ત્રિદિનાત્મક વૈશ્વિક પરિસંવાદ, વડતાલધામ
શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે “સનાતન ધર્મ અનુપ્રાણિત શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વચનામૃત અને શિક્ષાપત્રી ગ્રંથમાં પ્રાપ્ત ભારતીય જીવનમૂલ્ય” વિષય પર, વડતાલ મંદિર દ્વારા, ભારતીય તત્વાનુસંધાન પરિષદ દિલ્હી સહિત ૧૮ જેટલી કેન્દ્રીય અને રાજ્ય સ્તરીય વિશ્વવિદ્યાલયોએ સાથે મળીને, ૫૦૦ થી વધુ વિદ્વાન સારસ્વતોની ઉપસ્થિતિમાં, વડતાલધામમાં ૧૬ થી ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ દરમ્યાન ત્રિદિનાત્મક આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજવામા આવ્યો હતો.
આ પરિસંવાદમાં ગુજરાત સહિત, દક્ષિણ ભારત અને બનારસના પંડિતો, પ્રોફેસરો, અધ્યાપકો, શોધછાત્રોએ શોધપત્રો સાથે ભાગ લીધો હતો.
વડતાલ ગાદીના આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના શુભાશિર્વાદ સાથે પ્રારંભાયેલા આ પરિસંવાદ ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીના અધ્યક્ષપદે આયોજિત કરવામાં આવ્યો હતો તથા સારસ્વત ડો. બળવંતભાઈ જાનીનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. સાથે સાથે પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી – કુંડળ, ચેરમેનશ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, કોઠારી શ્રી સંતવલ્લભદાસજી સ્વામી વગેરે સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
આ પરિસંવાદમાં અધ્યક્ષીય સ્થાન શોભાવતા પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ મનઘડંત ઘડાયેલા સિદ્ધાંતોનું શાસ્ત્રીય સિદ્ધાંતો દ્વારા નિરાકરણ કરીને મૂલ સંપ્રદાયનું દર્શનતત્વ રજુ કર્યું હતું, જેથી બનારસ અને દક્ષિણ ભારતના વિદ્વાનોએ સંતોષ સાથે કહ્યુ કે, આજ અમને મૂળ સંપ્રદાયનો સિદ્ધાંત વિશેષ સ્પષ્ટ થયો છે.
આ પરિસંવાદમાં વિવિધ વિશ્વવિદ્યાલયોના કુલપતિ, ઉપકુલપતિ, વિભાગાધ્યક્ષ અને તજજ્ઞ વિદ્વાનોએ મનનીય વક્તવ્ય આપીને પરિસંવાદને સફળ બનાવ્યો હતો. પરિસંવાદમાં ભારતના દિગ્ગજ વિદ્વાનોએ સનાતન ધર્મ પરંપરામાં શિક્ષાપત્રી અને વચનામૃતના યોગદાનને બિરદાવતા એક સૂરમાં જણાવ્યું હતું કે, શિક્ષાપત્રી અને વચનામૃતમાં સનાતન ધર્મ ખૂબ સારી રીતે વણાયેલો છે. આ ગ્રંથો સનાતન ધર્મના પ્રાણ તત્ત્વ જેવા છે. આ બંને ગ્રંથોનો વૈશ્વિક સ્તર પર વિવિધ વિષયો પર વિશેષ વ્યાખ્યાન પ્રવચન જ નહિ, પરંતુ જીવન ઉપયોગી પ્રયોગાત્મક ઉદ્બોધન થવા જોઈએ.
આ પરિસંવાદમાં પ્રો. અવની ચગ નેધરલેન્ડથી ઉપસ્થિત રહ્યા હતા. અમેરિકા પેન્સિલવિનીયાના શ્રી બાબુ સુથાર, કોલંબીયાના શ્રી યોગી ત્રિવેદી, લંડનના શ્રી જગદીશ દવે વગેરે દેશ-વિદેશના વિદ્વાનોના નિબંધોનું વાંચન થયુ હતુ.
ગુજરાત સાહિત્ય અકાદમી અનુપ્રાણિત સત્રમાં નિસર્ગ આહિર, નરેન્દ્રભાઈ પંડયા, અજયસિંહ ચૌહાણ, સંજય મકવાણા, પુલકેશ જાની વગેરેએ અદ્ભુત શોધપત્રો રજુ કર્યા હતા. ગુજરાત અને ગુજરાતી સંશોધકોના પત્રોની વિદ્વાનોએ મુક્તકંઠે પ્રસંશા કરી હતી.
આ પરિસંવાદમાં સંપ્રદાયના યુવા સંતોએ ધારાપ્રવાહ સંસ્કૃતભાષામાં આપેલ વક્તવ્યથી વિદ્વાનોએ આનંદ વ્યક્ત કરતા કહ્યુ હતું કે, સમાજમાં આ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશિષ્ટ યોગદાન ગણાશે. આપ સંસ્કૃતની નવી પેઢી તૈયાર કરી રહ્યા છો.