Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Hindu Lifestyle Seminar London UK 2023

Photo Gallery

About Event

ગુરુવર્ય સ્વામી શ્રીમાધવપ્રિયદાસજી ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસારાર્થે ઈંગ્લેન્ડમાં પરિભ્રમણ કરી રહ્યા છે. સ્વામીશ્રી જ્યાં પધારે ત્યાં હિંદુ સંસ્કૃતિનો ચાહક વર્ગ તથા મુમુક્ષુ ભાવિકજનો એકત્રિત થઈને સત્સંગનો અલભ્ય લાભ પ્રાપ્ત કરતા રહે છે.

લંડન ખાતે સ્વામીશ્રીના સાનિધ્યમાં છેલ્લા ૧૪ વર્ષથી નિયમિત રીતે હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનારનું આયોજન થાય છે. આ સેમિનારનો લાભ લેવા માટે યુ.કે.ના વિવિધ વિસ્તારોમાંથી ઉત્સાહી ભક્તજનો મોટી સંખ્યામાં પધારે છે.આ વર્ષે તા. ૧૪ જૂન, ૨૦૨૩ના રોજ પંચદિનાત્મક હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનારનો મંગલ પ્રારંભ થયો છે.

અહીં SGVP ગુરુકુલ દ્વારા થતી શિક્ષણ, સ્વાસ્થ્ય અને પર્યાવરણ ક્ષેત્રે થતી અનેક સર્વજીવહિતાવહ પ્રવૃત્તિઓનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે સારંગપુરમાં ઉજવેલા ભવ્ય રંગોત્સવમાં થયેલી સભાના દિવ્ય દ્રશ્યની અહીં ઝાંખી થાય છે, તેમજ વડતાલના પુષ્પદોલોત્સવમાં ભગવાનને હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા, તેના પ્રતિક સ્વરૂપે બાર બારણાના હિંડોળામાં ભગવાનના સ્વરૂપોને બિરાજીત કરવામાં આવ્યા છે. લંડન નિવાસી સ્વયંસેવક ભાઈ-બહેનોએ હિંદુ લાઈફ સ્ટાઈલ સેમિનારના ભાગસ્વરૂપે આ દર્શનીય પ્રદર્શની તૈયાર કરી છે.
આ વર્ષે સેમિનારના ભાગરૂપે ‘શ્રીમદ્‌ભાગવત કથા પારાયણ’નું આયોજન કરવામાં આવેલ છે. કથા પારાયણના મંગલ પ્રારંભે યજમાન શ્રી લક્ષ્મણભાઈ દેવશીભાઈ રાઘવાણી પરિવારના તમામ સભ્યોએ પોથીપૂજન કર્યું હતું. આ પ્રસંગે કથાશ્રવણ માટે એકત્રિત થયેલા ભક્તજનોએ મંગલ ગીતો, વાજીંત્રોના નાદ સાથે પોથીજીની યાત્રા કાઢી હતી. કથાના પ્રારંભ પ્રસંગે સ્વામીશ્રી તથા યજમાનો દ્વારા ભગવદ્‌પૂજન, પોથીપૂજન થયા બાદ શ્રી કલ્પેશ ઝાલાવાડીયાએ સદ્‌ગુરુ પ્રેમાનંદ સ્વામીની રચના ઉપર કલાસભર નૃત્ય કરીને પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.

કલ્પેશ ઝાલાવાડીયા ગુરુકુલના ભૂતપુર્વ વિદ્યાર્થી છે. સ્વામીશ્રી માધવપ્રિયદાસજી તથા સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજીના કૃપાપાત્ર છે. તેઓ એક કલાકાર તરીકે યુ.કે.ની ૧૫૦ સ્કુલો સાથે જોડાયેલા છે અને હજારો યુરોપીયન વિદ્યાર્થીઓને હોળી તેમજ દિવાળીના ઉત્સવો ઉજવતા કર્યા છે. આ દ્રષ્ટિએ કલ્પેશ ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે પ્રશંસનીય પ્રયાસ કરી રહ્યા છે.

