સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રીમાધવપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં કંપાલા ખાતે શ્રીકચ્છ સત્સંગ શ્રી સ્વામિનારાયણ મંદિરના ઉપક્રમે ૦૫-૦૭ જૂન ૨૦૧૫ ત્રણ દિવસ હિન્દુ લાઇફ-સ્ટાઇલ સેમિનારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારનો આરંભ વેદમંત્રોના ગાન અને સ્વામીશ્રીના શુભ હસ્તે દીપ પ્રાગટ્યથી થયો.
મંદિરના પ્રમુખ શ્રી હિતેશભાઇ જેસાણી, કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રીનીતિનભાઇ, કે.સોલ્ટના માલિક શ્રીકાનજીભાઇ વરસાણી, એલ.એમ. સીમેન્ટસવાળા શ્રીલક્ષ્મણભાઇ હાલાઇ, લાલજી દેવશી વેકરીયા, કાન્તિભાઇ-અરૂસા, શ્રીગોપાલ દેવશીભાઇ વેકરીયા, મનિષ શિયાણી, મંદિરના ટ્રસ્ટીશ્રી પ્રેમજીભાઇ કારા, શિવજી હિરાણી, માવજી કારા, નિમેષ શિયાણી વગેરે આ વિધિમાં જોડાયા હતા.
સ્વામીશ્રીએ ત્રણ દિવસ સુધી વિવિધ સત્રોમાં હિન્દુ ધર્મના મહત્ત્વના અંગો વિશે પ્રકાશ પાડ્યો હતો તેમજ સામૂહિક ધ્યાનનો અભ્યાસ કરાવ્યો હતો.
પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે ‘એકવીશમી સદીના આ ઝડપી યુગમાં માનવના બ્રેઇન સેલને સક્ષમ રાખવા માટે ધ્યાન જરૂરી છે. ક્લોરીનથી જેમ જળ નિર્મળ થાય એમ સામૂહિક ધ્યાનની દિવ્ય ઊર્જા દૂષિત વાતાવરણને શુદ્ધ કરે છે. ’
‘આ સેમિનારનો હેતુ જીવનને સાચી દિશા પૂરી પાડવાનો છે. માનવ જીવન પરમાત્માએ આપેલ અણમોલી ભેટ છે. એનો સદુપયોગ થાય તો જીવન ધન્ય બની જાય. ભગવાન પાસે સંપત્તિ નહી, સન્મતિ માગવી. સન્મતિ સફળતાની ચાવી છે. ’
પૂજ્ય સ્વામીજી સાથે પધારેલા સંતોએ વિવિધ વિષયો ઉપર વિડીયો પ્રેઝન્ટેશન રજૂ કરીને યુવાન ભાઇ-બહેનોને પ્રેરણા પૂરી પાડી હતી અને કીર્તન-ભક્તિ દ્વારા વાતાવરણને રસતરબોળ કર્યું હતું.
સેમિનારની પૂર્ણાહુતિમાં મંદિરના ટ્રસ્ટી ચેરમેનશ્રી પરબતભાઇ શિયાણી તથા સમાજના પ્રમુખશ્રી નીતિન માવજી વેકરીયા, કે. વરસાણી તથા કાન્તિભાઇ અરૂસાવાળાએ મંગલ ઉદ્બોધન કર્યું હતું.
શિવજી લાલજી હિરાણી, શિવજી રૂડા ખેતાણી, શ્યામજી કારા, કિશોર લાલજી હિરાણી વગેરે સ્થાનિક સ્વયંસેવક ભાઇ-બહેનોએ વિવિધ વિભાગોની સેવા ઉત્સાહથી ઉપાડી લીધી હતી.
Picture Gallery