જાપાન ધર્મ યાત્રા
ભારતીય રાજદૂત સર જ્યોર્જ સાથેની યાદગાર મુલાકાત.
પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી જાપાનની ધર્મયાત્રાએ પધાર્યા હતા. આ યાત્રા દરમિયાન તેઓશ્રી જાપાનના પાટનગર ટોક્યો ખાતે ભારતીય એમ્બેસીમાં પધાર્યા હતા.
એમ્બેસીની બિલ્ડિંગમાં પ્રવેશ્યા કે તુરત જ ભગવાન શ્રી ગણેશની એક વિશાળ પ્રતિમા જોઈને સૌને અંતરમાં ખૂબ આનંદ થયો હતો.
વર્તમાન રાજદૂત સર જ્યોર્જે પૂજ્ય સ્વામીજી તથા સંતોનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું.
ભારત અને જાપાન વચ્ચે સદીઓ જૂના ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધો સુદૃઢ રહ્યા છે. સર જ્યોર્જે જણાવ્યું કે, આ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય દૂતાવાસ દ્વારા હોળી, દિવાળી, રક્ષાબંધન, રથયાત્રા વગેરે તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સાથે સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મોટા પાયે યોગના કાર્યક્રમો કરવામાં આવે છે. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભારતીયો તથા જાપાનના લોકો પણ ભાગ લે છે. ભારત અને જાપાન વચ્ચેના રાજકીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે અહીંની યુનિવર્સિટીઓ સાથે મળીને રચનાત્મક કાર્ય કરવામાં આવે છે.
સાથે સાથે પૂજ્ય સ્વામીજીએ ભારતમાં કાર્યરત સંસ્થા SGVPની પ્રાચીન જીવન મૂલ્યો આધારિત ગુરુકુળ શિક્ષણ પ્રણાલી વિશે જણાવ્યું ત્યારે તે સાંભળીને સર જ્યોર્જ ખૂબ જ પ્રભાવિત થયા હતા.