આ અવસરે વ્યાસાસનેથી સ્વામીશ્રીએ શ્રીમદ્‌ભાગવતજીના મંગલાચરણના શ્લોકનો સુંદર અર્થ સમજાવ્યો હતો અને કહ્યું હતું કે, ‘આપણો સનાતન ધર્મ છે. જેનો આરંભ ન હોય જેનો અંત ન હોય તેને સનાતન કહેવાય. આ સનાતન ધર્મ સત્ય ઉપર પ્રતિષ્ઠિત છે. માટે જ એ સનાતન છે. સનાતન ધર્મ સૌથી પ્રાચીન હોવા છતાં નિત્ય નૂતન છે. જ્ઞાન વિજ્ઞાનનો ભંડાર છે.
સનાતન ધર્મની સ્થાપના કોઈ એક મહાપુરુષે કરેલી નથી. અનેક ઋષિમુનિઓએ સનાતન ધર્મને સમૃદ્ધ કરેલો છે. સનાતન ધર્મ વિવિધતામાં રહેલી એકતાને વરેલો છે. સનાતન ધર્મ લોકોને આલોકમાં પણ સુખી કરે છે એટલે કે ભૌતિક રીતે પણ ઉન્નતિ આપે છે અને પરલોકમાં પણ સુખી કરે છે.
‘સનાતન ધર્મનો મુખ્ય ગ્રંથ વેદ છે. વેદને સમજવા માટે ત્રણ મુખ્ય ગ્રંથો છે; જેના નામ છે. ઉપનિષદો, શ્રીમદ્‌ભગવદ્‌ગીતા, બ્રહ્મસૂત્ર. શ્રીમદ્‌ભાગવત આ ત્રણેય ગ્રંથોના અર્ક સમાન છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના વચનામૃતો આ ત્રણેય ગ્રંથોના તત્ત્વોને સીધી, સાદી, સરળ ગુજરાતી ભાષામાં સમજાવે છે.’
‘સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય આ સનાતન ધર્મના પાંચ પાયા છે. સનાતન ધર્મમાં દેવયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, મનુષ્યયજ્ઞ અને ભૂતયજ્ઞ આ પાંચયજ્ઞો પ્રસિદ્ધ છે. જેમાં સમગ્ર જડચેતન સૃષ્ટિનું કલ્યાણ સમાયેલું છે.
સનાતન ધર્મના નિરૂપણ બાદ સ્વામીશ્રીએ વિશ્વના અન્ય ધર્મો કરતા સનાતન ધર્મની વિશિષ્ટતા સમજાવી હતી. અવતારોના પ્રાગટ્યની કથાનું રહસ્ય સમજાવ્યું હતું.
સ્વામીજી પોતાના પ્રવચનમાં પ્રાચીન કથાઓમાં છુપાયેલ વૈજ્ઞાનિક રહસ્યોનું વર્ણન કરતા રહે છે, જે નવી પેઢીને ભારે આકર્ષે છે.

આ પંચદિનાત્મક જ્ઞાનયજ્ઞ દરમિયાન ભગવાન શ્રીરામ તથા ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવનાર છે. ઉપરાંત આ જ્ઞાનયજ્ઞ દરમિયાન અન્નકૂટ મહોત્સવ, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમ, મહિલા મંચ, સમૂહ મહાપૂજા તથા મંત્ર અનુષ્ઠાન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં પધારનારા ભક્તજનોને ભોજન પ્રસાદની વ્યવસ્થા તથા વિવિધ આયોજનોને સફળ કરવા માટે શ્રી કચ્છ સત્સંગ સમાજ ઈસ્ટલંડન તેમજ ગુરુકુલ પરિવારના સ્વયંસેવક ભાઈ-બહેનોએ ખૂબ જ સુંદર વ્યવસ્થા ગોઠવી છે.

Achieved

Category

Tags