દર વર્ષની માફક આ વરસે પણ પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ૦૫ સપ્ટેમ્બર ૨૦૧૫ ના રોજ આનંદ અને ભક્તિના વાતાવરણમાં ઉજવાયો હતો. આ પ્રસંગે અમેરિકા સ્થિત ડો. વિજયભાઇ ધડુક તથા અન્ય મોટી સંખ્યામાં બહેન અને ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં ભગવાનના પ્રાગટ્યના કિર્તનોથી ભાવિકો રસ તરબોળ થયા હતા. પ્રાસંગિક પ્રવચન કરતા પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીએ ભગવાનનો પ્રગટ થવાના હેતુ જણાવતા કહ્યું હતું કે ભગવાનનો પ્રગટ થવાનો હેતુ અસુરોને સંહાર કરવાની સાથે ધર્મનું સ્થાપન કરવાનો પણ છે. તેમજ ગોપી ગોવાળોને પોતાનું સુખ આપ્યું તે પણ છે. ખરેખર આપણે મહાન ભાગ્યશાળી છીએ કે ભગવાનના તમામ અવતારો ભારત ભૂમિમાં જ થયા છે. કારણ કે આપણી ભારત ભૂમિ સંસ્કારની ભૂમિ છે, સંતોની ભૂમિ છે.
આ પ્રસંગે પુરાણી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ ભગવાન શ્રી કૃષ્ણે પ્રગટ થઇને જે જે લીલાઓ કરી તેનું વર્ણન કર્યું હતું અને જણાવ્યું હતું કે ભગવાનના લીલા ચરિત્રોનું આપણે શ્રદ્ધાથી શ્રવણ કરીએ તો આપણો મોક્ષ થાય છે.
પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા ત્યારે ત્રણ ચમત્કાર થયા. તેમાં પહેલું ભગવાન રાતના બાર વાગ્યે જનમ્યા ત્યારે ભાગવતમાં લખ્યા પ્રમાણે કમળ ખીલ્યા. રાતે તો કમળ ખીલે નહીં દિવસે જ ખીલે, વળી યજ્ઞ નિર્ધૂમ થયા એટલે કે યજ્ઞકુંડમાંથી ધૂમાડો અદ્રશ્ય થઇ ગયો. શ્રાવણ માસ હોવાથી ચારે બાજૂ ચોમાસામાં ભેજ હોય તો ધૂમાડો તો થાય જ. વળી યમુનાના જળ નિર્મળ થયા. ચોમાસામાં પાણી ડોળુ હોય છે પણ ભગવાનના પ્રાગટ્ય સમયે આ ત્રણેય ચમત્કાર થયા.
આ પ્રસંગે અમેરિકાથી ખાસ પધારેલ શ્રી વિજયભાઇ ધડુકે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ત્યારબાદ વડિલ સંતોએ ભગવાનના પ્રાગટ્યની આરતિ ઉતારી હતી ત્યારબાદ નંદ ઘેર આનંદ ભયો ના કિર્તનની સાથે આવેલ તમામ બહેનો અને ભાઇઓ અલગ વિભાગમાં રાસમાં જોડાયા હતા. ગુરુકુલના વિ્દ્યાર્થીઓએ રાસ તેમજ સમૂહ નૃત્યનો કાર્યક્રમ કર્યો હતો.
Picture Gallery