ પાઠવી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે જેમાં ઉમરગામ ઉપરાંત વાપી, વલસાડ, દહાણું, બોઇસર, પાલઘર, મુંબઈ વગેરે ગામોના હરિભક્તોએ આ કથા પારાયણનો અમુલ્ય લાભ લીધો હતો.