હિન્દુ આચાર્ય સભા દ્વારા બ્રહ્મલીન ગિરનારી કાશ્મીરી બાપુને શ્રદ્ધાંજલિ
તપસ્વીઓની અનાદિ પરંપરાના દેદિપ્યમાન સંવાહક એવા ગિરનારી કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થતાં, હિન્દુ આચાર્ય સભા વતી સ્વામી શ્રી પરમાત્માનંદજી મહારાજ, ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, જામનગરના આચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજ વગેરે હિન્દુ ધર્મ આચાર્ય સભાના સંતોએ બ્રહ્મલીન ગિરનારી પૂજ્ય શ્રી કાશ્મીરી બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી.
પૂજ્ય શ્રી કાશ્મીરી બાપુને શ્રદ્ધાંજલિ આપતા સંતોએ જણાવ્યું હતું કે આપણાં પ્રમાણ ગ્રન્થોમાં તપનું ખૂબજ મહત્વ દર્શાવ્યુ છે. તૈતરીય ઉપનિષદમાં ભૃગુ ઋષિની બ્રહ્મજિજ્ઞાસાના પ્રશ્નના જવાબમાં મંત્ર છે.
“तपसा ब्रह्म विजिज्ञासस्व” “तपो ब्रह्मेति”
તપ દ્વારા બ્રહ્મને જાણો, બ્રહ્મ તપસ્વરુપ છે.
તદ્ઉપરાંત ગીતાજીમાં ૧૮ મા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે યજ્ઞ, દાન અને તપનું નિરંતર પાલન કરવું. મનીષીઓ માટે આ ત્રણ શુદ્ધિકારક છે.
ભગવાન દત્તાત્રય અધિષ્ઠિત ગિરનાર તપોમૂર્તિ છે. જ્યાં હંમેશા તપસ્વીઓ વસ્યા છે.
પરમ પૂજ્ય કાશ્મીરી બાપુ તપસ્વીઓની અનાદિ પરંપરાના દેદિપ્યમાન સંવાહક હતા. તેમના નિર્વાણથી ફક્ત ગિરનાર જ નહીં પણ સમગ્ર હિન્દુ સમાજ અપૂર્તક્ષતિ અનુભવશે. કાશ્મીરી બાપુની દિવ્ય ચેતનાને નમન.
– સ્વામી માધવપ્રિયદાસજી
SGVP ગુરુકુલ અમદાવાદ