SGVP દ્વારા યોજાયો ‘ભારતીય કાલગણના પદ્ધતિ’ સેમિનાર
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદના વિશાળ કેમ્પસમાં, ભારતની ગણમાન્ય દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય છેલ્લા છવીસ વર્ષથી કાર્યરત છે. પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી કાર્યરત આ સંસ્કૃત પાઠશાળામાં ચાલતા સંશોધન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય કાલગણના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાળ વિભુ છે, નિત્ય છે, સર્વત્ર વ્યાપક છે. ભગવાનની દિવ્ય શક્તિ સ્વરૂપે રહેલા કાળ-સમયના સ્વરૂપને સમજવું ખૂબ કઠીન છે. શાસ્ત્રોમાં કાળના અનેક સ્વરૂપો દર્શાવાયા છે. વિવિધ દેશોમાં, વિવિધ સંસ્કૃતિમાં કાળને અનેક રીતે ઓળખવામાં આવે છે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટીના સહયોગથી દર્શનમ્ શોધ કેન્દ્ર દ્વારા તા. ૨૨-૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમિયાન ‘ભારતીય કાલગણના પદ્ધતિ’ સેમિનારનું આયોજન થયું.
આ સેમિનારમાં ભારતભરતના વિવિધ રાજ્યોમાંથી જ્યોતિષ વિષયના પ્રખર વિદ્વાનોએ પધારી કાલગણનાના વિવિધ વિષયોને આધારે પોતાના શોધપત્રો રજુ કર્યા હતા. જેમાં શ્રી સોમનાથ સં.યુનિ.ના કુલપતિ શ્રી સુકાંત સેનાપતિજી, શ્રી ઈ.એન. ઈશ્વરન – કેરલા, શ્રી નાગેશ ભટ્ટ – કર્ણાટક, શ્રી વિનયકુમાર પાંડે- બનારસ, શ્રી રંગનાથ ત્રિપાઠી – ગોરખપુર, શ્રી રવીન્દ્ર ખાંડવાલા – અમદાવાદ, શ્રી શ્યામદેવ મિશ્ર – લખનૌ, શ્રી દિગન્ત ત્રિવેદી, શ્રી કાર્તિક પંડ્યા – સોમનાથ વગેરે મોટી સંખ્યામાં વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા.
બે દિવસના આ સેમિનારમાં કુલ ચાર સત્રો યોજાયા. જેમાં કાળના નવ સ્વરૂપ, મૂર્તામૂર્ત કાળ સ્વરૂપ, રામાયણ-મહાભારતમાં કાળગણના, વૈદિક સાહિત્યમાં કાળગણના, પાશ્ચાત્ય સંસ્કૃતિમાં કાળગણના, કાળની દાર્શનીક અવધારણા વગેરે વિષયોને આધારે ચર્ચા તથા પ્રશ્નોત્તરી થઈ હતી. ગુજરાતની વિવિધ પાઠશાળાઓ તથા અન્ય જ્યોતિષ વિષયના વિદ્યાર્થીઓ આ સેમિનારમાં જોડાયા હતા.