Photo Gallery
આદરણીય મહામના મદનમોહન માલવીયાજી દ્વારા સંસ્થાપિત અને વિશ્વ પ્રસિદ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટી ખાતે આવેલા વેદ વિજ્ઞાન કેન્દ્રમાં ‘વૈદિક વિધિશાસ્ત્ર અને સમસામયિક વિશ્વ ઉપર એમનો પ્રભાવ’ એ વિષયને આધારે ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન થયું હતું. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન પૂજ્ય ગુરુવર્ય સ્વામી શ્રીમાધવપ્રિયદાસજીના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યું હતું. ઉપરાંત, સ્વામીશ્રી આ સેમિનારના કી-નોટ સ્પીકર પણ હતા.
આ ઇન્ટરનેશનલ સેમિનારમાં સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટીસ અને લો-કમિશનના અધ્યક્ષ માનનીય ચૌહાણ સાહેબ, સુપ્રિમ કોર્ટના જસ્ટિસ શ્રી પી.એસ. નરસિંહા, દિલ્હી હાઈકોર્ટના જસ્ટીસ, ઝારખંડ હાઈકોર્ટના જસ્ટીસ, કેરલા હાઈકોર્ટના જસ્ટીસ તથા દિલ્હી યુનિવર્સિટી, જે.એન.યુ. યુનિવર્સિટી વગેરે અનેક વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ, પ્રોફેસરો તેમજ દેશ અને વિદેશના આશરે ૨૫૦ જેટલા આધુનિક તથા પ્રાચીન કાયદા-કાનુનના નિષ્ણાંતોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ પ્રેરણાત્મક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, અનાદિ કાળથી બે પ્રકારની સભ્યતાઓ વિશ્વના ફલક ઉપર જોવા મળે છે. એક દેવવાદી અને બીજી અધ્યાત્મવાદી. જેના મૂળ વેદોમાં દાનવરાજ વિરોચન અને દેવરાજ ઇન્દ્રની કથામાંથી મળે છે. કોઈ પણ સભ્યતાના આચાર ઉપર વિચારનો જબરો પ્રભાવ હોય છે. સભ્યતાના રીતી-રિવાજ એમની વિચારધારા પ્રમાણે હોય છે. દેવવાદી વિચારધારા જે માત્ર અર્થ અને કામ અર્થાત્ મેળવો અને ભોગવોની વિચારધારા ઉપર નિર્ભર છે. જેને લંકાપતિ રાવણની વિચારધારા સાથે સરખાવી શકાય છે. અધ્યાત્મવાદી વિચારધારામાં અર્થ અને કામ તો છે જ, પરંતુ એમની સાથે સાથે ધર્મ અને મોક્ષ પણ જોડાયેલા છે. જેને આપણે ભગવાન રામની વિચારધારા સાથે જોડી શકીએ. વૈદિક સંસ્કૃતિ પ્રકૃતિને ભોગ્ય નહીં, પરંતુ પૂજ્ય માને છે. પ્રકૃતિના નિતાંત ભોગવાદે જે સમસ્યાઓ સર્જી છે તે આપણી સામે છે. એનું સમાધાન વૈદિક ધર્મશાસ્ત્ર આપી શકે છે.
ઉપરાંત સ્વામીજીએ ધર્મના સૂક્ષ્મ પાસાઓને સરળ રીતે રજૂ કર્યા હતા. જેનું શ્રવણ કરીને ઉપસ્થિત વિદ્વદ્ગણ ખૂબ પ્રસન્ન થયો હતો.
વેદ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના સો કરોડના ખર્ચે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી છે. આ કેન્દ્ર દ્વારા વેદ-શાસ્ત્રોમાં રહેલા રહસ્યો તથા વિજ્ઞાનને જગત સમક્ષ મૂકવાનું અનોખુ આયોજન થઈ રહ્યું છે.
વૈદિક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર પ્રો. ઉપેન્દ્ર ત્રિપાઠીજી, આગમ વિભાગના અધ્યક્ષ પ્રો. કમલેશજી ઝા, તથા સહયોગી અનુપજી, મયૂરજી વગેરેએ આ સંમેલનને સફળ બનાવવા માટે ખૂબ પુરુષાર્થ કર્યો હતો.
વિશેષ આ પ્રસંગે સંસ્કૃત આગમ વિભાગના અધ્યક્ષ પ્રો. કમલેશ ઝા તથા પ્રાધ્યાપકોના આમંત્રણને માન આપીને પૂજ્ય સ્વામીજી આ વિભાગમાં પધાર્યા હતા. જ્યાં પંડિતો દ્વારા સ્વામીજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત બી.એચ.યુ.ના વિદ્વાન અને કુશળ પ્રસાશક કુલપતિ ડૉ. શ્રી સુધીર જૈન સાથે સ્વામીજીની સુભેચ્છા મુલાકાત થઈ હતી. આ પ્રસંગે કુલપતિજીએ પૂજ્ય સ્વામીજીનું ભાવસ્વાગત કર્યું હતું તથા વૈદિક વિજ્ઞાન કેન્દ્રના વિકાસ માટે રચનાત્મક વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.