શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરના પાંચમા પાટોત્સવ પ્રસંગે યોજાઈ ભવ્ય-દિવ્ય કળશયાત્રા
SGVP ગુરુકુલ – અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની આગેવાનીમાં અમેરીકાના જ્યોર્જિયા સ્ટેટમાં આવેલા સવાનાહ શહેરમાં આશરે બાવન એકર જમીનમાં SGVP ગુરુકુલનો સુંદર વિકાસ થઈ રહ્યો છે.
અહીં અઢાર એકરનું વિશાળ માનસરોવર છે. આ સરોવરના કિનારે શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં વૈદિક હિંદુ ધર્મની સર્વે ધારાઓના સમન્વય સ્વરૂપે દ્વાદશ જ્યોતિર્લિંગ, ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભગવાન શ્રી વિષ્ણુ, શ્રી શિવજી, શ્રી ગણપતિજી, શ્રી પાર્વતીજી તથા શ્રી સૂર્યનારાયણ દેવના દિવ્ય સ્વરૂપોની પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે.
અહીં બિરાજતા દેવોના પંચમ પાટોત્સવ નિમિત્તે ૨૦-૨૫ એપ્રિલ, ૨૦૨૪ દરમ્યાન પંચદિનાત્મક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
પંચાબ્દિ મહોત્સવના પ્રથમ દિવસે માનસરોવરનું ભવ્ય પૂજન કરવામાં આવ્યું હતું. માનસરોવરના આ પૂજન માટે ભારતથી એક હજાર તીર્થોનું જળ એકત્રિત કરવામાં આવ્યું હતું.
સર્વ પ્રથમ આ તીર્થજળના કળશોને મંદિરના ઊંચા મંચ ઉપર સ્થાપિત કરી શાસ્ત્રોક્ત વિધિથી વરૂણ પૂજન કરવામાં આવ્યું હતું. ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ ભારતના તીર્થોનો મહિમા સમજાવ્યો હતો. પૂજન પૂરું થયા પછી તીર્થજળથી ભરેલા કળશોની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં બહેનો અને ભાવિક ભક્તોનો વિશાળ સમુદાય જોડાયો હતો.
ભક્તિભાવથી ભરેલી પાંચસોથી વધારે બહેનોએ આ તીર્થજળના કળશોને મસ્તક પર લીધા હતા અને માનસરોવરને ફરતા લગભગ એક કિલોમીટર જેટલા માર્ગમાં પ્રદક્ષિણા કરવામાં આવી હતી.
અમેરીકા જેવા દેશમાં આ રીતે તીર્થજળ સાથેની વિશાળ જળયાત્રા પ્રથમવાર યોજાઈ હતી. આ કળશયાત્રાનું દ્રશ્ય અત્યંત અદ્ભૂત હતું. શોભાયાત્રાના સમાપન સમયે વેદમંત્રોના ઘોષ સાથે આ તીર્થજળને માનસરોવરમાં પધરાવવામાં આવ્યું હતું અને વરૂણદેવ સહિત સર્વ તીર્થદેવોની સમુહ આરતી ઉતારવામાં આવી હતી. આ આરતીનું દ્રશ્ય પણ અતિ અદ્ભૂત હતું.
આ પ્રસંગે ગુરુવર્ય પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, આજથી આ સરોવર સાચા અર્થમાં માનસરોવર બન્યું છે. આ સરોવરના જળને માથે ચડાવવાથી સર્વ તીર્થોના સ્નાનનું ફળ પ્રાપ્ત થશે.
વિશેષમાં સ્વામીશ્રીએ ભક્તજનોને જણાવ્યું હતું કે, ‘જ્યારે જ્યારે અવસર મળે ત્યારે માનસરોવરને કિનારે ભગવાનનું ધ્યાન કરવું, નામ સ્મરણ કરવું. અહીં બેસવાથી આપના હૃદયમાં પરમ શાંતિનો અનુભવ થશે.’
આ અવસરે કળશયાત્રાનો લાભ લેવા માટે જ્યોર્જિયાના સવાના, સ્ટેટબોરો, હેન્સવિલ, રીચમંડ, રીંકન, બ્રુન્સવીક વગેરે વિવિધ વિસ્તારોમાંથી વિશાળ સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
માનસરોવરના દિવ્ય પૂજન બાદ સર્વે ભક્તજનોએ હનુમાનચાલીસ, આરતી, સ્તુતિ કરીને મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.