ભગવાન શ્રી સ્વામિનારાયણે તેમજ નંદ સંતોએ પ્રવર્તાવેલી ઉત્સવ પરંપરાથી આપણા જીવનમાં સદાચાર અને પ્રેમભક્તિની નિર્મળ ભાવનાઓને પોષણ મળતું રહે છે, જેથી સમાજમાં ભક્તિભાવના અને સદાચારની ભાવના કેળવાય છે.
પૂજ્ય શાસ્ત્રીજી મહારાજશ્રી ધર્મજીવનદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા પૂજ્યપાદ શ્રી જોગીસ્વામીજીએ નાઘેર પંથકમાં ગામડે-ગામડે ફરીને સત્સંગ નવપલ્લવિત રાખેલ છે. સાથે-સાથે ઉજવાતા ઉત્સવોની પરંપરા પણ જાળવી રાખી છે.
એજ પરંપરામાં દર અષાઢ સુદ એકાદશીએ ગુરુકુલ દ્રોણેશ્વર પાસે, પુરાણ પ્રસિદ્ધ તીર્થ દ્રોણેશ્વર મહાદેવના સાનિધ્યમાં જળઝીલણી મહોત્સવ ઉજવવામાં આવે છે. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩ જળઝીલણી એકાદશીના પવિત્ર અવસરે પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના પાવન સાનિધ્યમાં નાઘેર પ્રદેશ ઉપરાંત જુનાગઢ, અમરેલી, રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઈ વગેરે સ્થાનોથી ઉપસ્થિત રહેલ હજારો ભક્તજનોએ જળઝીલણીના સમૈયાનો લાભ લીધો હતો.
પ્રારંભમાં સાંખ્યયોગી બહેનોના સાનિધ્યમાં મહિલા સભામાં બાલિકા મંડળદ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
દ્રોણેશ્વર ગુરુકુલ વિદ્યાલયના પટાંગણથી મચ્છુન્દ્રી નદીને કિનારે સભા સ્થાન સુધી ભવ્ય શોભાયાત્રા બાદ મચ્છુન્દ્રી નદીને કાંઠે ઠાકોરજીને હોડીમાં નદીના જળમાં ઝીલાવવામાં આવ્યા હતા. અને ચાર આરતી ઉતારવામાં આવી હતી.
આ પ્રસંગે આફ્રિકા, સિસલ્સ સત્સંગ પ્રચાર અર્થે પધારેલા ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ફોનથી જણાવેલ કે, નાઘેરની ભૂમિ તપોભૂમિ છે. ભગવાન શ્રીસ્વામિનારાયણ, સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી અને અનેક સમર્થ સંતોના ચરણરજથી પાવન થયેલી છે.
પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પણ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવેલ કે, ઉત્સવ પરંપરા જીવનમાં સદાચાર, પ્રેમ અને ભક્તિની નિર્મળ ભાવનાને પ્રગટાવે છે.
ઉત્સવ દરમ્યાન વિવિધ રાસ ઉપરાંત દ્રોણેશ્વર ગુરુકુલના વિદ્યાર્થીઓનો મણિયારો રાસ તથા સોરઠી રાસ રજૂ કરાયા હતા.
આ પ્રસંગે ઉના ધારાસભ્ય શ્રી કે.ચી.રાઠોડ, જિલ્લા ભાજપ સંગઠનના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, ગીર ગઢડા તાલુકા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત ઉના, નગરપાલિકા ઉના તથા રાજકીય પાર્ટીના સભ્યોએ સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.
અંતમાં ઉપસ્થિત હજારો હરિભક્તોએ જળઝીલણી એકાદશીના સમૈયાનો મહાપ્રસાદ લીધો હતો.